સંગીતને જીવન સમર્પિત કરી દેનાર ગૌરાંગ વ્યાસે અનેક નવોદિત ગાયકોને તૈયાર કર્યા હતા

04 September, 2026 08:01 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાર્થિવ ગોહિલે મિડ-ડે સાથે વાગોળી ગૌરાંગ વ્યાસ સાથેની યાદો: ગૌરાંગ વ્યાસ કહેતા કે સંગીત એ ઈશ્વરને પામવાનું અદ્ભુત સાધન છે : પાર્થિવ ગોહિલ

અમદાવાદમાં ગૌરાંગ વ્યાસના ઘરે તેમને મળીને પાર્થિવ ગોહિલે તેમના આશીર્વાદ લીધા હતા.

સંગીતને જીવન સમર્પિત કરી દેનાર ગૌરાંગ વ્યાસ જે નવોદિત ગાયકોનો હાથ પકડીને આગળ લઈ આવ્યા એમાં જાણીતા યુવા ગાયક પાર્થિવ ગોહિલ પણ છે. ગૌરાંગ વ્યાસ સાથેની યાદોને વાગોળતાં પાર્થિવ ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૌરાંગભાઈએ અનેક નવોદિત ગાયકોને તૈયાર કર્યા છે એનું હું પોતે એક્ઝામ્પલ છું. ભાવનગરથી હું ૧૯૯૮માં નવો-નવો મુંબઈ આવ્યો હતો. મારી કરીઅરનું પહેલું ગુજરાતી ફિલ્મનું ગીત એમણે મને ગવડાવ્યું હતું. ફિલ્મ હતી ‘રંગાઈ જા ને રંગમાં’. આ ફિલ્મનું ગીત હતું ‘રાધાજી આજે રિસાણી રે...’ અે પછી તો ગૌરાંગભાઈ સાથે તેમનાં લગભગ ૭૦થી વધુ ગીતો ગાયાં છે. એટલું જ નહીં, અમદાવાદ અને મુંબઈમાં અઢળક કાર્યક્રમો કર્યા, તેમની સાથે અમેરિકા-ટૂર પણ કરી હતી. મને હજી પણ યાદ આવે છે કે તેઓ ‘હુ તુતુતુ’ ગીત ગાતા અને અમને બધાને કોરસમાં ગવડાવતા હતા.’  

પાર્થિવ ગોહિલે કહ્યું હતું કે ‘થોડા સમય પહેલાં અમે અમદાવાદમાં ગૌરાંગભાઈના ઘરે તેમને મળ્યા હતા. તેઓ બહુ ખુશ હતા અને અમને તેમના આશીર્વાદ મળ્યા હતા ત્યારે અમને બહુ ખુશી થઈ હતી. તેમણે મને કહ્યું હતું કે સંગીતની સાધના કરજો. સંગીત એ ઈશ્વરને પામવાનું અદ્ભુત સાધન છે. આપણા પર આશીર્વાદ છે કે આપણને સંગીત મળ્યું છે. આવું તેઓ બધાને કહેતા હતા. ગૌરાંગભાઈનું વ્યક્તિત્વ નિખાલસ હતું. સાદાઈથી તેઓએ સંગીતને જીવન સમર્પિત કરી દીધું હતું. તેમને સંગીતના યોગી કહી શકાય. સંગીતના સાધક હતા. તેમની સાથે કામ કરવું એ લહાવો હતો.’

gujarat news gujarat parthiv gohil indian classical music indian music celebrity death