દેશભરમાં ૧૦ રૂપિયાના સિક્કા ચાલે તો મોરબીમાં કેમ ન ચાલે?

15 May, 2024 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોરબીના જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ આમ કહીને પબ્લિકને અપીલ કરી કે સૌ સાથે મળીને ૧૦ રૂપિયાના સિક્કાની લેવડદેવડ કરશે તો પ્રશ્ન તાત્કાલિક ઉકેલાઈ જશે 

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા મોરબી શહેર અને જિલ્લામાં નાણાકીય વ્યવહારમાં લોકોએ ઘણા સમયથી ૧૦ રૂપિયાનો સિક્કો લેવાનું બંધ કરતાં હાલાકી સર્જાઈ છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ પબ્લિકને અપીલ કરી છે કે ‘સૌ સાથે મળીને ૧૦ રૂપિયાના સિક્કાની લેવડદેવડ કરશે તો પ્રશ્ન તાત્કાલિક ઉકેલાઈ જશે. આખા દેશમાં ૧૦ રૂપિયાના સિક્કા ચાલે છે તો મોરબીમાં કેમ ન ચાલે?’ આમ જણાવીને કલેક્ટરે એવી પણ તાદીક કરી છે કે ૧૦ રૂપિયાનો સિક્કો સ્વીકારવા માટે કોઈ ના ન પાડી શકે.

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાણાકીય વ્યવહારમાં ૧૦ રૂપિયાનો સિક્કાનો ચલણ તરીકે ઉપયોગ બંધ થઈ ગયો છે એના પગલે મુશ્કેલી સર્જાઈ છે. જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીના ધ્યાનમાં આ બાબત આવતાં તેમણે મોરબી જિલ્લામાં ૧૦ રૂપિયાના સિક્કાને ચલણ તરીકે સ્વીકારવા અને ઉપયોગ કરવાની સૂચના આપીને કહ્યું હતું કે ‘૧૦ રૂપિયાના સિક્કા ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા ટેન્ડર કરન્સીથી ચલણમાં મૂકેલા અને એ હાલમાં અસ્તિત્વમાં હોય એવું નાણું છે જેથી એને સ્વીકારવા માટે કોઈ ના ન પાડી શકે. હું મોરબી શહેર અને જિલ્લાના તમામ લોકોને વિનંતી કરું છું કે ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારે. દરેક વેપારીઓ સિક્કા સ્વીકારે અને દરેક બૅન્ક પણ ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારે. જો કોઈ નાગરિક પાસેથી વેપારી કે વેપારી પાસેથી બૅન્ક ૧૦ રૂપિયાનો સિક્કો ન સ્વીકારે તો વહીવટી તંત્રના ધ્યાનમાં લાવો. ભારતીય ચલણી નાણું જે અસ્તિત્વમાં હોય એને સ્વીકારવાની કોઈ ના પાડે તો એ કાયદેસરનો ગુનો બને છે. આપણી પાસે ૧૦ રૂપિયાના સિક્કાનો પૂરતો સ્ટૉક ઉપલબ્ધ છે. ૧૦ રૂપિયાની નોટનો કોઈ સંગ્રહ ન કરે. એનું ક્યાંય બ્લૅક-માર્કેર્ટિંગ ન થાય એની વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે. જો કોઈ વેપારી ૧૦ રૂપિયાના સિક્કા ન સ્વીકારે તો મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, ચિટણીસ ટુ કલેક્ટર તેમ જ ડેપ્યુટી કલેક્ટરને જાણ કરો.’ 

gujarat news social media morbi indian rupee