નવરાત્રિ માટે તમારા વૉર્ડરોબમાં આટલી ચીજો તો હોવી જ જોઈએ

18 September, 2025 01:27 PM IST  |  Mumbai | Kajal Rampariya

ગરબારસિકો નવરાત્રિ દરમ્યાન વાઇરલ થતા ફૅશન-ટ્રેન્ડને ફૉલો કરવામાં પાછા નથી પડતા ત્યારે આ વર્ષે ટ્રેન્ડના હિસાબે તમારી પાસે કઈ-કઈ ચીજો હોવી જોઈએ એનું ચેકલિસ્ટ આ રહ્યું

આટલું તો રાખજો જ કલેક્શનમાં

નવરાત્રિ નજીક આવે ત્યારે ગરબાપ્રેમીઓ ફૅશનમાં આવતી નવી અને ટ્રેન્ડી સ્ટાઇલ્સને અપનાવવામાં પાછા પડતા નથી. આ વર્ષે ટ્રેડિશનલ અને મૉડર્ન ફૅશનના ફ્યુઝનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે એવી અમુક ચીજો છે જે તમારા વૉર્ડરોબમાં હશે તો ફૅશનને એન્હૅન્સ કરવામાં મદદ કરશે. એમાં કઈ-કઈ ચીજો હોવી જોઈએ એ વિશે મુલુંડમાં રહેતાં અનુભવી ફૅશન-એક્સપર્ટ ધારુલ રાજગોર પાસેથી જાણીએ.

આઉટફિટ્સમાં શું રાખશો?

વર્સેટાઇલ ઑપ્શન રાખો : ડેનિમ જૅકેટ્સ સૌથી કૉમન અને વર્સેટાઇલ ઑપ્શન છે. બ્લૅક કે વાઇટ શર્ટ પર પોમપોમ્સની લેસ અને મિરર વર્કવાળું ડેનિમ જૅકેટ પહેરશો તો તમારો લુક એકદમ બદલાઈ જશે. ટૂંકમાં, પ્લેન જીન્સ અને ટૉપ અથવા સ્કર્ટ અને ટૉપ પર જૅકેટ નવરાત્રિ વાઇબ્સ આપશે. નવરાત્રિ સ્પેશ્યલ જૅકેટ્સ યુનિસેક્સ સ્ટાઇલમાં પણ આવે છે એટલે યુવતી કે યુવક બન્ને પોતપોતાની રીતે સ્ટાઇલ કરી શકશે.

મિક્સ ઍન્ડ મૅચ : મિક્સ ઍન્ડ મૅચ માટે અમુક ચીજો બહુ સારી રીતે કામ કરશે. બ્લૅક પ્લેન કુરતી અને પૅન્ટ સાથે ટ્રેડિશનલ બાંધણી સ્ટાઇલ દુપટ્ટો સ્ટાઇલ કરશો તો તમારો નૉર્મલ લુક ફેસ્ટિવ લુકમાં કન્વર્ટ થઈ જશે. આ ઉપરાંત અત્યારે અલગ-અલગ કલરની કલીવાળા ઘાઘરા માર્કેટમાં મળે છે. એની સાથે બ્લૅક ટી-શર્ટ અને નવરાત્રિમાં ચાલી જાય એવો બાંધણીનો કે મિરરવર્કવાળી બૉર્ડરનો દુપટ્ટો ઍડ કરવાથી લુકમાં ગ્રેસ અને ક્લાસિક ટચ આવે છે. આ ઉપરાંત અત્યારે માર્કેટમાં દુપટ્ટાની સાથે એસિમેટ્રિક કૅપ્સ અને કફતાન મળે છે. નૉર્મલ જીન્સ અને ક્રૉપ ટૉપ પર એ પહેરશો તો તમારી સ્ટાઇલ ભલે મિનિમલ હોય, પણ તમે બધા કરતાં અલગ તરી આવશો. આ કૉમ્બિનેશન ગરબા રમવામાં કમ્ફર્ટ આપશે અને સાથે તમારી સાદગી અને સુંદરતામાં વધારો કરશે એ પ્લસ પૉઇન્ટ છે.

ફ્યુઝન સ્ટાઇલ પસંદ કરો : ચણિયાચોળી બહુ જ કૉમન થઈ ગયાં છે અને એ ટ્રેડિશનલ વેઅર છે એટલે પરંપરાને જાળવી રાખવા માટે એ ફૅશનમાં રહેવાનાં જ છે, પણ ગરબાના ગ્રાઉન્ડમાં તમારે થોડું યુનિક દેખાવું હોય તો ચણિયાચોળીની સાથે કચ્છી એમ્બ્રૉઇડરી વર્કવાળાં અને મિરર પૅટર્નનાં પેપલમ ટૉપ્સ, કેડિયા જેવાં દેખાતાં શૉર્ટ જૅકેટ્સ સાથે ધોતી પૅન્ટ્સ, સ્કર્ટ-ટૉપ્સ અને જમ્પ-સૂટ્સ રાખવાં જોઈએ. આ ફ્યુઝન ફૅશન તમને બધાથી અલગ બનાવશે અને તમારી પર્સનાલિટીને એન્હૅન્સ કરશે. અત્યારે જમ્પ-સૂટ્સમાં નવરાત્રિ સ્પેશ્યલ પૅટર્ન્સની ઘણી વરાઇટી નીકળી છે તો એ તમારા વૉર્ડરોબમાં ઉમેરી શકાય, પણ જેન-ઝી યુવતીઓએ સ્માર્ટ દેખાવું હોય તો ધોતી પૅન્ટ્સ સાથે અંગરખા સ્ટાઇલ જૅકેટ્સ અથવા પેપલમ ટૉપ્સ બહુ મસ્ત લાગશે.

ઍક્સેસરીઝનું ચેકલિસ્ટ

જ્વેલરી : આઉટફિટ્સની સાથે મેળ ખાય એવી ચન્કી જ્વેલરી એટલે સ્કલ્પ્ચરવાળી રિંગ, બોલ્ડ ઇઅર-રિંગ્સ, લેયરવાળા નેકલેસ નવરાત્રિ ફૅશન માટે બેસ્ટ છે. આ ઉપરાંત ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી તો મસ્ટ હૅવ થિંગ છે. એમાં નોઝ રિંગ, લાંબા નેકલેસ, વીંટી, લાંબાં અને મોટાં પણ વજનમાં હલકાં હોય એવાં ઇઅર-રિંગ્સ, ટસલવાળા કલરફુલ ઑક્સિડાઇઝ્ડ ચોકર, હૅન્ડપફ, હાથનાં કડાં, સ્લીવલેસ આઉટફિટ્સ પહેરો તો બાજુબંધ, ઍન્ટિક જ્વેલરી આ તમામ ચીજોમાંથી અડધી ચીજો પણ તમારા વૉર્ડરોબમાં હશે તો એક જ્વેલરીને બીજી અલગ-અલગ જ્વેલરી અને આઉટફિટ સાથે પેર કરીને નવા-નવા લુક ટ્રાય કરી શકાય. બોહો સ્ટાઇલ જ્વેલરી પણ નવરાત્રિમાં સૂટેબલ છે. આ ઉપરાંત મોબાઇલનું ખાનું હોય એવા કમરપટ્ટા અથવા મોબાઇલ બેલ્ટ સ્માર્ટ ચૉઇસ છે. એ તમારા આખા લુકને ટ્રેન્ડી બનાવશે.

હેર-ઍક્સેસરીઝ : મિરરવર્ક, કોડીવર્ક કે પોમપોમ્સ હોય એવી એમ્બ્રૉઇડરી વર્કવાળી હેર-પિન્સ અને હેડ-બૅન્ડ્સ જેવી હેર-ઍક્સેસરીઝ બહુ પૉપ્યુલર થઈ રહી છે. એમાં પણ ખાસ કરીને હેર-બો ટાઇપની ક્લિપનો ક્રેઝ વધુ છે, કારણ કે એ લુકને વધુ ક્યુટ બનાવે છે. આ ઉપરાંત વાળ બાંધવામાં યુઝ થતાં રબરબૅન્ડ્સમાં ઊનના કલરફુલ દોરાથી બનાવેલી નાની-નાની ચોટલી હોય છે એને હેર-બ્રેઇડ્સ કહેવાય છે. આ ઉપરાંત મોતી, કોડી અને આભલાંથી બનેલી પાતળી સિંગલ લડી તમે તમારા હિસાબે વાળમાં નાખી શકો છો. એ વાળમાં નાખ્યા બાદ કોઈ ઍક્સેસરીઝની જરૂર પડતી નથી. આ ઉપરાંત હેર-કૅપ્સ પણ મળે છે. એ પહેરશો તો માથામાં કોઈ ઍક્સેસરી નાખવાની જરૂર પડશે નહીં.

ફુટવેઅર : ગરબા રમતી વખતે કમ્ફર્ટેબલ હોવું બહુ જરૂરી છે. આરામદાયક એમ્બ્રૉઇડરી વર્કવાળી અથવા ગોલ્ડન કે સિલ્વર કલરની પ્લેન જૂતી અથવા મોજડી પહેરી શકાય. સ્નીકર્સ પહેરવાથી પણ ગરબા રમ્યા બાદ પગ વધારે દુખતા નથી. અત્યારે ઘણા લોકો સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવે છે, પણ હકીકતમાં એ નવરાત્રિનાં આઉટફિટ્સ સાથે મેળ ખાતાં નથી અને તમારી ફૅશનને નિખારવાને બદલે ખરાબ કરે છે. તેથી આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે.

આટલી ચીજો પર ધ્યાન આપવામાં આવે અને હેરસ્ટાઇલ સિમ્પલ અને મેકઅપ મિનિમલ રાખશો તો વધુ સારું અને કમ્ફર્ટેબલ લાગશે, કારણ કે ગ્રાઉન્ડમાં રમતી વખતે પરસેવો થશે અને એને કારણે હેવી મેકઅપ લગાવ્યો હશે તો ખરાબ થશે અને હેરસ્ટાઇલ પણ વીંખાઈ જશે. તેથી આ બન્ને ચીજોને સિમ્પલ અને મિનિમલ રાખીને આઉટફિટ્સ અને ઍક્સેસરીઝ પર ધ્યાન આપશો તો વધુ કમ્ફર્ટમાં રહેશો અને તમારી સ્ટાઇલ ફૅશન ફૉર્વર્ડ આપશે.

navratri fashion fashion news lifestyle news life and style columnists exclusive gujarati mid day