17 March, 2025 01:17 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
આ સત્ય હકીકત છે અને એ પણ એટલું જ સાચું કે ઇન્ટિમેટ રિલેશનશિપનો અભાવ બે આત્મીય વ્યક્તિઓના સંબંધોમાં તનાવ ઊભો કરવાનું પણ કામ કરે છે. હમણાં એક કપલ મળવા માટે આવ્યું. બન્ને વચ્ચે થોડા સમયથી વિખવાદ ચાલતો હતો. બન્ને રહે એક જ ઘરમાં, પણ અઢી મહિનાથી બન્ને અલગ સૂવા માંડ્યાં હતાં. સામાન્ય રીતે જેમ હસબન્ડ-વાઇફના રિલેશનમાં પ્રશ્નો ઊભા થતા હોય એવા જ પ્રશ્નો એ બન્ને વચ્ચે ઊભા થયા હતા પણ વાત ધીમે-ધીમે એ સ્તર પર પહોંચી ગઈ કે બન્ને ડિવૉર્સ સુધી પહોંચી ગયાં. તેમની વાત જાણ્યા પછી સ્પષ્ટ દેખાતું હતું કે એ ટૉપિક એવો હતો જ નહીં કે તેમણે ડિવૉર્સ લેવા પડે. વધારે કાઉન્સેલિંગ કરતાં એ વાતની ખબર પડી કે બન્ને અલગ-અલગ સૂએ છે અને બન્ને એકબીજાને સામાન્ય વાતચીતના વ્યવહારમાં ટચ પણ ન થઈ જાય એનું ધ્યાન રાખે છે. તેમને સમજાવી-મનાવીને માત્ર એક વીક સાથે રહેવા માટે કહ્યું અને રિઝલ્ટ એ આવ્યું કે ત્રીજા જ દિવસે ફૅમિલીને તેમણે કહી દીધું કે તે ડિવૉર્સ નથી લેવાના. આ જે મૅજિક હતું એ મૅજિક બીજા કોઈનું નહીં પણ ઇન્ટિમેટ રિલેશનશિપનું હતું.
મોટા ભાગના લોકોએ અનુભવ્યો હોય એવો એક કિસ્સો કહું. ફ્રોઝન શૉલ્ડરથી પીડાતા અને માત્ર બત્રીસ વર્ષની ઉંમર ધરાવતા એક યુવકની વાઇફ તેના ફ્રોઝન શૉલ્ડરના પેઇનને માનવા તૈયાર નહોતી. કારણ પૂછતાં તેણે કહ્યું કે ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન તો તેને પોતાનો ફ્રોઝન શૉલ્ડર ક્યાંય યાદ સુધ્ધાં નથી આવતો, તેને જરા પણ પેઇન નથી થતું. હકીકત એ છે કે ઇન્ટિમેટ રિલેશનશીપ એ માત્ર હૅપી હૉર્મોન્સ જ જન્માવતી નથી પણ એ પેઇનકિલરનું પણ કામ કરે છે. ઇન્ટિમેટ રિલેશનની વાત જ્યારે પણ થાય ત્યારે માનવું કે એમાં એ સંબંધોની વાત છે જે તમારી પ્રિય વ્યક્તિ સાથે કે વાઇફ સાથે જોડાય છે. સેક્સ ક્યાંય પણ થઈ શકે, કોઈની પણ પાસે થઈ શકે પણ ઇન્ટિમેટ એ જ વ્યક્તિ સાથે થઈ શકાય જેની સાથે વ્યક્તિની આત્મીયતા હોય. ઇન્ટિમેટ રિલેશનશિપ માટે એક સમય હતો જ્યારે લોકો પર્સનલી જ એ રિલેશનશિપને એન્જૉય કરતા, પણ જનરેશન-નેક્સ્ટે મોબાઇલ કે ચૅટ-મેસેન્જરથી એ રિલેશનશિપને વધારે સુલેહ સાથેની બનાવી છે. લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ લાંબો સમય ટકી હોય એવા કિસ્સાઓનો સ્ટડી કર્યા પછી હું કહું છું કે એ રિલેશનશિપને ટકાવવામાં પ્રિય વ્યક્તિ સાથેની એ પ્રકારની કૉન્વર્સેશને ખૂબ મહત્ત્વનો રોલ ભજવ્યો છે.