15 October, 2024 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિનાની આંખ પર માત્ર એક પાંપણ બાકી રહી
ટીવી-ઍક્ટ્રેસ હિના ખાન અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેને જૂન મહિનામાં બ્રેસ્ટ-કૅન્સર ડિટેક્ટ થયું હતું અને અત્યાર સુધી તેની પાંચ કીમોથેરપી થઈ ચૂકી છે. હિનાના શરીર પર કીમોથેરપીની અસર દેખાવા લાગી છે. હિના ખાને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શૅર કર્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે હિનાની આંખ પર માત્ર એક પાંપણ બાકી રહી છે. હિનાએ પોસ્ટમાં લખ્યું છે, ‘તમને મારો અત્યારનો મોટિવેશન સોર્સ જાણવો છે? એક સમયે એ એક મજબૂત અને સુંદર જથ્થાનો ભાગ હતી, જે મારી આંખોની શોભા વધારતી હતી. મારી લાંબી અને સુંદર પાંપણો... બહાદુર, એકલી યોદ્ધા, મારી છેલ્લી પાંપણ મારી સાથે ઊભી છે અને લડી રહી છે. મારા આખરી કીમોમાં એકલી આ પાંપણ મારી મોટિવેશન છે. આ મુશ્કેલ સમયને પણ પાર કરી લઈશું.’
હિનાએ છેલ્લે લખ્યું છે, ‘મેં એક દાયકા કે એના કરતાં વધારે સમયથી ફેક પાંપણો નથી લગાડી, પણ હવે મારે એ લગાડવી પડે છે મારા શૂટ માટે. કંઈ વાંધો નહીં, બધું બરાબર થઈ જશે.’
સ્ટાર પ્લસના ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોથી જાણીતી થયેલી હિના ખાન છેલ્લે ઍમૅઝૉન મિની ટીવીની ‘નામાકૂલ’ સિરીઝમાં જોવા મળી હતી.