20 September, 2025 12:15 PM IST | Mumbai | Darshini Vashi
ઇંદોરી અને મહારાષ્ટ્રિયન વાનગીઓનું કૉમ્બિનેશન ખાવા ચાલો જઈએ દાદર
તહેવારોની સીઝનમાં કંઈક નવું અને ચટાકેદાર ખાવું હોય તો તમારા માટે એક નવી જગ્યા શોધી કાઢી છે જે દાદરમાં આવેલી છે. અને ખાસ કરીને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રિયન વાનગીઓના શોખીનોને તો અહીં આવીને મજા પડી જશે. એનું નામ ઇંદુરી ચાટ છે. દાદર-વેસ્ટમાં આવેલી ઇંદુરી ચાટ શરૂ કરનાર મૂળ ઇન્દોરના છે જેમનું નામ દિનેશ અને ભક્તિ પવાર છે. તેમને ૨૦૧૧ની સાલમાં ઇંદોરની ફેમસ વાનગીનો ટેસ્ટ મુંબઈના લોકોને કરાવવાનો વિચાર આવ્યો હતો. એટલે તેમણે માટુંગાના રસ્તાઓ પર ઇંદુરી ચાટ વેચવાની શરૂઆત કરી હતી. ધીરે-ધીરે તેમની આઇટમ્સ લોકોને જીભે ચડી ગઈ અને તેમણે દાદર વેસ્ટમાં એક કૅન્ટીન ટાઇમ ચાટ કૉર્નર શરૂ કરી જ્યાં ઇંદોર શૈલીની ચાટ-આઇટમ્સથી લઈને ઘણી વસ્તુઓ મળે છે. અહીં સિટિંગની પણ વ્યવસ્થા છે.
મહારાષ્ટ્રમાં પોહા, સાબુદાણાની ખીચડી પરંપરાગત રીતે તડકો આપીને બનાવાય છે પરંતુ ઇન્દોરમાં એ બાફીને બનાવવામાં આવે છે. તો સામે નમકીનનો મોટા પ્રમાણમાં ઉપયોગ ઇંદોરની વાનગીઓમાં થાય છે. મહારાષ્ટ્રિયન વાનગીની તુલનામાં ઇંદોરી ભોજનમાં ફક્ત સૂકા મસાલાનો પાઉડર સ્વરૂપમાં ઉપયોગ થાય છે. આમ આ બન્ને જગ્યાની રેસિપીનું યુનિક કૉમ્બિનેશન કરીને અહીં રજૂ કરવામાં આવી છે.
હવે અહીંની ચાટ-આઇટમની વાત કરીએ તો અહીં દહીં ટિક્કી ચાટ, બાફેલા ઇંદુરી પોહા અને તેમની અનોખી સાબુદાણાની ખીચડી, બેઢઈ પૂરી જે ગ્વાલિયર, ઇંદોરની ખૂબ જ વખણાતી વાની છે જે સ્ટફ કરેલી હોય છે. દહીં ભેળ, જે નૉર્મલ ભેળ છે જેની ઉપર દહીં અને સૂકો મસાલો નાખીને આપવામાં આવે છે. ઇંદુરી ચાટ, જે પાપડી ચાટ જેવું જ છે પણ ઉપર દહીં અને મસાલા નાખીને આપવામાં આવે છે. આ સિવાય પાઇનૅપલ શીરો, તીખું-મીઠું લીંબુ શિકંજી અને ગુલાબી પેરુ જેવી આઇટમ અહીં મળે છે.
ક્યાં છે? : વામન હરિ પેઠે જ્વેલર્સની સામે, રાનડે માર્ગ, દાદર (વેસ્ટ), સવારે : ૯થી રાત્રે ૯ સુધી (સોમવારે બંધ)