30 December, 2025 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલીવુડની આ ઍક્ટ્રેસિસની ફૅશન-સ્ટાઇલ તમને મદદરૂપ થઈ શકે છે
જો તમે પાર્ટીમાં સેન્ટર ઑફ ઍટ્રૅક્શન બનવા માગતા હો તો કિઆરા અડવાણીનો સીક્વન્ડ લુક થર્ટીફર્સ્ટ માટે પર્ફેક્ટ છે. કિઆરા અવારનવાર સીક્વન્ડ બૉડીકૉન ડ્રેસ અને હાઈ સ્લિટ ગાઉન્સમાં જોવા મળે છે ત્યારે તમને પણ તેના જેવો લુક અપનાવવો હોય તો મેટલિક ગોલ્ડ, સિલ્વર અથવા મિડનાઇટ બ્લુ કલરનો સીક્વન્ડ ડ્રેસ પસંદ કરો. અને એટલું યાદ રાખજો કે જ્યારે ડ્રેસ વધુ ચમકતો હોય ત્યારે મેકઅપ હંમેશાં ન્યુડ અથવા ડ્યુઇ રાખવો જેથી તમારા લુકમાં બૅલૅન્સ જળવાઈ રહે. આ લુક અપનાવો ત્યારે હેરસ્ટાઇલ સ્લીક પોનીટેલ અથવા સૉફ્ટ કર્લ્સ રાખો.
કમ્ફર્ટ અને સ્ટાઇલનો સુમેળ અભિનેત્રી આલિયા ભટ્ટની ફૅશનમાં જોવા મળે છે. જો તમે હેવી ગાઉન પહેરવા ન માગતા હો તો ફ્લોરલ શૉર્ટ ડ્રેસ અથવા સ્ટાઇલિશ કો-ઑર્ડ સેટ્સ પસંદ કરી શકાય. એના પર પિન્કિશ બ્લશ અને મેસી બન હેરસ્ટાઇલ સાથે આ લુક તમને પાર્ટીમાં ફ્રેશ લુક આપશે.
અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશાં બોલ્ડ અને વાઇબ્રન્ટ કલર્સ સાથે પ્રયોગ કરે છે. મરૂન અને ગ્રીન કલરના સ્લિપ ડ્રેસ અને મૅક્સી ડ્રેસ રાતની પાર્ટીમાં લક્ઝુરિયસ ફીલ આપે છે. આવા લુક સાથે હાઈ હીલ્સ મસ્ત લાગશે અને એ જ વધારે સૂટ થશે. જો ઠંડી વધુ હોય તો એના પર તમે ઓવરસાઇઝ્ડ બ્લેઝર નાખીને બૉસ લેડી લુક પણ મેળવી શકો છો.
ક્લાસિક લુક માટે દીપિકા પાદુકોણની સ્ટાઇલ બેસ્ટ છે. બ્લૅક કલર ક્યારેય આઉટ ઑફ ફૅશન થતો નથી. એક સરસ ફિટિંગવાળો લિટલ બ્લૅક ડ્રેસ અથવા વેલ્વેટ આઉટફિટ તમને રૉયલ લુક આપશે. દીપિકા જેવો લુક મેળવવા માટે બોલ્ડ રેડ લિપ્સ્ટિક અને વિન્ગ્ડ આઇલાઇનર સાથે ડાયમન્ડ ચોકર અથવા સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ અલગ ચાર્મ ઍડ કરશે.
ખુશી કપૂર તેના સિલ્વર શિમરિંગ હૉલ્ટર નેક ડ્રેસમાં ગ્લૅમર અને ફેસ્ટિવ સ્પાર્કલનું પર્ફેક્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ ડ્રેસની ખાસિયત એ છે કે એ કોઈ પણ મહેનત વગર તમને પાર્ટીમાં શો-સ્ટૉપર બનાવી શકે છે. ખાસ કરીને ક્રિસમસ કે ન્યુ યર ઈવ જેવી રાત્રિની પાર્ટીઓ માટે આ એક આદર્શ પસંદગી છે. શિમરી ફૅબ્રિકમાંથી બનેલો ડ્રેસ તમે સ્ટાઇલ કરો તો ગળામાં કંઈ પહેરવાનું ટાળો. ડ્રેસ પોતે જ એટલો ચમકે તો ઍક્સેસરીઝ એને ઓવરપાવર ન કરી શકે અને એ સૂટ પણ નહીં થાય તેથી તમે સ્ટડ ઇઅરરિંગ્સ અથવા સ્લીક બ્રેસલેટ સ્ટાઇલ કરી શકો.
ફૅશન ત્યારે જ સારી લાગે જ્યારે તમે તમારી બૉડીના હિસાબે આઉટફિટને સ્ટાઇલ કર્યા હોય. જો તમારી બૉડી પેઅર શેપમાં હોય તો ફ્લેર્ડ પૅન્ટ અને હૉલ્ટર નેક ટૉપ બહુ સૂટ થશે. ઓછી હાઇટ હોય તો શૉર્ટ ડ્રેસ સાથે હાઈ બૂટ્સ પહેરવાથી તમારી હાઇટ વધી હોય એવો ભાસ થશે. જો તમે પાતળા હો તો ફૉક્સ ફર ટૉપ સાથે લેધર સ્કર્ટ પેર કરશો તો કૉકટેલ પાર્ટીમાં તમારું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ નિખરીને આવશે. ઍથ્લેટિક બૉડી હોય એ યુવતીઓએ ઑફ-શોલ્ડર, સ્ટ્રાઇપવાળા અથવા હૉલ્ટર નેક પૅટર્નના ડ્રેસ પહેરવા. આવા ડ્રેસ ખભા અને કૉલર બોન્સને સુંદર લુક આપે છે.
રાત્રે ઠંડી હોય તો ડ્રેસ સાથે સૂટ થતું હોય એવું સ્ટાઇલિશ લેધર જૅકેટ અથવા ફૉક્સ ફર કોટ સાથે જ રાખો.
જો તમે લેટ નાઇટ સુધી ડાન્સ કરવાના હો તો ફુટવેઅરમાં બ્લૉક હીલ્સ અથવા શિમરી વર્કવાળાં સ્નીકર્સ પસંદ કરો. જો ડ્રેસ સાદો હોય તો જ બૂટ્સ અથવા વાઇબ્રન્ટ હીલ્સ પહેરો.
કોઈ પણ મેકઅપ ત્યારે જ સારો લાગશે જ્યારે તમારી ત્વચા હાઇડ્રેટેડ હોય. મેકઅપ શરૂ કરતાં પહેલાં ચહેરા પર પાંચ મિનિટ માટે શીટ-માસ્ક લગાવો અથવા સારા મૉઇશ્ચરાઇઝરથી મસાજ કરો. આનાથી નૅચરલ ગ્લો આવશે.
શિમરી ડ્રેસ સાથે સ્મોકી આઇશૅડો મસ્ત લાગશે. જો તમે ઑલ રેડ લુક ઇચ્છતા હો તો લિસ્પટિક મૅટ રેડ લગાવજો. મેકઅપ હેવી હોય તો ન્યુડ કે પિન્ક શેડની લિપસ્ટિક સાથે લિપગ્લૉસ લગાવો. પાર્ટીઝમાં ગ્લૉસી લિપ્સ ટ્રેન્ડમાં છે.
શિયાળાની રાતે મેકઅપ કરો ત્યારે હાઇલાઇટરનો ઉપયોગ જરૂર કરો, રાતની પાર્ટીમાં એ તમારા લુકને હાઇલાઇટ કરશે.
થર્ટીફર્સ્ટની પાર્ટી આખી રાત ચાલતી હોય છે, તેથી મેકઅપ પરસેવો કે ડાન્સના કારણે ખરાબ ન થાય એ જરૂરી છે. તેથી મેકઅપ પૂરો થયા પછી સેટિંગ સ્પ્રે છાંટો. એ મેકઅપને લૉક કરી દેશે અને મેલ્ટ થવા દેશે નહીં.
હેરસ્ટાઇલમાં સૉફ્ટ વેવ્ઝ પાર્ટી વાઇબ આપે છે, પણ તમે તમારા આઉટફિટના હિસાબે સ્લીક બન કરશો તો પણ એ ક્લાસી લાગશે.
ડ્રેસ મુજબ મિની બૅગ કે ક્લચ રાખવાનું તથા ગ્લૅમરસ લુક સાથે લૉન્ગ લાસ્ટિંગ પરફ્યુમ લગાવવાનું ભૂલતા નહીં.
ગમે તેટલા થાક્યા હો પણ સૂતાં પહેલાં મેકઅપ સાફ કરવાનું ન ભૂલતા. ક્લેન્ઝિંગ ઑઇલ કે માઇસેલર વૉટરથી મેકઅપ દૂર કરો જેથી બીજા દિવસે ત્વચા ફ્રેશ રહે.