આજે દિવાળી : જીવનમાં સફળતાનો ઝગમગાટ લાવવા શું કરવું જોઈએ?

31 October, 2024 07:56 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

દિવાળીએ કોઈ એક ભગવાન નહીં, અનેક ભગવાન હાજરાહજૂર કહેવાય છે. જીવનમાં દિવાળી જેવી તેજવાન સફળતા મેળવવા માટે દિવાળીના દિવસે શું-શું કરવું જોઈએ એ જાણવા જેવું છે

પ્રતીકાત્મક તસવીર

વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે દિવાળી. દિવાળી મા લક્ષ્મીની કૃપાનો દિવસ પણ કહેવાય છે તો સાથોસાથ રામના વનવાસ પછી તેમનો અયોધ્યાગમનનો દિવસ એટલે પણ દિવાળી. દિવાળી માટે જૈનો પાસે તેમની વાત છે તો ક્ષત્રિયો અને લોહાણાઓ પાસે તેમના ભગવાનની વાત છે અને એ દરેક વાત સાચી છે, કારણ કે દિવાળી છે જ એવો દિવસ જે જ્વલંત સફળતા સાથે વિકાસના રસ્તાઓ પણ ખોલે. જ્વલંત સફળતા કેમ મળે અને કેવી રીતે પ્રગતિના રસ્તે સડસડાટ આગળ વધવા મળે એના સરસ રસ્તાઓ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. એ રસ્તાઓ પૈકીના કેટલાક ઉપાય સરળ પણ છે અને દરેક વ્યક્તિએ એને જીવનમાં સામેલ કરવાની પણ જરૂર છે.

હવે આપણે કરીએ એ રસ્તાઓની વાત.

કુબેરની આરાધના કેમ ભુલાય?

દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન તો આપણે ત્યાં થાય જ છે, પણ સાથોસાથ કુબેરની આરાધના પણ કરવી જોઈએ. ધનના માલિક એવા કુબેર જો વરસે તો એ પણ ધનવાન બનાવવાનું કામ કરે છે. અક્ષય તૃતીયાના દિવસે કુબેરની પૂજા કરવામાં આવે છે; પણ એક સૂચન છે કે કુબેરનું પૂજન આજના દિવસે પણ ખાસ કરવું, કારણ કે જે લક્ષ્મીજીને પસંદ છે એમાંથી અડધોઅડધ વાતો એવી છે જે કુબેરજીને પણ પસંદ છે.

કુબેરની આરાધનાના ભાગરૂપે આજથી રોજ સુખડનું તિલક કરવાનું શરૂ કરો. આજ્ઞાચક્ર પર કરવામાં આવતું સુખડનું તિલક કુબેરને આકર્ષવાનું કામ કરે છે તો સાથોસાથ એ કામમાં સફળતા આપવામાં પણ નિમિત્ત બને છે. જે મહેનત કરે છે તેને ત્યાં કુબેર પોતાનું સ્થાન બનાવે છે એ જેટલું સાચું છે એટલું જ સાચું એ કે જે મગજનો ઉપયોગ કરીને કામ કરે છે તેના પર કુબેર ધનવર્ષા કરે છે. આ જ કારણ છે કે મજૂરીકામ કરનારાની આવક કરતાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે ડૉક્ટરની આવક વધારે છે. મહેનતમાં મજૂર આગળ છે અને એમ છતાં કુબેર તેને ત્યાં વરસી નથી પડતા.

આજ્ઞાચક્ર પર કરવામાં આવેલું ચંદનનું તિલક મનને શાંત કરે છે, જ્યારે સુખડનું તિલક મનને સતેજ બનાવીને નવા-નવા રસ્તાઓ સુઝાડવાનું કામ કરે છે.

કુબેરને કરો ખુશમખુશ

અક્ષત એટલે કે ચોખા કુબેરને સૌથી પ્રિય છે. આજના દિવસે ગરીબોને ચોખાનું દાન કરો અને નાનાં બાળકોને ચોખામાંથી બનેલી મીઠાઈ ખવડાવો. એમાં ખીર સર્વોત્તમ છે. આ ઉપરાંત આજના દિવસથી નિયમ બનાવો કે ચોખાના લોટથી રોજ કીડિયારું પૂરશો. જો માછલીઓને ચોખાના લોટનું ભોજન આપવું હોય તો એ પણ ઉત્તમ છે. ચોખાના લોટમાં સરખી માત્રામાં દળેલી ખાંડ મિક્સ કરીને કીડી-મંકોડાને કે માછલીઓને ખવડાવવાથી નસીબની તાકાત વધે છે તો સાથોસાથ નસીબમાં જે લખાયું હોય એ મેળવવાનો સમય પણ ઝડપી બને છે. અહીં એક વાત ખાસ કહેવાની કે કુબેરને હંમેશાં સ્વચ્છ અને આકર્ષક દેખાવની વ્યક્તિઓ ગમે છે એટલે શક્ય હોય ત્યાં સુધી ગ્રૂમિંગ થયેલા રહેવું જોઈએ.

સાધુબાવા જેવા બનીને ફરનારા કે પછી પોતાના લુક પર ધ્યાન ન આપનારાઓને ત્યાં કુબેરજી જવાનું ટાળે છે. ફ્રેશ, ગુડ લુકિંગ અને વ્યવસ્થિત ગ્રૂમ થયેલા રહેવાનો પણ સંકલ્પ આજના દિવસે કરો.

વિઘ્નહર્તા વિના વ્યવહાર નહીં

દિવાળીના દિવસે મા લક્ષ્મીના પૂજન અને કુબેરજીની સાથોસાથ વિઘ્નહર્તાને પણ ભૂલવા ન જોઈએ, કારણ કે કાર્યની સફળતામાં સર્વોચ્ચ પરિણામ જો કોઈ આપવાને સમર્થ છે તો એ વિઘ્નહર્તા છે અને આ વાત અજાણતાં જ આજના શુભ દિવસે ભુલાઈ ગઈ છે.

એક સમય હતો જ્યારે દિવાળીના દિવસે લાડુનો પ્રસાદ ચડાવવામાં આવતો. આજે લાડુનો પ્રસાદ ન બનાવી શકો તો કંઈ નહીં, બાળકોમાં લાડુનું વિતરણ કરો એ ખૂબ જરૂરી છે. લક્ષ્મીજી પોતાનું કામ કરશે, કુબેરજી પણ કામ કરશે; પણ ધારો કે વિઘ્નહર્તા નારાજ હશે તો કાર્યની સફળતામાં જોઈએ એવું પરિણામ નહીં મળે અને મન નાસીપાસ થશે. બહેતર છે કે આજના આ શુભ દિવસે વિઘ્નહર્તાને પણ પ્રથમ ક્રમે રાખી, તેમની પણ આરાધના કરીને નવા વર્ષમાં સફળતાનું સર્વોચ્ચ શિખર પાર કરો.

life and style culture news diwali astrology