✕

ઘાટકોપર પોલીસે પકડ્યા ૭ બંગલાદેશીઓને

22 November, 2026 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલીમાં રહેતા હતા અને ઘાટકોપરમાં છૂટક કામ કરવા આવતા હતા, ગેરકાયદે ઘૂસણખોરી કરીને ૧૦ મહિનાથી ભારતમાં હતા

ઘાટકોપરમાંથી પકડાયેલા બંગલાદેશી નાગરિકો.

ઘાટકોપર પોલીસે ગેરકાયદે રીતે ભારતમાં રહેતા હોવાના આરોપસર ૭ બંગલાદેશી નાગરિકોને ઝડપી લીધા છે. ગુપ્ત બાતમીના આધારે ઘાટકોપર-વેસ્ટના જાગૃતિનગર સ્થિત સંત તુકારામ બ્રિજ નજીક દિશા હૉસ્પિટલ પાસે સવારે સાડાઅગિયાર વાગ્યે ઍન્ટિ-ટેરરિઝમ સેલ (ATC)ની ટીમે પૅટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ રીતે ફરી રહેલા ૭ જણને અટકાવ્યા હતા. પૂછપરછ અને તપાસ દરમ્યાન તેમના મોબાઇલ ફોનમાં બંગલાદેશના બર્થ-સર્ટિફિકેટ, રાષ્ટ્રીય ઓળખપત્ર અને બંગલાદેશી મોબાઇલ નંબર મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ લોકો છેલ્લા ૧૦ મહિનાથી યોગ્ય પરવાનગી વિના ગેરકાયદે માર્ગે ભારતમાં ઘૂસીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા અને ઘાટકોપરના જુદા-જુદા વિસ્તારોમાં નોકરી કરતા હતા. આ સાતેય બંગલાદેશી નાગરિકોને ભારતમાંથી દેશનિકાલ કરવાની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવા માટે ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO) અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપવામાં આવી છે. મુંબઈ પોલીસના ઝોન 2ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) ગણેશ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કસ્ટડીમાં લીધેલા આ સાતેય આરોપીઓની ઉંમર વીસથી ૩૭ વર્ષની વચ્ચે છે, તેમની ઓળખ ૩૫ વર્ષના મોહમ્મદ નઝરુલ ઇસ્લામ મોડલ, ૩૦ વર્ષના સોહાગ અબ્દુલ હન્નાન રાણા, ૩૦ વર્ષના મોનિર કાલુ ફકીર, ૨૦ વર્ષના બિપ્લબ મોહમ્મદ જહાંગીર બબલુ હુસેન, ૨૨ વર્ષના નઈમ મિઝાનુર રહમાન શેખ, ૩૭ વર્ષના સાજિદ મોહમ્મદ શાહજહાં હવાલદાર અને ૨૨ વર્ષના રકીબ મોહમ્મદ અબુ નાસર હુસેન તરીકે થઈ છે. આ તમામ આરોપીઓ ડોમ્બિવલીના ગરીબાચા વાડા વિસ્તારમાં રહેતા અને ઘાટકોપરના અલગ-અલગ  વિસ્તારમાં છૂટક કામ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.’

ghatkopar bangladesh anti terrorism squad mumbai news mumbai