01 June, 2020 07:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
'ગોળકેરી' 29મે ના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ છે
વિરલ શાહ દિગ્દર્શિત, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને માનસી પારેખ અભિનિત ફિલ્મ 'ગોળકેરી' 28 ફેબ્રુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને ચાહકોએ બહુ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો હતો. પરંતુ કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે થિયેટરો બંધ થઈ જતા ફિલ્મ બે જ અઠવાડિયા સુધી થિયેટરમાં રહી હતી. એટલે બધા જ દર્શકો તેનો લાભ લઈ શક્યા નહોતા. બધા જ ફિલ્મને માણી શકે તે માટે ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે.
OTT પ્લેટફોર્મ પર ગુજરાતી ફિલ્મ રિલીઝ થતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે. ડાયરેક્ટર વિરલ શાહનો આભાર માનતા અને ફિલ્મની તેમજ દિગ્દર્શનની પ્રશંસા કરતા ફોન અને મેસેજ સતત વિરલને આવી રહ્યાં છે. ફક્ત ફેન્સ જ નહીં પણ ઈન્ડસ્ટ્રીના લોકોએ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે અને આટલી સુંદર ફિલ્મ આપવા માટે વિરલનો આભાર માન્યો છે.
'ગોળકેરી' 29 મે ના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ છે. ફિલ્મ OTT પર રિલીઝ થઈ ત્યારે વિરલે કહ્યું હતું કે, ફિલ્મના OTT રિલીઝ પર એવું લાગી રહ્યું હતું કે જાણે બાળકનું આગમન થઈ રહ્યું હોય.
તમને જણાવી દઈએ કે, ડાયરેક્ટર વિરલ શાહની લેખક તરીકેની આગામી ફિલ્મ છે 'કેસરીયા'. આ ફિલ્મમાં પણ મલ્હાર ઠાકર મુખ્ય ભુમિકામાં છે.