24 November, 2024 11:36 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
BJPના જીતેલા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર.
ઉત્તર ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ભારે રસાકસી બાદ ૨૪૪૨ મતોની સરસાઈથી વિજય મેળવ્યો હતો અને આ સાથે જ કૉન્ગ્રેસનો ગઢ ગણાતી વાવ વિધાનસભા બેઠકમાં BJPએ ગાબડું પાડતાં કૉન્ગ્રેસ અવાક થઈ ગઈ હતી. BJPની જીત થતાં જ વાવ વિધાનસભા મતવિસ્તાર અને ગુજરાત BJPના પ્રદેશ કાર્યાલય કમલમમાં આગેવાનો અને કાર્યકરોએ જીતનો જશન મનાવ્યો હતો.
વાવ વિધાનસભા બેઠક પર BJP અને કૉન્ગ્રેસ વચ્ચે સીધો ચૂંટણીજંગ હતો, પરંતુ BJPના માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતાં આ પેટાચૂંટણી રસાકસીભરી બની ગઈ હતી. જોકે ગઈ કાલે મતગણતરી થયા બાદ જાહેર થયેલાં પરિણામમાં BJPના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ૯૨,૧૭૬ મત મળ્યા હતા. કૉન્ગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ૮૯,૭૩૪ મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને ૨૭,૧૯૫ મત મળ્યા હતા. પાલનપુરના જગાણા ખાતે યોજાયેલી મતગણતરી દરમ્યાન શરૂઆતથી જ કૉન્ગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મતોની સરસાઈમાં આગળ ચાલી રહ્યા હતા, પરંતુ મતગણતરીના છેલ્લા ત્રણ રાઉન્ડમાં BJPના સ્વરૂપજી ઠાકોરે બાજી મારી હતી અને તેમનો વિજય થયો હતો. આ પેટાચૂંટણીમાં BJPમાં બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા માવજી પટેલને ૨૭,૧૯૫ મત મળ્યા હતા. આમ તો એવું ચર્ચાતું હતું કે માવજી પટેલ BJPને નડશે, પરંતુ ગણતરી ઊંધી થઈ ગઈ છે અને માવજી પટેલ BJPને નહીં પણ કૉન્ગ્રેસને નડી ગયા.
ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા બેઠક જીતવા માટે ગુજરાતના પ્રધાનો અને આગેવાનો મેદાનમાં આવ્યા હતા અને આ વિસ્તારમાં ચારેતરફ ફરીને ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.