23 September, 2026 05:20 PM IST | Mumbai | Varsha Chitaliya
ગિરનારનું પ્રવેશદ્વાર.
ગણેશોત્સવમાં કરોડો રૂપિયાના બજેટ અને વિશાળ પંડાલોની ભીડ વચ્ચે કલ્યાણનું દૂધનાકા ગણેશપ્રેમી મંડળ સાદગી, પરંપરા અને સ્ત્રીશક્તિની અનોખી મિસાલ પેશ કરી રહ્યું છે. છેલ્લાં ૫૮ વર્ષથી શાડૂ માટીના ગણપતિબાપ્પાની સ્થાપના કરતા આ મંડળની વિશેષતા એ છે કે તેઓ દર વર્ષે મર્યાદિત જગ્યા અને સાધનો વચ્ચે પણ અત્યંત આકર્ષક અને ધાર્મિક થીમ આધારિત સેટ તૈયાર કરે છે. આ વર્ષે મંડળે ગિરનાર પર્વતનો અદ્ભુત સેટ ઊભો કર્યો છે અને ગણપતિબાપ્પા ગિરનાર પર્વતની ટોચ પર બિરાજમાન છે. આ વર્ષે બીજી મજાની વાત એ છે કે પંડાલની કમાન મંડળની મહિલા આઘાડી (મહિલા સમિતિ)એ પોતાના હાથમાં લીધી છે. અધ્યક્ષ વર્ષા મોરેએ ‘મિડ-ડે’ સાથે શૅર કરી પડદા પાછળની મહેનતની વાતો.
આયોજન વિશે માહિતી આપતાં દૂધનાકા ગણેશપ્રેમી મંડળની મહિલા સમિતિનાં અધ્યક્ષ વર્ષા મોરેએ કહ્યું હતું કે ‘પુરુષો અને મહિલાઓના સહિયારા પ્રયાસથી મંડળ આખું વર્ષ સુંદર મજાના કાર્યક્રમો કરે છે. મુખ્ય મંડળના નેજા હેઠળની ટીમ જેણે આખું વર્ષ વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હોય એને ગણેશોત્સવ માટે આગળ કરવામાં આવે છે. ગણેશોત્સવની કમાન મહિલાઓના હાથમાં સોંપવામાં આવી હોવાથી અમે અતિશય ઉત્સાહિત છીએ. ગણેશોત્સવમાં અમે હંમેશાં કંઈક અલગ કરવા માગતાં હતાં. ગયા વર્ષે અક્કલકોટ સ્વામી મહારાજનો મઠ બનાવ્યો હતો. મહિલાઓએ પહેલેથી ગિરનારની થીમ વિચારી રાખી હતી. વાસ્તવમાં અમારા મંડળના કેટલા સભ્યો દર મહિને પૂનમ ભરવા જૂનાગઢ જાય છે. તેઓ અવારનવાર ગિરનારની યાત્રા વિશે વાતો કરતા હોય છે. આ સેટ ઊભો કરતાં પહેલાં મહિલા મેમ્બરોએ ખાસ ગિરનારની યાત્રા કરીને ત્યાંની ઝીણી-ઝીણી બાબતોનો અભ્યાસ કર્યો હતો. ગિરનારની તળેટીમાં અને પર્વત પર સુંદર મંદિરો છે. જોકે જગ્યાના અભાવે બધું જ બનાવવું શક્ય નહોતું. ઓછી જગ્યામાં વધુમાં વધુ શું શ્રેષ્ઠ કરી શકાય એની પરસ્પર ચર્ચા કરીને અમે આગળ વધ્યા.’
અમારી મહિલા આઘાડી જોરદાર છે એમ જણાવીને આગળ વાત કરતાં વર્ષા મોરેએ કહ્યું હતું કે ‘અમે ટેબલ, ન્યુઝપેપર અને જૂટના જુગાડથી ગિરનાર ઊભો કરી દીધો. મૂળ જૂનાગઢના ગિરનાર પર્વત પર ૧૦,૦૦૦ પગથિયાં છે. આ પહાડી ચડાણનો આબેહૂબ અહેસાસ કરાવવા માટે અમે દેશી જુગાડ કર્યો હતો. મંડપવાળાના ટેબલ પર ટેબલ ગોઠવીને પાંચ-પાંચના સેટમાં કુલ ૨૦ પગથિયાંની સીડી તૈયાર કરી છે, જેથી ભક્તો ખરેખર ગિરનાર ચડતા હોય એવો અનુભવ કરી શકે. પથ્થરો જેવો લુક આપવા માટે ભારે મહેનત કરી છે. ન્યુઝપેપરના
મોટા-મોટા બૉલ બનાવીને એને પ્લાયવુડ પર બરાબર ફિટ કર્યા અને એને પથ્થર જેવો આકાર આપ્યો. ત્યાર બાદ એના પર જૂટ લગાડીને પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)નું કોટિંગ ચડાવ્યું. PoP સુકાઈ ગયા પછી એના પર ખાસ સ્ટોન કલરનું સ્પ્રે કરવામાં આવ્યું જેને કારણે પગથિયાં અસલી પથ્થરો જેવા દેખાય છે. એને તૈયાર કરવામાં એક મહિનો લાગ્યો હતો. એમાં પણ છેલ્લા ૧૫ દિવસ લગાતાર આખી રાત જાગીને કામ કર્યું હતું. સુથારકામ સિવાયનું બધું જાતે તૈયાર કર્યું છે. પંડાલના મુખ્ય પ્રવેશદ્વાર પર નૉર્મલ ગેટ રાખવામાં આવ્યો છે, પરંતુ અંદર પ્રવેશીને જ્યાંથી ડેકોરેશન શરૂ થાય છે ત્યાં ગિરનાર પર્વત પર આવેલા ગુરુશિખર જવા માટેનો માર્ગ છે એવો જ સુંદર ગેટ છે. ભક્તો ગિરનાર ચડતા હોય એમ ટેબલથી બનાવેલી સીડીઓ ચડીને બાપ્પાનાં દર્શન માટે આગળ વધે છે. ટોચ પર પહોંચો પછી બાપ્પાનાં દર્શન થાય. ગિરનારને સાકાર કરવામાં મંડળના પ્રમુખ ગિરીશ ધોકિયા અને તેજસ પુરોહિતે મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું અને ખૂબ પ્રોત્સાહિત કરી હતી.’
દૂધનાકા ગણેશપ્રેમી મંડળે પોતાની ૫૮ વર્ષની પરંપરા જાળવી રાખી છે. દર વર્ષે તેઓ નવી થીમ લઈને આવે છે, પરંતુ આજે પણ કોઈ ભપકા વગર અઢી ફુટના શાડૂ માટીના ઇકો-ફ્રેન્ડ્લી બાપ્પા સ્થાપિત કરે છે. બાપ્પાના સ્વરૂપમાં તેઓ ઝાઝા ફેરફાર નથી કરતા. ખાસ કરીને બાપ્પાનો ચહેરો બદલાવો ન જોઈએ એવો તેમનો આગ્રહ છે. ગિરનાર પર સાધુ-સંતોનો વાસ છે એ દર્શાવવા ‘દૂધનાકાચા નરેશ’ના હાથમાં કમંડળ અને માળા છે. બાપ્પાને સાધુની જેમ કેસરી રંગની ધોતી પહેરાવાઈ છે. બાપ્પાની બરાબર સામે ભગવાન દત્તાત્રેયનાં ચરણ છે. કૂલિંગ ઇફેક્ટ્સ સાથે લાઇટિંગની વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી છે. ગિરનાર ચડતી વખતે પહાડોમાંથી વહેતા પાણીના ઝરણાનો ખળખળ અવાજ અને પૃષ્ઠભૂમિમાં ગિરનાર ધૂન અને દત્તબાવની ગુંજતી રહે છે. બાપ્પાનાં દર્શન સાથે ભક્તો ગિરનારની પરિક્રમાનો પુણ્ય લાભ મેળવે છે. અનોખી થીમ અને ડેકોરેશન માટે ઇનામો જીતનારું આ મંડળ કલ્યાણ-વેસ્ટ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે.