06 August, 2024 11:07 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બીલીમોરા પાણી પાણી
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની અંબિકા, કાવેરી, પૂર્ણા, ઔરંગા સહિતની નદીઓમાં પૂર આવતાં નવસારી, વલસાડ અને બીલીમોરાનાં કાંઠા વિસ્તારનાં ગામોમાં પૂરનાં પાણી ભરાયાં હતાં.
રવિવારે રાતે જ ગણદેવી અને ચીખલી તાલુકામાંથી હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અંબિકા નદીનું ધસમસતું પૂર આવે એ પહેલાં ઉનાઈ-વ્યારા રેન્જની પદમડુંગરી ઇકો-સાઇટ પર ફરવા આવેલા ચાર હજાર સહેલાણીઓને રવિવારે જંગલના રસ્તેથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આટલું પાણી ક્યારેય નથી આવ્યું
ઉનાઈ-વ્યારા રેન્જનાં રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (RFO) રુચિ દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પદમડુંગરી ઇકો-સાઇટ પાસેથી પસાર થતી અંબિકા નદીમાં પૂર આવતાં રવિવારે પદમડુંગરીમાં ફરવા આવેલા ચાર હજાર સહેલાણીઓને જંગલના રસ્તેથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. પૂર આવવાની જાણ થતાં જ સહેલાણીઓને સલામત રીતે બહાર કાઢવા કવાયત કરી હતી અને સાંજે સવાછ વાગ્યા સુધીમાં તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. ક્યારેય આટલું પાણી આવ્યું નથી. અંબિકા નદી ૩૨ ફુટે વહી હતી. નૉર્મલ કરતાં ૧૨ ફુટ પાણી વધારે હતું. રોડ પર ત્રણ ફુટ જેટલાં પાણી ભરાયાં હતાં. જોકે ગઈ કાલે નદીમાં પાણી ઊતર્યાં હતાં.’