17 March, 2026 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૮૦ના દાયકાના બ્લશ ડ્રેપિંગ મેકઅપ ટ્રેન્ડનું કમબૅક
યાદ છે ૮૦ના દાયકાની એ ફિલ્મો જેમાં હિરોઇનોના ગાલ પર ગુલાબી અને લાલ રંગનું બ્લશ ક્લિયર દેખાતું હતું અને એ ટાઇમે એવી ફૅશન પણ હતી. આવા મેકઅપની ટેક્નિક આઉટ ઑફ ફૅશન થઈ ગઈ છે એવું માનતા હો તો તમે ખોટા સાબિત થઈ શકો છો. જે રીતે ફૅશનમાં બેલબૉટમ પૅન્ટ્સ પાછાં આવ્યાં એવી જ રીતે આ રેટ્રો મેકઅપ ટેક્નિક પણ નવા અવતારમાં પાછી ફરી છે. ટેક્નિકલ ભાષામાં આવી મેકઅપ ટેક્નિકને બ્લશ ડ્રેપિંગ ટેક્નિક કહેવાય છે. સામાન્ય રીતે આપણે બ્લશનો ઉપયોગ માત્ર ગાલને થોડા ગુલાબી કરવા માટે કરીએ છીએ, પરંતુ ડ્રેપિંગ બ્લશ વડે ચહેરાને સ્ક્લ્પ્ટ કરવાની કળા છે. સરળ ભાષામાં કહીએ તો જે રીતે આપણે કૉન્ટૂરિંગમાં ડાર્ક શેડ્સનો ઉપયોગ કરીને ચહેરાનાં હાડકાંને શાર્પ દેખાડીએ છીએ એમ અહીં અલગ-અલગ શેડ્સના બ્લશનો ઉપયોગ કરીને ચહેરાને લિફ્ટ કરવામાં આવે છે. એ તમારા ચહેરાના નૅચરલ બોન સ્ટ્રક્ચરને હાઇલાઇટ કરે છે અને ડ્રામેટિક છતાં ગ્લોઇંગ લુક આપે છે. ૮૦ના દાયકામાં પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ વે બેન્ડીએ આ ટેક્નિકની શરૂઆત કરી હતી. આ ટેક્નિક તમારા ફેસને ઇન્સ્ટન્ટ લિફ્ટ આપે છે અને એક એવો ગ્લો આપે છે જે કુદરતી લાગે. ભલે તમે ઑફિસ પાર્ટીમાં જતા હો કે કોઈનાં લગ્નમાં, આ ટ્રેન્ડ તમને ભીડથી અલગ તારવશે.
કેવી રીતે કરવો મેકઅપ?
બ્લશ ડ્રેપિંગ કરવું એ કોઈ રૉકેટ સાયન્સ નથી, બસ થોડી પ્રૅક્ટિસ અને સાચા શેડ્સની જરૂર છે. આ લુક માટે હંમેશાં બે શેડ્સ પસંદ કરો. એક થોડો ડાર્ક જેમ કે ડીપ પિન્ક કે ટેરાકોટા અને એક લાઇટ જેમ કે સૉફ્ટ પીચ કે બેબી પિન્ક શેડ્સ લો. સૌથી પહેલાં ડાર્ક શેડને તમારા ચિકબોન્સની નીચેના ભાગથી શરૂ કરી કાન તરફ અને થોડું ટેમ્પલ્સ એટલે કે કપાળની સાઇડ સુધી લઈ જાઓ.
હવે લાઇટ શેડને ગાલના ઉપરના ભાગે લગાવો અને બન્ને રંગોને એવી રીતે મિક્સ કરો કે કોઈ શાર્પ લાઇન ન દેખાય. જો તમારે વધારે ગ્લૅમરસ દેખાવું હોય તો બ્લશને તમારી આઇબ્રોના છેડા સુધી પણ લઈ જઈ શકો છો. આનાથી ચહેરો લિફ્ટેડ અને વધુ યંગ દેખાશે.
કયા પ્રસંગે લગાવવો?
બ્લશ ડ્રેપિંગ ખૂબ જ વર્સટાઇલ ટેક્નિક છે. જો તમે રાત્રે કોઈ ફંક્શનમાં જઈ રહ્યા હો તો થોડા બોલ્ડ અને વાઇબ્રન્ટ કલર્સ સાથે આ ટ્રેન્ડ અજમાવો. મ્યુઝિક નાઇટ કે કૉકટેલ પાર્ટી માટે આ બેસ્ટ છે. આજના સમયમાં ડે-વેડિંગ્સ અને મેંદી સેરેમનીમાં સૉફ્ટ બ્લશ ડ્રેપિંગ ખૂબ જ સુંદર લાગે છે. એ તમને ફ્રેશ અને રોમૅન્ટિક લુક આપે છે. જો તમે સોશ્યલ મીડિયા માટે કન્ટેન્ટ બનાવો છો અથવા પ્રોફેશનલ ફોટોશૂટ કરાવો છો તો આ ટેક્નિક કૅમેરામાં ખૂબ જ આકર્ષક દેખાય છે.