06 December, 2025 11:52 AM IST | Mumbai | Sanjay Goradia
કાલાખટ્ટા કોલ્ડ ડ્રિન્ક્સ હાઉસ
આજે આપણે જેની વાત કરવાના છીએ એ જગ્યા મારા નાનપણ સાથે જોડાયેલી છે. હું જ્યારે ખેતવાડી રહેતો ત્યારની વાત છે. ૧૯૭૭-’૭૮નાં વર્ષોમાં અમે બધા મિત્રો ક્રિકેટ રમવા આઝાદ મેદાન જઈએ અને પરસેવે રેબઝેબ થઈ જઈએ ત્યાં સુધી ક્રિકેટ રમીએ. ક્રિકેટ રમી લીધા પછી, પરસેવાથી નીતરી ગયા પછીનું અમારું એક જ કામ હોય. બધા મિત્રો એક જગ્યાએ જઈએ, એ જગ્યાએ જેની હું હવે તમને વાત કરવાનો છું.
એ જગ્યાએ જઈને અમે મસ્ત મજાનું ઠંડુંગાર કહેવાય એવું કાલાખટ્ટા શરબત પીએ અને પછી ફરી એકદમ તાજામાજા થઈ જઈએ. હા, કાલાખટ્ટા. આજના આ સૉફ્ટ ડ્રિન્ક્સના જમાનામાં જેન-ઝીને તો પેલાં ફૉરેનનાં પીણાં જ યાદ આવે, તેને શું ખબર કાલાખટ્ટાની મજાની પણ સાહેબ, એ જે મજા છે એ આજે પણ અકબંધ છે.
બન્યું એવું કે હમણાં ફરી મારે ટાઉન જવાનું થયું અને હું BMC ગયો. તમને યાદ હોય તો ગયા શનિવારે મેં તમને આરામનાં વડાપાંઉની વાત કરી હતી. એ જ આરામમાં જઈને મેં નવેસરથી એક વડાપાંઉ ખાધું અને પછી તીખાંતમતમતાં મરચાંના આસ્વાદ સાથે હું સિસકારા મારતો ત્યાંથી થોડેક એટલે કે ચાર-પાંચ દુકાન આગળ જ આવેલી દુકાને કાલાખટ્ટા પીવા ગયો. એ દુકાનનું નામ કાલાખટ્ટા કોલ્ડ ડ્રિન્ક્સ હાઉસ. હા, નામ જ આવું.
અહીં વર્ષોથી કાલાખટ્ટા મળે છે. નાનો હતો ત્યારે મને આ કાલાખટ્ટા નામ માટે બહુ વિચાર આવતો કે આવું નામ કેમ પડ્યું હશે? અને પછી મને એનો જવાબ પણ મારી જાતે જ મળી જતો કે કાળું અને ખાટું હશે એટલે એ બનાવનારાએ એનું નામ કાલાખટ્ટા પાડ્યું હશે. ઍનીવેઝ, હું તો પહોંચ્યો કાલાખટ્ટા પીવા માટે. આમ તો મને ડાયાબિટીઝ એટલે શુગર શબ્દ બોલવામાં પણ મારે પરેજી રાખવી પડે પણ સાહેબ, નાનપણની યાદો સામે આ બધી બીમારીઓ પણ ભોંયભેગી થઈ જાય.
દુકાને ભીડ જુઓ તો અઢળક, હું સમજી ગયો કે આજે પણ સ્વાદ તો એ જ છે જે મારી યાદોમાં છે. મેં એક ગ્લાસનો ઑર્ડર આપ્યો અને તેમણે એક ગ્લાસ લઈ એમાં બરફ નાખ્યો, પછી એમાં કાલાખટ્ટા શરબત નાખ્યું. એમાં પાણી ઉમેર્યું અને પછી એના પર એક મસાલો છાંટ્યો. આ મસાલો એ લોકોની માસ્ટરી છે. મસાલામાં આમ તો જીરું, મીઠું અને સાકર હશે એવું મારું માનવું છે, પણ બીજું કંઈ હોય તો મને ખબર નથી.
એયને આખો ગ્લાસ હું ગટગટાવી ગયો. મને ઇચ્છા તો બીજો ગ્લાસ પણ પીવાની હતી પણ યુ સી, ડાયાબિટીઝ. મેં મારી જાત પર કન્ટ્રોલ કર્યો અને ‘અમૃતનાં છાંટણાં લેવાનાં હોય, ઘૂંટડા નહીં’ એ ઉક્તિ યાદ કરતાં ત્યાંથી રજા લીધી. પણ મિત્રો, હું તમને કહીશ કે જો BMC સાઇડ જવાનું બને અને ફૅમિલી સાથે ગયા હો તો તમારી જેન-ઝી પ્રજાને આ કાલાખટ્ટાનો સ્વાદ અચૂક કરાવજો. હું દાવા સાથે કહું છું કે એ લોકો કોક ને પેપ્સીના પ્રેમમાંથી બહાર નીકળીને આ કાલાખટ્ટાના પ્રેમમાં પડશે અને એ પણ ગળાડૂબ.
બીજી વાત, જો તમને ડાયાબિટીઝ કે બીજી કોઈ એવી બીમારી ન હોય તો પ્લીઝ, મારા વતી પણ એક ગ્લાસ કાલાખટ્ટા પીતા આવજો. હવે તો શરબત પીધા પછી થયેલા ગુલાબી હોઠ રહ્યા નથી પણ એનો સ્વાદ હજી પણ જીભ પર ચટાકા મારે છે.