ઍપેન્ડિક્સની સર્જરી ટાળી ન શકાય?

10 January, 2023 04:46 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

રીકરન્ટ એ કોઈ ઇમર્જન્સી નથી, પરંતુ ઍક્યુટ ઍપેન્ડિસાઇટિસ એક ઇમર્જન્સી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી બાવીસ વર્ષની દીકરીને પેટમાં એટલો તીવ્ર દુખાવો થયેલો કે તાત્કાલિક દવાખાને ભાગવું પડ્યું. ડૉક્ટરે કહ્યું કે ઍપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થયું છે. સીટી સ્કૅન કરીને જોયું તો લાગ્યું કે તકલીફ દવાથી ઠીક થઈ શકે એમ છે. દવાઓ લઈને જોયું, ફરી ૬ મહિના પછી અને એના ૩ મહિના પછી એમ કુલ ત્રણ વાર આ તીવ્ર દુખાવો ઊપડ્યો. તકલીફ આ જ હતી ઍપેન્ડિક્સમાં સોજો. હવે ડૉક્ટર કહે છે કે અત્યારે ઇમર્જન્સી ભલે ન હોય, પણ ભવિષ્યમાં આવે એ પહેલાં ઑપરેશન કરવું જરૂરી છે. મારી દીકરીનાં લગ્ન નથી થયાં. શું અમુક વર્ષો માટે આ સર્જરી ટાળી ન શકાય?

તમારે તેનાં લગ્ન સુધી રોકાઈ જવું છે, કારણ કે શરીર પર કોઈ કટ ન હોવો જોઈએ, એ જૂની વિચારસરણીમાંથી બહાર આવવું જરૂરી છે. દીકરીનો જીવ બચાવવો એ વધુ મહત્ત્વનું છે. વળી ઍપેન્ડિક્સ એ સામાન્ય તકલીફ છે. આજકાલ ઘણી સારી દવાઓ વડે એને કન્ટ્રોલમાં રાખી શકાય છે, પરંતુ તમારી દીકરીને જે થયું છે એને રીકરન્ટ ઍપેન્ડિસાઇટિસ કહેવાય છે. રીકરન્ટ અને ઍક્યુટ આમ ઍપેન્ડિસાઇટિસના બે પ્રકાર છે. રીકરન્ટ એ કોઈ ઇમર્જન્સી નથી, પરંતુ ઍક્યુટ ઍપેન્ડિસાઇટિસ એક ઇમર્જન્સી છે. અમુક સમયના અંતરે રીકરન્ટ એ ઍક્યુટ ઍપેન્ડિસાઇટિસમાં પરિણમતું જોવા મળે છે. રિસર્ચ મુજબ રીકરન્ટના દરદીઓમાંથી ૭૫% લોકો ઍક્યુટ ઍપેન્ડિસાઇટિસનો ભોગ બનતા જ હોય છે. જે લોકોને રીકરન્ટ ઍપેન્ડિસાઇટિસ છે તે લોકો સામાન્ય રીતે દવા લઈ લે એટલે થોડો સમયમાં તેમને સારું લાગે, પરંતુ તેમની લાઇફસ્ટાઇલ, તેમનું ખાન-પાન બદલાવાનું નથી. વળી, એક વખત રીકરન્ટ ઍપેન્ડિસાઇટિસ થયું એટલે ઍપેન્ડિક્સ થોડું વાંકું થઈ જાય છે એટલે એની અંદર ખોરાક ભરાવાની શક્યતા વધી જાય છે એટલે એની મેળે ઍક્યુટ ઍપેન્ડિસાઇટિસ થવાનું રિસ્ક વધી જ જાય છે. માટે પરિસ્થિતિ જોઈને જો ડૉક્ટર સજેસ્ટ કરતા હોય કે સર્જરી કરવી જ જોઈએ તો એ સેફ ઑપ્શન છે. 

જેટલા પણ રીકરન્ટ ઍપેન્ડિસાઇટિસના દરદીને અમે સલાહ આપીએ છીએ કે પ્લાન કરીને વહેલી તકે ઍપેન્ડિક્સ કઢાવી નાખે, કારણ કે ઇમર્જન્સીમાં પરિસ્થિતિ જ્યારે ગંભીર બની જાય ત્યારે એનો નિકાલ કરવો એના કરતાં શાંતિથી પ્લાન કરીને કામ પતે એ વધુ યોગ્ય છે. વળી, આ ઑપરેશન પછી ૭થી ૧૫ દિવસમાં વ્યક્તિ રિકવર થઈ જાય છે.

columnists health tips