11 September, 2024 10:23 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
કૅલિફૉર્નિયાના ક્યુપરટિનોમાં ઍપલના હેડક્વૉર્ટરમાં ગઈ કાલે ડિસ્પ્લેમાં નવા આઇફોન 16 અને એ પ્રસંગે ઍપલના CEO ટિમ કુક સાથે અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ.
ઍપલ કૉર્પોરેશને સોમવારે રાતે ક્યુપરટિનોના ઍપલ પાર્કમાં ઇટ્સ ગ્લોટાઇમ ઇવેન્ટમાં નવી જનરેશનના હાર્ડવેર સાથે અનેક નવી જાહેરાતો કરી હતી અને સાથે-સાથે એનાં નવા આઇફોન 16 સિરીઝનાં ચાર મૉડલ લૉન્ચ કર્યાં હતાં, જેમાં બે સ્ટાન્ડર્ડ અને બે પ્રો મૉડલનો સમાવેશ છે. આઇફોન સિવાય પણ ઍપલે ત્રણ વર્ષ બાદ અનેક નવાં ફીચર્સ સાથેનાં ઍરપૉડ્સ 4 લૉન્ચ કર્યાં હતાં. આ સિવાય નવી ડિઝાઇન અને પાતળી પ્રોફાઇલ ધરાવતી ઍપલ વૉચ સિરીઝ 10 પણ લૉન્ચ કરી હતી. એક પછી એક એમ અટક્યા વિના આ જાહેરાતો થતી રહી હતી. જોકે સૌની આતુરતા આઇફોન 16 મૉડલમાં આવનારાં નવાં ફીચર્સ પર હતી. નવા સ્માર્ટફોન બાયર્સને આ ફીચર્સ ગમશે એવો કંપનીનો દાવો છે.
આઇફોન 16ની ડિઝાઇન અને ડિસ્પ્લે
ઍપલે આ વખતે આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મૅક્સની સાઇઝમાં વધારો કર્યો છે. આઇફોન 16 પ્રોમાં ૬.૩ ઇંચનું ડિસ્પ્લે મળશે, જ્યારે આઇફોન 16 પ્રો મૅક્સમાં ૬.૯ ઇંચનું ડિસ્પ્લે મળશે. આઇફોન 15 પ્રોમાં ૬.૧ અને આઇફોન 16 પ્રો મૅક્સમાં ૬.૭ ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું હતું.
નવા સ્માર્ટફોનમાં ગ્રેડ 5 ટાઇટેનિયમ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એને વધુ બહેતર પ્રીમિયમ લુક આપે છે. એમાં લેટેસ્ટ જનરેશનનું સિરૅમિક શીલ્ડ આપવામાં આવ્યું છે જે આઇફોન 15 સિરીઝ કરતાં બમણી સુરક્ષા પ્રદાન કરે છે.
ચાર કલર વેરિઅન્ટ
આ ફોન ચાર કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જેમાં બ્લૅક, વાઇટ, નૅચરલ અને નવા ડેઝર્ટ ટાઇટેનિયમનો સમાવેશ છે. નવા આઇફોન 16 પ્રો અને પ્રો મૅક્સમાં સુપર રેટિના XDR ડિસ્પ્લે, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 2000 નિટ્સ પિક બ્રાઇટનેસ આપવામાં આવી છે.
વધારે બૅટરી લાઇફ
નવા ચિપસેટને કારણે આઇફોન 16 પ્રો મૉડલમાં ૨૭ કલાકની બૅટરી-લાઇફ અને આઇફોન 16 પ્રો મૅક્સમાં એ ૩૩ કલાકની હશે. એમાં રાઇટિંગ ટૂલ્સ, કૉલ સમરી અને ટ્રાન્સક્રિપ્શન, ક્લીન અપ, જેનમોજી અને અન્ય ફીચર્સ સામેલ છે. આઇફોન 16 પ્રો લાઇનઅપમાં ગ્રાફિક્સ પણ વધારે બહેતર બનાવવામાં આવ્યાં છે અને એને માટે 6 કોર GPUનો વપરાશ કરવામાં આવ્યો છે. આઇફોન 15 પ્રોની સરખામણીમાં આની સ્પીડ ૨૦ ટકા વધારે હશે.
નવું કૅમેરા કન્ટ્રોલ બટન
આઇફોન 16 પ્રો અને પ્રો મૅક્સમાં યુઝર્સને નવું કૅમેરા કન્ટ્રોલ મળશે જે નેક્સ્ટ લેવલનો અનુભવ આપશે. આઇફોન 16 પ્રોમાં ટ્રિપલ રિયર કૅમેરા સેટઅપ છે જેમાં અપગ્રેડ કરાયેલાં સેન્સરનો સમાવેશ છે. કૅમેરા અપડેટની વાત કરતાં પહેલાં કંપનીએ નવા કૅમેરા કન્ટ્રોલ બટનની વાત કરી હતી જેની મદદથી કૅમેરાને આસાનીથી ઑન કરી શકાશે અને ફોટો ક્લિક કરી શકાશે. આ સિવાય કન્ટ્રોલ બટનથી કૅમેરાનો મોડ પણ બદલી શકાશે. એમાં એક 48 મેગા પિક્સેલ (MP) ફ્યુઝન કૅમેરો છે.
ટ્રિપલ કૅમેરા સેટ-અપ
નવા 48 MP અલ્ટ્રાવાઇડ કૅમેરા છે જે 12 MP ટેલિફોટો કૅમેરા સાથે છે જે ઝૂમની કવૉલિટીને પાંચ ગણી વધારે બહેતર બનાવશે. આઇફોન 16 પ્રો મૉડલમાં 4k વિડિયો 120 ફ્રેમ પર સેકન્ડની સ્પીડથી ડોલ્બી વિઝનમાં રેકૉર્ડ થશે.
ઑડિયો હાર્ડવેરમાં સુધારો
ઍપલે જણાવ્યું હતું કે આઇફોન 16 પ્રો લાઇનઅપમાં ઑડિયો હાર્ડવેરને વધારે બહેતર બનાવવામાં આવ્યું છે અને એમાં ચાર સ્ટુડિયો ક્વૉલિટી માઇક સામેલ કરવામાં આવ્યાં છે. એની મદદથી યુઝર્સ સ્પેટિયલ વિડિયો રેકૉર્ડિંગ સાથે સ્પેશિયલ ઑડિયોને પણ રેકૉર્ડ કરી શકશે.
ભારતમાં કિંમત
આઇફોન 16ની કિંમત ૭૯,૯૦૦ રૂપિયાથી શરૂ થશે જેમાં 128 GB ડેટા મળશે અને 512 GB ડેટા માટે ૧,૦૯,૯૦૦ રૂપિયા વાપરવા પડશે.
આઇફોન 16 પ્લસ 128 GB માટે ૮૯,૯૦૦ રૂપિયા, 256 GB માટે ૯૯,૯૦૦ રૂપિયા અને 512 GB માટે ૧,૧૯,૯૦૦ રૂપિયાની કિંમતે મળશે.
આઇ ફોન 16 પ્રો 128 GB માટે ૧,૧૯,૯૦૦ રૂપિયામાં મળશે અને એની કિંમત ૧,૬૯,૯૦૦ (1 TB) રૂપિયા સુધી જશે.
આઇફોન 16 પ્રો મૅક્સ 256 GB માટે ૧,૪૪,૯૦૦ રૂપિયામાં, 512 GB માટે ૧,૬૪,૯૦૦ રૂપિયામાં અને 1TB માટે ૧,૮૪,૯૦૦ રૂપિયાની કિંમતે મળશે.