21 September, 2026 06:20 PM IST | Mumbai | Varsha Chitaliya
રાજાધિરાજ દ્વારકાધીશના મહેલનું પ્રવેશદ્વારશિવડીચા અને રાજાનો મોભો અને પ્રભાવલયમાં દ્વારકાધીશની છબિ
શિવડીચા રાજાના દરબારમાં આ વર્ષે ભક્તિ અને આધુનિક વિજ્ઞાનનો સંગમ જોઈને ગણેશભક્તોની આંખો અંજાઈ ગઈ છે. શિવડી મધ્ય વિભાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ અમૃત મહોત્સવ ઊજવી રહ્યું હોવાથી આ વર્ષ ખાસમખાસ છે. ૭૫મા વર્ષના આ માઇલસ્ટોનને યાદગાર બનાવવા માટે મંડળ દ્વારા અંદાજે એક કરોડ રૂપિયાથી વધુના બજેટ સાથે ભગવાન શ્રીકૃષ્ણની સમુદ્રમાં વિલીન થઈ ગયેલી દ્વારકા નગરીનો અદ્ભુત લાઇવ સેટ ઊભો કરવામાં આવ્યો છે. હૉલોગ્રામ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને બનાવેલી દ્વારકા નગરીની યાત્રા કરવા દેશભરમાંથી ગણેશભક્તો ઊમટી રહ્યા છે.
શિવડીચા રાજા મંડળ આ વિસ્તારનું સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત મંડળ છે. મિલમજૂરો અને સ્થાનિક મરાઠી પરિવારોના સહયોગથી શરૂ થયેલા પંડાલની સફર આ વર્ષે ૭૫મા વર્ષમાં પ્રવેશી છે. એને યાદગાર બનાવવા ભગવાન શ્રીકૃષ્ણની સોનાની નગરી દ્વારકાને પંડાલની અંદર આબેહૂબ તૈયાર કરવામાં આવી છે. પંડાલની મધ્યમાં રાખવામાં આવેલો ૩D હૉલોગ્રામ પ્રોજેક્ટ કોઈ સામાન્ય સ્ક્રીન પ્રોજેક્શન નથી, હાઈ-ટેક હૉલોગ્રાફિક ડિસ્પ્લે ટેક્નૉલૉજી છે. સરળ ભાષામાં સમજીએ તો આ એવી ટેક્નૉલૉજી છે જેમાં ચશ્માં પહેર્યા વિના હવામાં તરતી 3D તસવીરો લાઇવ જોઈ શકાય છે. મંડળ દ્વારા પંડાલમાં ૧૦૦૦ ચોરસફુટની વિશાળ LED બૅકગ્રાઉન્ડ સ્ક્રીન અને સ્પેશ્યલ સિરૅમિક હોલો-લેન્સ પ્રોજેક્ટર્સનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. સાઉન્ડ સિસ્ટમ અને હવામાં તરતાં ડિજિટલ દૃશ્યો એટલાં વાસ્તવિક લાગે છે કે ત્યાંથી પસાર થતો દરેક ભક્ત મંત્રમુગ્ધ થઈને એક ક્ષણ માટે ત્યાં જ થંભી જાય છે. ગણેશોત્સવના ઇતિહાસમાં આ લેવલ પર હૉલોગ્રામ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરાયો હોય એવો આ એશિયાનો સૌથી મોટો પ્રયોગ માનવામાં આવે છે.
રાજાધિરાજ દ્વારકાધીશના મહેલને છાજે એવું પ્રવેશદ્વાર વટાવતા જ ભક્તો ૧૩૦ ફુટ લાંબી, ૬૫ ફુટ પહોળી અને ૪૫ ફુટ ઊંચી ઍરકન્ડિશન્ડ ટનલમાં પ્રવેશે છે. ટનલની અંદર ઍટ્મોસ્ફેરિક બ્લુ અને ડાર્ક સી-ગ્રીન લેઝર લાઇટ્સનું એવું સેટિંગ છે કે ભક્તોને લાગે કે તેઓ સાચે જ સમુદ્રની સપાટીથી સેંકડો ફુટ નીચે ચાલી રહ્યા છે. ટનલમાં જેમ-જેમ આગળ વધો એમ જીવંત દરિયાઈ સૃષ્ટિનો સામનો થાય છે. માર્ગમાં બન્ને તરફ અને સીલિંગ પર બ્લુ વ્હેલ માછલી, ઑક્ટોપસ, દરિયાઈ કાચબા, શંખ, છીપલાં અને રંગબેરંગી જેલીફિશના વિશાળ સ્ક્રૅપ મૉડલ્સ ગોઠવવામાં આવ્યાં છે. આ તમામ મૉડલ્સ એટલાં આબેહૂબ છે કે ખરેખર અન્ડરવૉટરમાં આવી ગયા હો એવો અહેસાસ થાય. ટનલની મધ્યમાં આખા પંડાલનો હાઇલાઇટ પૉઇન્ટ છે. અહીં સ્થાપિત કરાયેલો એશિયાનો સૌથી મોટો 3D હૉલોગ્રામ હવામાં તરતો દેખાય છે. LED સ્ક્રીનના સપોર્ટ સાથે હૉલોગ્રામ પર ભગવાન ગણેશ અને રાજાધિરાજ દ્વારકાધીશની લીલાઓ અને દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં ડૂબી ગઈ એની પૌરાણિક કથા ઍનિમેશન દ્વારા લાઇવ બતાવવામાં આવે છે. પંડાલમાં માત્ર દૃશ્યો જ નહીં, ધ્વનિ અને સ્પર્શનો પણ જબરદસ્ત પ્રયોગ કરવામાં આવ્યો છે. પંડાલની નીચે અને ઉપરથી લાઇવ સ્મોક વેવ્ઝ એવી રીતે બહાર આવે છે કે ભક્તો જ્યારે ચાલતા હોય ત્યારે પગ પાસે સાચે જ પાણીનાં મોજાં અથડાતાં હોય તેવો આભાસ થાય છે.
પ્રોજેક્શન વિશે મંડળના મુખ્ય સલાહકાર વિજય ઇન્દુલકરે જણાવ્યું હતું કે ‘શિવડીચા રાજાના અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી નિમિત્તે ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ આપવા માટે અમે અન્ડરવૉટર દ્વારકાની પરિકલ્પના કરી હતી. પૌરાણિક કથાઓમાં વર્ણવાયેલી દ્વારકા નગરીને આધુનિક ટેક્નૉલૉજીના માધ્યમથી લોકોની નજર સમક્ષ જીવંત કરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ડરવૉટર દ્વારકાની મુલાકાત લીધી એનો વિડિયો સામે આવ્યો એમાંથી પ્રેરણા મળી. ગોમતી નદી અને અરબી સમુદ્રનું સંગમસ્થાન આધ્યાત્મિક દૃષ્ટિએ પણ હૃદયને સ્પર્શે છે. સામાન્ય ભક્ત માટે દ્વારકા જઈને સમુદ્રના પેટાળમાં ઊતરવું શક્ય નથી એટલે અમે વિચાર્યું કે કેમ નહીં આપણે જ એ દિવ્ય અનુભવ મુંબઈના આંગણે લાવીએ. બસ, આ વિચારમાંથી જ આખો પ્રોજેક્ટ ફાઇનલ થયો. ફિલ્મોના વિશાળ સેટ બનાવતા આર્ટ-ડિરેક્ટર અમન વિધાતેના માર્ગદર્શન હેઠળ આશરે ૬ મહિના પહેલાંથી પ્લાનિંગ શરૂ કરી દેવાયું હતું. પાણીની અંદરનું રિફ્લેક્શન અને ઇફેક્ટ્સ પર્ફેક્ટ દેખાશે કે કેમ એ ચકાસવા માટે ૩ વાર લાઇવ ડેમો લીધો હતો. ત્યાર બાદ છેલ્લા દોઢ મહિનાથી રોજના અંદાજે ૮૦ જેટલા કારીગરો-શ્રમિકોએ રાત-દિવસ એક કરીને ફાઇનલ સેટ તૈયાર કર્યો છે. હૉલોગ્રામ અને અન્ડરવૉટર ઇફેક્ટનો અસલી રોમાંચ જળવાઈ રહે અને શૅડો ન પડે એ માટે એકસાથે ૧૦થી ૨૫ લોકોને જ ટનલમાં પ્રવેશવા દઈએ છીએ. ટનલ પાર કરીને અંદાજે ૩ મિનિટમાં ભક્તો મુખ્ય સભામંડપ સુધી પહોંચી જાય છે.’
મંડળના પ્રમુખ શ્રીકાંત જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શિવડીચા રાજાની ૭૫ વર્ષની આ સફર શ્રદ્ધા, સંસ્કૃતિ, સામાજિક પ્રતિબદ્ધતા અને એકતાની સમૃદ્ધ પરંપરાનું પ્રતીક છે. ભક્તોને અન્ડરવૉટર દ્વારકા નગરીની રોમાંચક યાત્રા કરાવવાની સાથે બાપ્પાની ગરિમાપૂર્ણ પરંપરાને જાળવી રાખી છે. નીચેની ટ્રૉલી સાથે ગણીએ તો મૂર્તિની કુલ ઊંચાઈ ૨૪ ફુટ છે. મૂળ સ્વરૂપ ગણેશજીનું જ છે, પરંતુ તેમના પ્રભાવલય (બૅકગ્રાઉન્ડ આભામંડળ)માં બદલાવ કરવામાં આવ્યો છે. પ્રભાવલયમાં રાજાધિરાજ દ્વારકાધીશની છબિ કંડારવામાં આવી છે. મૂર્તિકાર સિદ્ધેશ દિઘોલેએ બાપ્પાના સુવર્ણ સિંહાસનને દ્વારકાધીશના રાજદરબાર જેવો રૉયલ લુક આપ્યો છે. આ હાઈ-ટેક થીમ જોવા માટે આસામ, ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાંથી લોકો સ્પેશ્યલ ફ્લાઇટ પકડીને મુંબઈ આવી રહ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રના જળગાવ, નાશિક, સાતારા અને મુંબ્રા-દિવા જેવા
દૂર-દૂરના વિસ્તારોમાંથી પણ ગણેશભક્તો અહીં ઊમટી રહ્યા છે. ગુરુવાર સુધીમાં અંદાજે બે લાખથી વધુ ભક્તો શિવડીચા રાજાનાં ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.’
સ્થળ : શિવડીચા રાજા પંડાલ (ઠાકરે મેદાન) નજીકનું રેલવે-સ્ટેશન : હાર્બર લાઇનના શિવડી રેલવે-સ્ટેશનથી પાંચ મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર છે.
સમય : સવારે ૭ વાગ્યાથી મોડી રાત સુધી ચાલુ હોય છે. સવારે અને સાંજે આરતીનો સમય ૮ વાગ્યાનો છે એ ધ્યાનમાં રાખીને જવું.