મલ્ટિ-ગ્રેન પીટા બ્રેડ અને હમસ ટોસ્ટ જેવી વરાઇટી મળે છે અહીં

23 May, 2026 03:13 PM IST  |  Mumbai | Darshini Vashi

મીરા રોડમાં રહેતી ૧૮ વર્ષની દિશા જેઠવાએ યુરોપિયન અને મિડલ ઈસ્ટની અવનવી વરાઇટી શીખીને એને હેલ્ધી સ્વરૂપે ‘ધ હેલ્ધી લોફ’ નામના સ્ટૉલમાં રજૂ કરી છે

મલ્ટિ-ગ્રેન પીટા બ્રેડ અને હમસ ટોસ્ટ જેવી વરાઇટી મળે છે અહીં

ગ્લોબલ વૉરના વાતાવરણની વચ્ચે યુરોપિયન દેશોમાં જવાનો પ્લાન અત્યારે ભલે ફ્લૉપ થઈ ગયો હોય, પરંતુ ત્યાંની ફેમસ વાનગીઓની મજા તમે અહીં મુંબઈમાં બેસીને માણી શકશો. મીરા રોડમાં રહેતી એક કૉલેજિયન ટીનેજરે યુરોપિયન અને મિડલ ઈસ્ટની કેટલીક જાણીતી તો કેટલીક અજાણી વાનગીઓને હેલ્ધી વર્ઝનમાં રજૂ કરી છે. જો તમારે આ વાનગીઓ ટેસ્ટ કરવી હોય તો વીક-એન્ડમાં સ્ટૉલ પર આંટો મારી આવજો.
મીર રોડમાં રહેતી દિશા જેઠવા નાની હતી ત્યારથી કુકિંગ પ્રત્યે ખૂબ જ રસ ધરાવતી હતી. તેણે કુકિંગના કોઈ ક્લાસ કર્યા નથી છતાં કુકિંગનાં મૅગેઝિન, શો, ઇન્ટરનેટ પર રિસર્ચ, કુકિંગ એક્સપર્ટ પાસેથી જાણકારી વગેરે દ્વારા સારુંએવું નૉલેજ મેળવી લીધું હતું. ઇન્ટરનૅશનલ વાનગીઓમાં તે વિશેષ રસ ધરાવતી હતી એટલે તેણે એમાં કંઈક નવું લાવવાનું વિચાર્યું અને લગભગ બે અઠવાડિયાં પહેલાં મીરા રોડમાં તેણે ‘ધ હેલ્ધી લોફ’ નામનો સ્ટૉલ શરૂ કર્યો છે. આ વિશે જાણકારી આપતાં દિશા જેઠવા કહે છે, ‘મારા સ્ટૉલમાં યુરોપિયન અને મિડલ ઈસ્ટની જ વાનગીઓ મળે છે જેમને મેં હેલ્ધી વર્ઝનમાં રજૂ કરવાનું સાહસ કર્યું છે. હમસ ટોસ્ટ અત્યારે મીરા રોડમાં ક્યાંય નથી મળતા એ હું અહીં સર્વ કરી રહી છું. એની સાથે હું અવાકાડો ટોસ્ટ પણ બનાવું છું. આ સિવાય ટસ્કન પાન્ઝાનિલા જે ઇટાલિયન વાનગી છે અને ગરમીની સીઝનમાં આ ડિશ ત્યાં ઘણી ખવાય છે એને મેં મારી રીતે મૉડિફાય કરીને અહીં રજૂ કરી છે. એ એક મલ્ટિ-ગ્રેન બ્રેડ અને વેજિટેબલ સૅલડ છે. આ ઉપરાંત હમસ પીટા બ્રેડમાં મેં મલ્ટિ-ગ્રેન બ્રેડ વાપરી છે. આમ અત્યારે મેં ૬ જેટલી ડિશ લૉન્ચ કરી છે અને ટૂંક સમયમાં બીજી ૩ વરાઇટી પણ હું લૉન્ચ કરવા જઈ રહી છું. મારા અભ્યાસની સાથે-સાથે હું આ સ્ટૉલ મારા ભાઈ યશ જેઠવાની મદદથી સંભાળી શકું છું.’
ક્યાં મળશે? : ધ હેલ્ધી લોફ, સાંઈબાબા માર્ગ, RNA કોર્ટયાર્ડની સામે, મીરા રોડ-ઈસ્ટ

food and drink food news street food Gujarati food mumbai food indian food darshini vashi