27 December, 2022 10:44 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
અમદાવાદ ઃ ગુજરાતમાં એક તરફ પડી રહેલી ઠંડી અને બીજી તરફ ઠંડાગાર પવન ફૂંકાતા ઠંડીમાં ગુજરાત જાણે ઠૂંઠવાઈ ગયું છે. આટલું ઓછું હોય એમ હજી પણ ગુજરાત ઠૂંઠવાશે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી સાથે ગુજરાતમાં ચારથી પાંચ દિવસ ઠંડી રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
ગઈકાલે નલિયામાં ૫.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતાં નલિયાવાસીઓએ અસહ્ય ઠંડીનો સામનો કર્યો હતો, તો બીજી તરફ ડીસામાં ૯.૬ ડિગ્રી સેલ્સિયસ, કંડલા ઍરપોર્ટ વિસ્તારમાં ૯.૭, ભુજમાં ૧૦, રાજકોટમાં ૧૦.૨, સુરેન્દ્રનગરમાં ૧૧.૫, ગાંધીનગરમાં ૧૧.૭, મહુવામાં ૧૧.૯ અને અમદાવાદમાં ૧૩.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.
અમેરિકા અને કૅનેડામાં ઓછામાં ઓછા ૫૦નાં મૃત્યુ
અમેરિકા અને કૅનેડાને ધમરોળી નાખનારા બરફના તોફાનના કારણે ઓછામાં ઓછા ૫૦ જણનાં મૃત્યુ થયાં છે. અમેરિકામાં ન્યુ યૉર્ક સ્ટેટમાં જ ૨૫થી વધુનાં મોત થયાં છે, જ્યાં બુફેલો સિટી પર સૌથી વધારે અસર થઈ છે. જપાનમાં પણ બરફના તોફાનના કારણે ૨૦થી વધુનાં મોત નીપજ્યાં છે.