મારો એકરાર - ગુરુ શરણે થઈશ પ્રતિજ્ઞાબદ્ધ!

10 September, 2026 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનને જીતનાર વ્યક્તિ સંસારને જીતી શકે છે. મનથી કરેલો એક નાનકડો વિચાર પણ તમારી ભવ-પરંપરાને બદલી શકે છે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ રડતી આંખે, કાન પકડી, ભૂલોનો એકરાર કરી, ભૂલોનો સ્વીકાર કરી, ભાવોની વિશુદ્ધિ કરીને પ્રભુ સાથે એકાકાર થવા માટે હોય છે.

પર્વાધિરાજ પર્યુષણમાં આપણે પાપ-દોષો, ભૂલો અને ક્ષતિઓના પ્રતિકમણ સાથે મનના વિચારોનું; મનથી કરેલાં ડાઉટ્સ, બ્લેમ્સ, ઍઝમ્પ્શન અને ઇમેજિનેશન્સનું પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે. એનો પ્રભુ સમક્ષ એકરાર કરી, મનને કન્ટ્રોલમાં રાખીને પ્રભુ સાથે એકાકાર થવાનું હોય છે.

મનને જીતનાર વ્યક્તિ સંસારને જીતી શકે છે. મનથી કરેલો એક નાનકડો વિચાર પણ તમારી ભવ-પરંપરાને બદલી શકે છે.

મન જ મોક્ષનું કારણ બની શકે છે અને મન જ સંસાર-પરિભ્રમણ વધારી શકે છે.

મુનિ બનેલા પ્રસન્નચંદ્રરાજાને ધ્યાનસ્થ અવસ્થામાં મગ્ન જોઈને શ્રેણિક મહારાજા પ્રભુને પૂછે છે, ‘પ્રભુ! આ આત્માની અત્યારે વિદાય થાય તો કઈ ગતિમાં જાય?’

પ્રભુએ કહ્યું, ‘રાજન્! એ સાતમા નરકમાં જાય, કેમ કે અત્યારે બહારથી તેઓ ધ્યાનસ્થ છે, પણ મનથી પુત્રના રાગમાં છે અને દુશ્મન રાજા સાથે મનોમન યુદ્ધ કરી રહ્યા છે.’

થોડી વાર પછી શ્રેણિક રાજા ફરી પૂછે છે, ‘પ્રભુ! પ્રસન્નચંદ્ર મુનિ નરકગામી બને એ વાત હું સ્વીકારી શકતો નથી.’

પ્રભુએ કહ્યું, ‘અત્યારે તેમની વિદાય થાય તો તેઓ દેવલોકમાં જાય, કેમ કે અત્યારે તેમને રિયલાઇઝ થઈ ગયું છે કે તેઓ રાજા નથી, સંસારત્યાગી મુનિ છે અને અત્યારે તે મનથી સતત પશ્ચાત્તાપ કરી રહ્યા છે. પસ્તાવાના પાવન ઝરણામાં મનથી કરેલા વિચારો અને અશુભ ભાવોને ધોઈ રહ્યા છે.’

હજી તો આ વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં જ મુનિને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થઈ જાય છે. ‘ધન્ય છે... ધન્ય છે’નો નાદ ગુંજવા લાગે છે.

મુનિ હોવા છતાં પળમાં નરકગામી, પળમાં દેવલોકગામી અને પળમાં કેવળજ્ઞાની... માત્ર ને માત્ર મનના વિચારોના કારણે!

મન શુભભાવમાં હોય તો સદ્ગતિ અને અશુભભાવમાં હોય તો દુર્ગતિ!

એટલે જ મનને કન્ટ્રોલમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે ગુરુના શરણે સમર્પિત થઈને ગુરુના શ્રીમુખેથી પ્રતિજ્ઞા ગ્રહણ કરવી, ગુરુના શરણે પ્રતિજ્ઞાબદ્ધ થવું!

મોક્ષમાં પધારતાં-પધારતાં પ્રભુએ મોક્ષપ્રપ્તિનાં જે ૭૨ માર્ગ-સમ્યક્ પરાક્રમ ફરમાવ્યાં છે એમાં એક માર્ગ પ્રતિજ્ઞાનો અર્થાત્ પચ્ચક્ખાણનો ફરમાવ્યો છે.

પ્રતિજ્ઞાબદ્ધ થવાથી મન પર કન્ટ્રોલ રાખી શકાય છે, ચંચળ મનને સંયમમાં રાખી શકાય છે, મન આત્માના કમાન્ડમાં આવી જાય છે.

ગુરુના શ્રીમુખેથી પ્રતિજ્ઞા ગ્રહણ કરવાથી અંહકાર અને ઇચ્છાઓ છૂટવા લાગે છે, ડગુમગુ થતા મનને પ્રતિજ્ઞાનું બળ પ્રાપ્ત થાય છે, ‘આઇ કૅન’નો આત્મવિશ્વાસ આવી જાય છે અને મન સ્ટ્રૉન્ગ બને છે.

મોટા ભાગે આ કાળમાં વ્યક્તિઓ મનથી શુભ ભાવ અને શુભ સંકલ્પના બદલે વધારે સમય મનથી કોઈને ને કોઈને બ્લેમ કરતી હોય છે, કોઈના પર ડાઉટ કરતી હોય છે, કંઈ ને કંઈ ઍઝમ્પ્શન કરતી હોય છે અથવા ઇમેજિનેશન્સમાં ખોવાયેલી રહેતી હોય છે.

માનો કે તમારું વૉલેટ કે જ્વેલરી ન મળતી હોય તો સૌથી પહેલાં સર્વન્ટ પર ડાઉટ આવે કે મારાથી ક્યાંય મુકાઈ ગયું હશે એ વિચાર આવે?

મનથી જ મનની કોર્ટમાં કોઈના ને કોઈના પર ડાઉટ કરીને કોઈના પર બ્લેમ બહુ સહજતાથી થઈ જાય છે.

થોડી વાર પછી ખોવાયલી વસ્તુ તો મળી જાય છે; પણ થોડી વાર માટે કરેલો એ આક્ષેપ, એ ડાઉટ તમારા અનંતકાળને બગાડી શકે છે.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એકરારનું પર્યુષણ છે. આજે, આજ સુધી જેના માટે જે માની લીધું છે, જે ધારી લીધું છે, જેના માટે જે-જે કલ્પનાઓ કરી છે, મનની કોર્ટમાં ગુના વગર જેને-જેને ગુનેગાર માની લીધા છે તે બધાનો એકરાર કરી; એ બધાં વિચારોનું, ભાવોનું, કલ્પનાઓનું तस्स भंते, पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि કરી દો અને પ્રભુની સાથે કરાર કરી લો, પ્રભુને વચન આપી દો કે...

પ્રભુ! એકરાર કર્યા પછી હવે જ્યારે હું આપને નમન કરીશ ત્યારે આપનું અને મારું મન એક થઈ જશે અને પ્રભુ, ત્યારે મારો ભક્તધર્મ સાર્થક થઈ જશે.

ઘણાના મનમાં કોઈ ને કોઈ વાત કે વસ્તુનો fear હોય. મોટા ભાગે ફિયર ઇમેજિનેશનનો હોય. મને આમ થઈ જશે તો? મારી job જતી રહેશે તો? મને બિઝનેસમાં લૉસ થશે તો? મારાં સંતાનો મારું નહીં માને તો?

ફિયર પણ એક પ્રકારનો મનનો દોષ છે. ભગવાને ફિયરને, ભયને પાપ કહ્યો છે. હિંસાનું પાપ આપણને પાપ લાગે છે, પણ ‘ભય’ પાપ લાગતું નથી.

જેનામાં સ્વાર્થ અને સુખબુદ્ધિ વધારે હોય, એનામાં ફિયર વધારે હોય.

ભય આપણને ભગવાનથી અને ભગવાનના ગુણોથી દૂર લઈ જાય છે.

જ્યાં સુધી વ્યક્તિ ભયમુક્ત નથી થતી ત્યાં સુધી તે ભગવાન બનવાની રાહ પર નથી આવી શકતી.

ભયથી મુક્ત થવાનો ઉપાય શું?

ભયથી મુક્ત થવાના બે ઉપાય છે.

  1. ભયની સામે મહાભય લાવો.

જેમને અંધારાથી ડર લાગે છે તેમને થોડી વાર અંધારામાં એકલા રાખો.

  1. અનન્ય શરણદાતા એવા પ્રભુ કે ગુરુના શરણમાં સરેન્ડર થઈ જાઓ.

જે સરેન્ડર હોય તેને ક્યારેય કોઈનો ડર ન હોય!

ભયમુક્તિનો બીજો એક ઉપાય છે નમોત્થુણંની આરાધના! नमोत्थुणंની આરાધના થાય એટલે વ્યક્તિમાં નિર્ભયતા, શૂરવીરતા અને અડગતા આવી જાય.

મનમાંથી ભય નીકળે એ શ્રેષ્ઠ છે, પણ ભયનું કારણ નીકળી જાય એ સર્વશ્રેષ્ઠ!

ભયભીત વ્યક્તિ જ્યારે પ્રભુના કે ગુરુના શરણમાં સમર્પિત થાય છે, સરેન્ડર થાય છે ત્યારે ગુરુ તેના ભયને તો દૂર કરાવે છે; પણ પ્રતિજ્ઞા દ્વારા ભયના કારણને અને ભયના કારણે જે કર્મબંધ થતા હોય એનો પણ ક્ષય કરાવે છે, મન પર વિજય પ્રાપ્ત કરાવે છે.

જે મન મોક્ષ અપાવી શકે છે એ જ મનને અયોગ્ય વિચારો કરીને સંસારનું કારણ બનાવી દીધું છે.

એ દરેક પાપકરી અયોગ્ય વિચારોનું પ્રતિક્રમણ કરી, પ્રભુ સમક્ષ એકરાર કરી, મનને નિર્મળ બનાવી, દોષવિશુદ્ધિની સાધના દ્વારા પર્યુષણ મહાપર્વને સાર્થક કરવું જોઈએ.

જ્યારે-જ્યારે મન મળ્યું ત્યારે-ત્યારે પ્રભુ સાથે મન ન મળ્યું એટલે આજે પ્રભુથી દૂર..દૂર...દૂર છીએ.

જ્યારે-જ્યારે મન મળ્યું ત્યારે-ત્યારે મન મળ્યું વ્યક્તિમાં, પદાર્થમાં અને સુખના ભોગમાં!

મનના દોષોનો એકરાર કરીને પ્રભુ સાથે કરાર કરવાનો છે કે પ્રભુ, હવે આ મન તારા સિવાય કોઈની સાથે નહીં મળે.

પ્રભુ! ગુરુમુખે પ્રતિજ્ઞા ગ્રહણ કરી, મારા મનને ઇચ્છાઓથી અને ભયથી મુક્ત બનાવી, ગુરુ શરણે સમર્પિત થઈ, મારું મન મારું ‘મન’ ન રહે એવું ‘ન-મન’ બનાવીને તારાં ચરણે નમન કરીશ જેથી તારું અને મારું મન એકરાર થઈ જાય!

lifestyle news life and style culture news namramuni maharajsaheb