09 February, 2023 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયસુખ પટેલ (તસવીર મિડ-ડે)
ગુજરાતના મોરબીની અદાલતે ગઈ કાલે ઓરેવા ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલના પોલીસ-રિમાન્ડની મુદત પૂરી થતાં તેમને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યા હતા. મોરબીમાં બ્રિજ હોનારતના કેસમાં તેઓ એક આરોપી છે. જયસુખ પટેલની કંપની આ બ્રિજના સંચાલન અને જાળવણી માટે જવાબદાર હતી. તેમણે ૩૧ જાન્યુઆરીએ અદાલત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.
ઇસ્લામાબાદ (પી.ટી.આઇ.): પાકિસ્તાનની ઑથોરિટીઝે સિંધ પ્રાંતમાં રહેતા ૧૯૦ હિન્દુઓને ભારતમાં જતાં રોક્યા હતા. ઑથોરિટીએ એના કારણ વિશે જણાવ્યું હતું કે આ લોકો ભારતમાં તેમની મુલાકાતના હેતુ વિશે સંતોષજનક જવાબ નહોતા આપી શક્યા. સિંધ પ્રાંતના અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકો અને મહિલાઓ સહિત જુદા-જુદા હિન્દુ પરિવારો ભારતમાં જવા માટે મંગળવારે વાઘા બૉર્ડર પર પહોંચ્યા હતા. તેઓ ધાર્મિક યાત્રા માટેના વિઝા પર ભારત જવા ઇચ્છતા હતા. જોકે પાકિસ્તાનની ઇમિગ્રેશન ઑથોરિટીઝે તેમને મંજૂરી નહોતી આપી, કેમ કે તેઓ ભારત જવા માટેનું યોગ્ય કારણ નહોતા આપી શક્યા. હિન્દુ પરિવારો સામાન્ય રીતે ધાર્મિક યાત્રા માટેના વિઝા મેળવીને આવે છે અને એ પછી લાંબા સમય સુધી ભારતમાં જ રોકાઈ જાય છે.
આ પણ વાંચો : Dell Layoffs: હવે આ ટેક કંપની કરશે 6 હજારથી વધુ લોકોની છટણી, જાણો વિગત
વૉશિંગ્ટન : છટણી કરનારી ટેક કંપનીઓમાં ઝૂમ પણ સામેલ થઈ ગયું છે. આ કંપનીએ એના સ્ટાફના અંદાજે ૧૫ ટકા એટલે કે લગભગ ૧૩૦૦ કર્મચારીઓની છટણી કરવાની મંગળવારે જાહેરાત કરી હતી. ઝૂમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઍરિક યુઆને જણાવ્યું હતું કે દરેક ડિપાર્ટમેન્ટને આ છટણીની અસર થશે. ઍરિકે લખ્યું હતું કે ‘અમે અમારી ટીમને ૧૫ ટકા ઘટાડવાનો તેમ જ ૧૩૦૦ કલીગ્ઝને ગુડબાય કહેવાનો મુશ્કેલ પણ જરૂરી નિર્ણય કર્યો છે.’
નવી દિલ્હી : ભારતમાં લગભગ ૩૦ લાખ લોકોને ગ્લેશિયર પીગળવાને કારણે સર્જાયેલાં જળાશયોને કારણે પુરનું જોખમ હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી વધુ લોકો આ જોખમ હેઠળ છે. બ્રિટનની ન્યુકૅસલ યુનિવર્સિટી ખાતે વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળની આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ્સ (ગ્લોફ)નું સૌથી વધુ જોખમ ધરાવતા વિસ્તારો વિશે પ્રથમ વૈશ્વિક આકારણી કરી એનો અહેવાલ અભ્યાસરૂપે જનરલ નેચર કમ્યુનિકેશનમાં પ્રકાશિત કરાયો છે, જે અનુસાર ૧.૫૦ કરોડ લોકો પુરના જોખમ હેઠળ છે.