03 December, 2024 12:48 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
ભારતીય જનતા પાર્ટી (BJP)નાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલ
દક્ષિણ ગુજરાતના વડામથક સુરતમાં વૉર્ડ-નંબર ૩૦નાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે રવિવારે પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટો બાંધીને લટકી જઈને સુસાઇડ કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. દીપિકા પટેલે કયા કારણસર આપઘાત કરવો પડ્યો એ બાબત હજી પણ પોલીસ તપાસમાં વણઊકલી રહેતાં આપઘાત પાછળનું રહસ્ય ઘેરું બન્યું છે.
સુરત પોલીસે ગઈ કાલે મીડિયાને આ કેસની વિગત આપતાં કહ્યું હતું કે ‘અલથાણાના ભીમરાડ ગામમાં રહેતાં દીપિકા પટેલે રવિવારે સુસાઇડ કર્યું હતું. આ આપઘાત કરતાં પહેલાં તેમણે કૉર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું સ્ટ્રેસમાં છું, કદાચ બચું કે ન પણ બચું. એ પછી ચિરાગ સોલંકી તેમના ઘરે ગયા હતા ત્યારે તેમનાં ત્રણ બાળકો ઘરે જ હતાં. બાળકોની હાજરીમાં જ દરવાજો તોડ્યો અને દીપિકા પટેલની ડેડ-બૉડીને હૉસ્પિટલ લઈ ગયા હતા. ડૉક્ટરે કહ્યું હતું કે અહીં લાવતાં પહેલાં દીપિકાનું મૃત્યુ થઈ ગયું છે. પોસ્ટમૉર્ટમના પ્રાથમિક ઓપિનિયનમાં ડૉક્ટરે કહ્યું કે હૅન્ગિંગને કારણે મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે ફૉરેન્સિક સાયન્સ લૅબોરટરી (FSL)ની ટીમે મુલાકાત લીધી હતી અને જે પંખા પર દીપિકાબહેન લટકી ગયાં એ અને તેમણે જે કપડાનો ઉપયોગ કર્યો હતો એ કબજામાં લઈને તપાસ માટે લઈ ગયા છે. તેમના ઘરેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. દીપિકા પટેલનો ફોન FSLમાં મોકલ્યો છે અને તેમના ફોનનો કૉલ ડિટેલ રેકૉર્ડ આવ્યો છે એને ઍનલાઇઝ કરી રહ્યા છીએ.’
ઉલ્લેખનીય છે કે BJPનાં કૉર્પોરેટર ચિરાગ સોલંકી દીપિકા પટેલના ઘરે ગયા હતા અને તેમનો મૃતદેહ ઉતારીને હૉસ્પિટલ લઈ ગયા હતા તો સવાલ એ ઊઠ્યા છે કે ચિરાગ સોલંકીએ પોલીસને જાણ કર્યા વગર મૃતદેહ કેમ ઉતારી લીધો? પોલીસે ચિરાગ સોલંકીનો ફોન પણ કબજામાં લીધો છે.