27 September, 2024 10:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહબુદ્દીન રાઠોડ
મને ઘણા પૂછે છે કે તમે તો કલાકાર, તમને ફૉરેન ફરવાની મજા આવતી હશે. વાત સાચી છે, પણ અર્ધસત્ય છે. કલા અને નિર્દોષ હાસ્યને કારણે ઘણા દેશોમાં કાર્યક્રમો કરવાની તક મળી છે, બીજા દેશો જોવા મળ્યા છે, પણ ફૉરેનના ઑર્ગેનાઇઝર અને મારા આત્મીય જનો સિવાય બહુ ઓછા લોકોને ખબર છે કે ફૉરેન જવાનું બને એટલે હું સરળતા ખાતર આગળ-પાછળના એકાદ દિવસની જોગવાઈ રાખું અને પછી તરત રિટર્ન થઈ જાઉં. દુબઈ ને અબુધાબી જેવા દેશોમાંથી તો રાતે પ્રોગ્રામ પતાવીને બીજી સવારે હું પાછો આવવા માટે નીકળી ગયો છું. એવું નથી કે મેં એ બધા દેશો બહુ જોઈ લીધા એટલે હું પાછો આવી જાઉં છું. ના, હકીકત જુદી છે. દેશનું મહત્ત્વ વિદેશ ગયા પછી જ સમજાય અને મેં એ અનુભવ્યું છે.
મારી કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆતનાં વર્ષોની વાત છે. એ સમયે ફૉરેન શો કરવા જવાનું ખાસ ચલણ નહીં. તમે એવું કહો તો ચાલે કે એ ચલણ ચાલુ કરવામાં હું ક્યાંક ને ક્યાંક નિમિત્ત. શરૂઆતનાં એ વર્ષો દરમ્યાન મને અમેરિકાના એક ઑર્ગેનાઇઝરે કૉન્ટૅક્ટ કર્યો ને કહ્યું કે આપણે અમેરિકામાં તમારા ૨૦ શો કરીએ, પણ એને માટે તમારે અહીં દોઢ-બે મહિના રોકાવું પડશે. આપણને તો એમ કે અમેરિકા છે એટલે મજા આવશે. મેં હા પાડી અને ૩૮ દિવસની મારી ટૂરની અરેન્જમેન્ટ થઈ ગઈ. તમે માનશો નહીં પણ મને એમ કે ત્યાં ફરવામાં આટલા દિવસો ઓછા પડશે. હું તો બધી તૈયારી સાથે રાજી થતો-થતો પહોંચી ગયો ત્યાં અને હજી તો માંડ ત્રણ દિવસ પૂરા કર્યા હશે ત્યાં મારી ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ!
ઇન્ડિયા પાછા જવામાં હવે કેટલા દિવસ બાકી? બસ, આ જ વાત મારા મનમાં ચાલ્યા કરે. શો શરૂ થતાં પહેલાં મહામહેનતે એનર્જી ભેગી કરું અને પૂરા મન સાથે શો કરું પણ જેવો શો પૂરો થાય કે મનમાં હાશકારો થાય કે હાશ, ચાલો એક શો પત્યો, હવે આટલા જ શો બાકી રહ્યા. ફૉરેન મને ગમતું નથી એવું નથી, પણ મને મારું આકાશ વધારે વહાલું છે. મને મારા દેશનો ઑક્સિજન વધારે માફક આવે છે. કદાચ આ જ કારણ હશે કે હજારો લોકોએ મને થાનગઢથી નીકળીને અમદાવાદ ને મુંબઈ રહેવા આવી જવાની સલાહ આપી, પણ મારી ધરતીનો છેડો તો થાનગઢ જ અને આજે પણ એવું જ છે. થાનગઢ પાછો પહોંચું ત્યારે મારા મનમાંથી એવો હાશકારો નીકળે કે મારા શરીરના એકેક કણને ખબર પડી જાય કે હવે નિરાંતનો અનુભવ કરવાનો છે. આ જે નિરાંત છે એમાં પ્રેમ છે, લાગણી છે, જે અપનાપન છે એ તમને તમારા દેશમાં, વતનમાં કે ઘરમાં જ મળે, બીજે ક્યાંય નહીં.