29 December, 2022 09:38 AM IST | Mumbai | Shailesh Nayak
અમદાવાદમાં યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં ગઈ કાલે વડા પ્રધાનનાં માતા હીરાબાને ઍડ્મિટ કરાયાં હતાં. તેમને મળીને હૉસ્પિટલમાંથી કારમાં જઈ રહેલા પીએમ.
માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તમામ કાર્યક્રમ રદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખબર કાઢવા અમદાવાદ દોડી આવ્યા, હૉસ્પિટલના નિયામક અને સારવાર કરી રહેલા ૬ ડૉક્ટરોની ટીમ સાથે વાતચીત કરીને માતાની તબિયતની જાણકારી મેળવી, હીરાબાની તબિયત સુધારા પર હોવાની ડૉક્ટરોએ આપી જાણકારી
અમદાવાદ : માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તમામ કાર્યક્રમ રદ કરીને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે તેઓની ખબર કાઢવા માટે દિલ્હીથી અમદાવાદ દોડી આવ્યા હતા. ડૉક્ટરો સાથે માતાના સ્વાસ્થ્યની પૂછપરછ કરીને માતા સાથે દોઢેક કલાક બેસીને માતાની તબિયત સુધારા પર હોવાનું જાણીને તેઓ થોડાઘણા હાશકારા સાથે હૉસ્પિટલમાંથી નીકળ્યા હતા. જોકે માતાની તબિયતને લઈને તેઓ ચિંતાતુર બન્યા હતા.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેઓને ગઈ કાલે અમદાવાદમાં આવેલી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં ડૉક્ટરોની ટીમે તેઓની સારવાર શરૂ કરી હતી. હૉસ્પિટલમાં છ ડૉક્ટરોની ટીમે હીરાબાની મેડિકલ તપાસ હાથ ધરી જરૂરિયાત પ્રમાણેના રિપોર્ટ્સ કઢાવ્યા હતા. બપોરના સમયે હૉસ્પિટલ સત્તાવાળાઓએ હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જાહેર કર્યું હતું.
બીજી તરફ માતાની તબિયત અસ્વસ્થ થયાની જાણ નરેન્દ્ર મોદીને થતાં તેઓ ચિંતાતુર બન્યા હતા અને દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ ઍરપોર્ટથી હૉસ્પિટલ પહોંચ્યા હતા. હૉસ્પિટલના નિયામક અને સારવાર કરી રહેલી ડૉક્ટરોની ટીમ સાથે નરેન્દ્ર મોદીએ વાતચીત કરીને માતાની તબિયતની જાણકારી મેળવી હતી. તેઓ હૉસ્પિટલમાં લગભગ દોઢેક કલાક હાજર રહ્યા હતા. હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જાણ્યા બાદ તેઓ હૉસ્પિટલમાંથી નીકળ્યા હતા.
આ તસવીરો મોદી અને હીરાબા વચ્ચેનું બૉન્ડિંગ સૂચવે છે
વડા પ્રધાન આ વર્ષે ૧૮ જૂને તેમનાં માતા હીરાબાના ૧૦૦માં જન્મદિવસે તેમને મળવા ગયા હતા એ સમયનો આ ફોટોગ્રાફ છે.
ગાંધીનગરમાં ૨૦૧૯ની ૩૦ ઑક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી તેમનાં માતા હીરાબાને મળવા ગયા હતા એ સમયનો આ ફોટોગ્રાફ છે.
કૉન્ગ્રેસના નેતાઓએ પીએમની માતા માટે કરી કામના
મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસના અધ્યક્ષ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનાં માતાના સારા આરોગ્ય માટે અમે કામના કરીએ છીએ. આશા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે.
રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના નેતા
એક મા અને દીકરા વચ્ચેનો પ્રેમ અનંત અને અમૂલ્ય હોય છે. મોદીજી આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સપોર્ટ તમારી સાથે છે. હું આશા વ્યક્ત કરું છું કે તમારાં માતાજી જેમ બને એમ ઝડપથી સ્વસ્થ થઈ જાય.