છેડોગે તો છોડેંગે નહીં: ટીનેજરની સરેઆમ છેડતી કરનારા મુસ્લિમ સામે સુરતીઓનો અભૂતપૂર્વ આક્રોશ

26 April, 2026 07:18 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

શુક્રવારે ઘટના બની ત્યારે પોલીસે આવીને આરોપીને વૅનમાં બેસાડ્યો, પણ પબ્લિકે એમાંથી બહાર કાઢીને તેને ધીબેડી નાખ્યો: ગઈ કાલે પોલીસ આરોપીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવા લઈ આવી ત્યારે પાટીદાર સમાજ સહિતના અસંખ્ય લોકોએ રસ્તા પર ઊતરી આવીને માર્યો

પોલીસ ગઈ કાલે આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝ શેખને ઘટનાસ્થળે લાવી ત્યારે પબ્લિકે તેને બરાબરનો ફટકાર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે આરોપીને લઈ આવી છે એ જાણીને લોકોનાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. શુક્રવારે ઘટનાસ્થળે આરોપીને પકડીને પોલીસે વૅનમાં બેસાડ્યો ત્યારે જનતાએ તેને બહાર કાઢીને ધોપટી નાખ્યો હતો.

સુરતના અલથાણ વિસ્તારમાં શુક્રવારે રાતે ચાલીસેક વર્ષના મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝ શેખે એક સગીરાનો હાથ પકડીને બીભત્સ ઇશારા કરીને તેની છેડતી કરતાં તેમ જ સગીરા સાથે જઈ રહેલી તેની ફ્રેન્ડની પણ છેડતી કરતાં મામલો બિચક્યો હતો. સગીરાએ છેડતીનો વિરોધ કરતાં ત્યાંથી પસાર થતા લોકો એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ આરોપીને પોલીસ-વૅનમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. પોલીસ આરોપીને પોલીસ-સ્ટેશન લઈ ગઈ ત્યાં પાટીદાર સમાજ સહિતના લોકો હજારોની સંખ્યામાં એકઠા થઈ જતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. એટલું જ નહીં, ગઈ કાલે સુરત પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવા જતાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને મામલો તંગ બન્યો હતો. અલથાણ પોલીસે આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝ શેખને શુક્રવારે રાતે પકડીને તેની સામે ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિક (POSCO) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.  

શુક્રવારે રાતે આઠેક વાગ્યાના સુમારે સાડાચૌદ વર્ષની એક સગીરા તેના જેટલી જ ઉંમરની બહેનપણી સાથે ટ્યુશન ક્લાસિસમાં ગઈ હતી. ત્યાંથી પાછી ફરી રહી હતી એ દરમ્યાન સુરત જિલ્લાના બારડોલી ખાતે રહેતા આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝ શેખે સગીરાનો જમણો હાથ પકડીને આંખથી ખરાબ ઇશારા કર્યા હતા તેમ જ સગીરાની બહેનપણીને પણ આંખથી ખરાબ ઇશારા કરીને પીછો કર્યો હતો. જોકે સગીરાએ તેનો વિરોધ કરતાં પાટીદાર સમાજ સહિતના સમાજના લોકો એકઠા થઈ ગયા હતા. દરમ્યાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પોલીસની વૅનમાં બેસાડી દીધો હતો. જોકે ટોળાનો આક્રોશ એટલો બધો હતો કે આરોપીને પોલીસ-વૅનમાંથી બહાર કાઢીને માર્યો હતો. પોલીસ આરોપીને વૅનમાં બેસાડીને અલથાણ પોલીસ-સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાં પણ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવા સાથે વિરોધ કર્યો હતો. વાતાવરણ તંગ બનતાં પોલીસે ટોળા પર લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસ ગઈ કાલે આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝ શેખને સાથે રાખીને પોલીસ-બંદોબસ્ત વચ્ચે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને એ માટે સુરત પોલીસે રી-કન્સ્ટ્રક્શન દરમ્યાન સ્પેશ્યલ ઍક્શન ફોર્સને પણ બંદોબસ્ત માટે બોલાવી હતી. રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે એની જાણ થતાં જ લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને આરોપી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો. રી-કન્સ્ટ્રક્શન દરમ્યાન આરોપીનો ટપલીદાવ પણ થયો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. લોકોનો રોષ જોઈને પોલીસ આરોપીને પોલીસ વૅનમાં બેસાડીને જતી રહી હતી.  

અલથાણ વિસ્તારમાં ઍટલાન્ટા કૉમ્પ્લેક્સ પાસે સગીરાની છેડતીના પગલે પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનાને પગલે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવી હતી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ રીતે મહિલાઓ સહિત લોકો રસ્તા પર ઊતરીને ભારે વિરોધ કરશે એવી પોલીસે કલ્પના કરી નહીં હોય અને આ ઘટનાથી પોલીસ પણ જાણે કે હેબતાઈ ગઈ હતી.

મારી છોકરી સેફ છે : સગીરની મમ્મી 
જેની છેડતી થઈ તે સગીરાની મમ્મીએ મીડિયાને કહ્યું હતું કે ‘પહેલાં તો બધા પટેલ આવ્યા, મારી દીકરી માટે આટલા બધી પબ્લિક ભેગી થઈ એ માટે બધાનો આભાર. મારી છોકરીની છેડતી થઈ એ માટે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. મારી છોકરીને ન્યાય મળશે. એ માટે સમાજ પરિવાર, સરદાર પટેલ ગ્રુપ અને સૌનો ધન્યવાદ. મારી છોકરી સેફ છે.’

gujarat news gujarat surat Crime News sexual crime Protection of Children from Sexual Offences Act POCSO gujarat police