31 May, 2026 07:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ૨૦૨૩-’૨૪ના નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેક્ષણ-6 (NFHS-6) મુજબ શહેરી વિસ્તારોમાં ૧૫-૪૯ વર્ષના વયજૂથમાં ૪૨.૮ ટકા સ્ત્રીઓ મેદસ્વી અથવા વધુ વજન ધરાવે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૨૫.૫ ટકા સ્ત્રીઓનું વજન વધારે છે. આમ મહિલાઓમાં મેદસ્વિતાનું પ્રમાણ ૩૦.૭ ટકા છે. બીજી તરફ ૧૫થી ૪૯ વર્ષ વયજૂથમાં શહેરી વિસ્તારોમાં ૩૬.૩ ટકા પુરુષો વધુ વજનવાળા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ ૨૩ ટકા છે. આમ પુરુષોમાં મેદસ્વિતાનું પ્રમાણ ૨૭.૩ ટકા છે.
આરોગ્ય મંત્રાલયે મુંબઈને નોડલ એજન્સી તરીકે રાખીને મણિપુર સિવાયનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૧૫ જિલ્લાઓમાં લગભગ ૬.૭૯ લાખ ઘરોને આવરી લેતો સર્વે કર્યો હતો. સર્વે મુજબ વધુ વજન ધરાવતી અથવા મેદસ્વી મહિલાઓની ટકાવારી ૨૦૧૯-’૨૧માં ૨૪ ટકા હતી જે ૨૦૨૩-’૨૪માં ૩૦.૭ ટકા થઈ હતી. ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં સ્થૂળતા વધુ હતી.
૨૦૧૯-’૨૧માં વધુ વજનવાળા અથવા મેદસ્વી પુરુષોની ટકાવારી ૨૨.૯ હતી, જે ૨૦૨૩’-૨૪માં વધીને ૩૦.૭ ટકા થઈ હતી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેદસ્વિતાએ એક ગંભીર સ્વાસ્થ્ય-સમસ્યાનું વિકરાળ સ્વરૂપ લીધું છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં ૪.૪ કરોડ મહિલાઓ અને ૨.૬ કરોડ પુરુષો મેદસ્વી છે. મહિલાઓમાં કમરની આસપાસ ચરબીનો ભરાવો મોટી સમસ્યા છે.