10 June, 2026 01:33 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
પ્રશ્ન વિચિત્ર લાગી શકે, કારણ કે કૉમનસેન્સ કહે છે કે જો જમ્યા પછી પેટ ભરાય તો કેવી રીતે ભૂખ લાગી શકે. જોકે કેટલીક મેડિકલ કન્ડિશન એવી હોય છે જેમાં વ્યક્તિને જમી લીધા પછી પેટ ભરાયાની ફીલ નથી આવતી. એવી કઈ કન્ડિશન્સ છે જેમાં તમે ભોજન પછી પણ ભૂખનો જ અનુભવ કરો છો એ વિશે વાત કરીએ
માનવશરીર એક યુનિક પણ જો ન સાચવો તો કૉમ્પ્લીકેટેડ માસ્ટર પીસથી જરાય ઊતરતું નથી. બૉડીની મેસેન્જર સિસ્ટમ એટલી સ્ટ્રૉન્ગ છે કે તમારી દરેક ઍક્શનનો બ્રેઇનને કેમિકલ ક્રીએશન સાથે જવાબ મળતો હોય છે. તમને ભૂખ લાગે એ વાત પણ બ્રેઇન હૉર્મોન્સ થકી પહોંચાડે અને પેટ ભરાઈ ગયું એ કહેવા માટે પણ હૉર્મોન્સ ભાગ ભજવતાં હોય છે. જોકે ઘણી વાર એવું પણ બનતું હોય જ્યારે આ હૉર્મોનલ સિસ્ટમ ખોરવાય અને રાઇટ ટાઇમ પર રાઇટ મેસેજ ન પહોંચે અને ધીમે-ધીમે એની અસર સંપૂર્ણ સિસ્ટમ પર પડે. શરીરની આવી જ એક અતરંગી અવસ્થા હોય છે જેમાં વ્યક્તિને જમ્યા પછી પણ ભૂખ લાગે. જાણે કે પેટ ક્યારેય ભરાય જ નહીં અથવા તો એવી લાગણી જ ન થાય. થોડુંક અજુગતું લાગી શકે કે જમ્યા પછી ભૂખ લાગે એ કેવું? પરંતુ શરીરની કેટલીક અવસ્થામાં આ મહત્ત્વનું લક્ષણ મનાય છે અને સ્થૂળતાથી લઈને કેટલીક કૉમ્પ્લીકેટેડ બીમારીઓમાં પણ એ નિમિત્ત બને છે. જાણીએ કે કયાં કારણો છે જેમાં તમે જમ્યા પછી પણ ભૂખ્યા ને ભૂખ્યા જ રહો છો અથવા તો પેટ ભરાઈ જવાનો સંતોષ નથી થતો.
કહેવાય શું?
જમ્યા પછી તરત જ ફરીથી ભૂખ લાગવી અથવા પેટ ભરાયાનો સંતોષ ન થવો અથવા તો સતત ખાવાની ઇચ્છા થવી એ આજકાલ ઘણા લોકોમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. મેડિકલ ભાષામાં આ સ્થિતિને હાઇપરફેજિયા કે પૉલિફેજિયા પણ કહેવામાં આવે છે. આ સંદર્ભે ન્યુટ્રિશનિસ્ટ કલ્પના હેમંત શાહ કહે છે, ‘જ્યારે વ્યક્તિ પેટ ભરીને જમે છે ત્યારે શરીરને તૃપ્તિનો અહેસાસ થવો જોઈએ, પરંતુ જ્યારે એવું નથી થતું ત્યારે એની પાછળ કેટલાંક કારણો જવાબદાર હોય છે. આ માત્ર એક સામાન્ય આદત નથી, પણ શરીરની અંદર ચાલી રહેલા કોઈ અસંતુલનનો સંકેત છે. આવું જો દરરોજ થતું હોય તો તાત્કાલિક ફૅમિલી ડૉક્ટરને દેખાડીને મહત્ત્વનાં ચેકઅપ કરાવી લેવાં જોઈએ.’
થાય શું કામ?
જમ્યા પછી પણ પેટ ભરાયાનો સંતોષ ન થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. એ વિશે ચર્ચા કરતાં કલ્પનાબહેન કહે છે, ‘તમારું ભોજન પૂર્ણ રીતે સંતુલિત ન હોય. ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ નહીંવત્ અથવા તો ખૂબ ઓછું હોય તો પણ તરત જ ભૂખ લાગે છે. ભૂખ લાગવા માટે જવાબદાર હૉર્મોન ઘ્રેલિન અને પેટ ભરાવા માટે જવાબદાર હૉર્મોન લેપ્ટિનના સીક્રેશનમાં ગોટાળો હોય ત્યારે પણ આવું બને. એ સિવાય જો તમારું શુગર-લેવલ ખૂબ જ
ઉપર-નીચે રહેતું હોય ત્યારે ઇન્સ્યુલિનના સ્રાવમાં ઊભું થતું અસંતુલન પણ પેટ ભરાયાની લાગણીમાં બાધક બની શકે. ખૂબ અવગણાયેલું પણ મહત્ત્વનું બીજું એક કારણ એટલે કે આપણી ઊંઘ. જો પૂરતી ઊંઘ ન મળી હોય ત્યારે પણ હૉર્મોનલ અસંતુલન થાય. સ્ટ્રેસ હૉર્મોન વધે અને વધુ કૅલરીવાળો આહાર જેમ કે ચૉકલેટ, જન્ક ફૂડ વગેરેનું ક્રૅવિંગ વધે. ઘણા લોકોને ચાવ્યા વિના ઝડપથી ખાવાની આદત હોય છે એને કારણે પણ પેટ ભરાઈ ગયાના સંકેત મળવામાં વિલંબ થાય અને તરત જ જમ્યા પછી ભૂખ્યા હોવાની ફીલિંગ આવે. વધુ એક મહત્ત્વનું કારણ છે ડિસ્ટ્રેક્ટેડ ઈટિંગ. જ્યારે તમે ખાતાં-ખાતાં મોબાઇલ કે ટીવીમાં અટવાયેલા હો ત્યારે પણ તમારું મગજ ભોજનની પ્રક્રિયાને બરાબર રજિસ્ટર્ડ નથી કરી શકતું અને પેટ ભરાવા છતાં માનસિક તૃપ્તિ નથી મળતી.’
આયુર્વેદ શું કહે છે?
આયુર્વેદમાં આ સ્થિતિને ભસ્મક રોગ અથવા અત્યગ્નિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ વધુ લાકડાં નાખવાથી અગ્નિ પ્રબળ બને છે અને બધું ભસ્મ કરી દે છે એમ આ રોગમાં જઠરાગ્નિ એટલો તીવ્ર બની જાય છે કે એ ખાધેલા ખોરાકને ખૂબ ઝડપથી પચાવી નાખે છે અને વ્યક્તિને વારંવાર તીવ્ર ભૂખ લાગે છે. જ્યારે શરીરમાં પિત્ત જે ગરમી અને પાચનનું પ્રતીક છે અને વાત જે ગતિશીલતાનું પ્રતીક છે એ વધી જાય છે ત્યારે એ જઠરાગ્નિને અત્યંત તેજ બનાવે છે. આને કારણે ખોરાકનું પોષણ શરીરમાં શોષાવાને બદલે ઝડપથી બળી જાય છે. જો પાચન બરાબર ન થતું હોય અને શરીરમાં પચ્યા વિનાના ખોરાકનો કચરો જમા થાય તો તે પોષક તત્ત્વોના વહનના માર્ગોને બ્લૉક કરી દે છે. આનાથી કોષો સુધી પોષણ પહોંચતું નથી અને મગજ સતત ખોરાકની માગણી કર્યા કરે છે.
હોઈ શકે આ રોગનો સંકેત
ટાઇપ-ટૂ ડાયાબિટીઝ: આમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે ગ્લુકોઝ કોષોની અંદર જઈ શકતો નથી જેથી શરીરને ઊર્જા નથી મળતી અને સતત ભૂખ લાગે છે.
હાઇપોથાઇરૉઇડિઝમ: થાઇરૉઇડ હૉર્મોન વધવાને કારણે મેટાબોલિઝમ ખૂબ ફાસ્ટ થઈ જાય છે જેથી કૅલરીઝ ઝડપથી બળે છે.
માનસિક રોગો: જેને ઇમોશનલ ઈટિંગ કહેવાય છે જેમાં વ્યક્તિ પેટ ખાલી હોવાને લીધે નહીં પણ મનને શાંત કરવા ખાય છે.
કરવું શું?
૧. આહારમાં ગાયનું શુદ્ધ ઘી, દૂધ, નારિયેળપાણી અને વરિયાળીનો ઉપયોગ વધારવો. ઘી તીવ્ર
અગ્નિને શાંત કરે છે અને શરીરને પોષણ આપે છે.
૨. ભોજનમાં ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો અને તૂરો એમ છએછ રસ હોવા જરૂરી છે. માત્ર ગળ્યો કે તીખો ખોરાક ખાવાથી તૃપ્તિ મળતી નથી.
૩. દરેક કોળિયાને ઓછામાં ઓછો ૩૨ વખત ચાવો. આનાથી લાળરસ ભળશે અને મગજને પેટ ભરાઈ ગયાનો સમયસર સંકેત મળશે.
૪. ભોજનમાં દાળ, કઠોળ, પનીર, બદામ, અખરોટ અને લીલાં શાકભાજીનું પ્રમાણ વધારો.
૫. જમતી વખતે ટીવી, મોબાઇલ કે પુસ્તકોથી દૂર રહો. ખોરાકના
સ્વાદ, સુગંધ અને ટેક્સ્ચરનો આનંદ માણીને જમો.
૬. જમવાના અડધા કલાક પહેલાં એક ગ્લાસ નવશેકું પાણી પીવું, જેથી જો તરસને કારણે ભૂખ લાગી હોય તો એ શાંત થઈ જાય.