21 April, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે બધા જ વ્યસ્ત છે. રોજેરોજની રોટી રળતો મજૂર હોય, માસિક પગાર મેળવતો કર્મચારી હોય કે મબલક રળતા ડૉક્ટરો, વકીલો, વેપારીઓ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, ઉદ્યોગપતિઓ હોય... બધા જ વ્યસ્ત છે અને સાથે-સાથે તનાવયુક્ત જીવન જીવે છે. જેને માટે આ વ્યસ્તતા અને તનાવ રહે છે એ જીવન વિશે શાંતિથી વિચારવાનો સમય માણસ પાસે નથી. જિંદગીમાંથી સંતોષ, નિરાંત, પ્રસન્નતા, આત્મીયતા, નિર્દોષ મજાક-મસ્તી ક્યાં ચાલ્યાં ગયાં? એના અભાવથી સુખની સાચી અનુભૂતિ થઈ શકતી નથી. મહત્ત્વાકાંક્ષા રાખવી એ બૂરી ચીજ નથી પણ એની પાછળની દોટ એ એક પ્રકારનો રોગ જરૂર છે. દેખાદેખીથી જીવનમાં કોઈ શાંતિ મળી શકતી નથી. મોટાઈ, કીર્તિ, પ્રશંસાના વ્યસની બનવામાં જીવનનાં કીમતી વર્ષો વેડફાઈ જાય છે અને જિંદગીના ઉત્તરાર્ધમાં આ વાત સમજાય છે. જે સમાજ માટે અને જે લોકો માટે તમે જેટલો સમય આપ્યો એટલો સમય એ સમાજ કે એ લોકો તમારા માટે આપવાના નથી. તમે સમાજના રંગમંચ પરથી અદૃશ્ય થયા પછી કોઈ તમને યાદ કરવાનું નથી.
સ્વાર્થ વગર કોઈ કોઈની પાસે જતું નથી. સંબંધોમાં આત્મીયતા ખોવાઈ રહી છે. જીવનમાં બધા જ પ્રકારના અનુભવો થાય છે. સારા-ખરાબ કે સુખદ-દુખદ એથી નિરાશ થઈને નકારાત્મક વિચારો કરવા યોગ્ય નથી જ, પણ આયુષ્યનાં છેલ્લાં વર્ષોમાં જ જ્ઞાન લાધે છે કે ‘આપણા માટે આપણે શું કર્યું? આપણો આનંદ આપણે બીજાના હાથમાં સોંપી દીધો છે. આપણા સુખની ચાવી બીજાઓ પાસે છે?’ હમણાં એક લેખકમિત્ર મળ્યા. તેમણે કહ્યું, ‘કશું ગમતું નથી. મરાતું પણ નથી. આનંદો ઓસરતા જાય છે. જીવવું બોજારૂપ લાગતું જાય છે. શરીર ચાલે છે અને અન્યોને ઉપયોગી થઈ શકું એટલે જીવું છું.’
આવી નકારાત્મક વિચારધારા ધરાવનારને બુદ્ધિમાન ન જ ગણી શકાય. મારા સ્વર્ગસ્થ પિતાશ્રી નંદલાલભાઈની યાદ આવે છે. વિષાદમય ચહેરે ઉદાસીનતામાં બેઠેલા તેમને ક્યારેય જોયા નથી. સ્નેહીઓ, મિત્રો અને સ્વજનોનું કંઈક ને કંઈક નાનું-મોટું કામ વ્યસ્ત જીવન હોવા છતાં કરતા રહેતા. મિત્રો અને સગાંસંબંધીઓના તેઓ આત્મીયજન અને સાચા સલાહકાર હતા. નરસિંહ મહેતાની પંક્તિઓ, ‘આજની ઘડી તે રણિયામણી’ તેમણે જીવનમાં ઉતારી હતી. આપણે સૌ વર્તમાનમાં જીવતાં શીખીએ તો આપણી જિંદગી આપણને બોજારૂપ નહીં લાગે. આપણે તો નિયતિના હાથનાં રમકડાં છીએ. આપણે એ જ રમત રમીએ છીએ જે તે રમાડે છે છતાં આપણે તેનું કર્તૃત્વ આપણા હાથમાં છે એમ માનીને જીવીએ છીએ. કદાચ આપણો આ અહંકાર જ સર્વ દુ:ખના મૂળમાં છે. ઉર્દૂનો પ્રખ્યાત શેર યાદ આવી રહ્યો છે, ‘મુદ્દઈ લાખ બુરા ચાહે, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ.’
- હેમંત ઠક્કર