14 March, 2026 03:06 PM IST | Mumbai | Darshini Vashi
શ્રીખંડ અને આઇસક્રીમનું યુનિક કૉમ્બિનેશન મળે છે અહીં
આઇસક્રીમ અને શ્રીખંડનું જો કૉમ્બિનેશન કરવામાં આવે તો એક જબરદસ્ત ડિઝર્ટ ડિશનો જન્મ થઈ શકે છે જેનો વિચાર એક દક્ષિણ ભારતીય યુવાનને આવ્યો અને તેણે બનાવ્યો શ્રીખંડ આઇસક્રીમ, જેમાં આ બન્ને વસ્તુનો ટેસ્ટ તો છે પણ એમાં શુગર અને પ્રિઝર્વેટિવનું કોઈ સ્થાન નથી. માત્ર ને માત્ર હેલ્ધી અને ફ્રિજ વગર પણ રહી શકે એવા એક ડિઝર્ટને લઈને આવ્યા છે. તો ચાલો આ યુનિક આઇટમ વિશે થોડું વધુ જાણીએ.
પ્રભાદેવી ખાતે ઝિઠાઈ નામક એક શૉપ શરૂ થઈ છે જ્યાં તાજું દહીં, ફ્રેશ ક્રીમ વિધાઉટ શુગર, લિમિટેડ માત્રામાં ફૉસ (FOS) અને સ્ટીવિયા (શુગરના પર્યાયરૂપે) ઉમેરીને આ શ્રીખંડ આઇસક્રીમ બનાવવામાં આવે છે. પછી એની અંદર જે ફ્લેવરનો આઇસક્રીમ જોઈતો હોય એ વસ્તુને ઍડ કરવામાં આવે છે. જેમ કે મૅન્ગો શ્રીખંડ આઇસક્રીમ જોઈતો હોય તો એમાં રિયલ મૅન્ગોનો પલ્પ ઉમેરવામાં આવે છે. આવી રીતે અહીં મલબેરી, સીતાફળ, અંજીર, ચૉકલેટ જેવી અનેક વરાઇટીના શ્રીખંડ આઇસક્રીમ મળે છે.
ઝિઠાઈના ફાઉન્ડર ષણ્મુખા ઉપાલા કહે છે, ‘મને નાનપણથી આઇસક્રીમ પસંદ હતો પરંતુ હું કંઈ પણ ઠંડું કે મીઠું ખાતો તો મારા દાંતમાં ઝણઝણાટી થઈ ઊઠતી એટલે હું એ ખાવાથી દૂર જ રહેતો હતો. પરંતુ પાંચ વર્ષ પહેલાં જ્યારે રાયગડ ગયો હતો ત્યારે મેં ત્યાં હોમમેડ શ્રીખંડ ટ્રાય કર્યો. મને લાગ્યું કે આ તો આઇસક્રીમના વિકલ્પ તરીકે હું ખાઈ શકું છું જે બહુ ઠંડો પણ નહોતો અને બહુ મીઠો પણ નહોતો. હું મુંબઈમાં જ્યારે આવ્યો ત્યારે મને આવું કશે ખાવા મળ્યું નહોતું જે એકદમ ઠંડું પણ ન હોય અને ઓવર સ્વીટ પણ ન હોય અને અહીંથી મને શ્રીખંડ આઇસક્રીમ બનાવવાનો વિચાર આવ્યો. અનેક મહિનાઓ સુધી પર્ફેક્ટ શ્રીખંડ આઇસક્રીમ બનાવવાની રેસિપી પર કામ કર્યા બાદ આખરે ઝિઠાઈનો જન્મ થયો. શ્રીખંડ આઇસક્રીમમાં ઝીરો શુગર, ઝીરો પ્રિઝર્વેટિવ અને ૦.૯ ટકા પ્રોટીન છે અને રોજેરોજ એને તાજો બનાવવામાં આવે છે. ઝિઠાઈ ફ્રોઝન પ્રોડક્ટ નથી અને એમાં પાણીનું પ્રમાણ પણ નહીં બરાબર છે તેમ જ એ માટીના મટકામાં પ્રૉપર પૅક કરીને આપવામાં આવે છે એટલે એને કલાકો સુધી ફ્રિજની પણ જરૂર પડતી નથી.’
ક્યાં મળે છે? : ઝિઠાઈ : ધ જૉય ઑફ શ્રીખંડ, સ્ટેશન રોડ, પ્રભાદેવી