10 January, 2023 11:17 AM IST | Mumbai | Nirali Kalani
લકીરો ફિલ્મના પાત્રમાં રોનક કામદાર અને દીક્ષા જોશી
ફિલ્મ: લકીરો
કાસ્ટ : રોનક કામદાર, દીક્ષા જોશી, વિશાલ શાહ, નેત્રી ત્રિવેદી
લેખક : દર્શન અશ્વિન ત્રિવેદી
ડિરેક્ટર : દર્શન અશ્વિન ત્રિવેદી
રેટિંગ : 2.5/5
પ્લસ પોઇન્ટ : વાર્તા, મ્યુઝિક, સંદેશ
માઇનસ પોઇન્ટ : લંબાઈ, સંવાદો, અન્ય પાત્રોને ઓછી સ્પેસ
ફિલ્મની વાર્તા
જુવાનીના ઉંબરે પહોંચેલી બે વ્યક્તિઓ, હૃષિ (રોનક કામદાર) અને રિચા (દીક્ષા જોશી) ઉચ્ચ અભ્યાસ દરમિયાન એકબીજાને મળે છે. આંખમાં આંખ મળી ગયા બાદમાં સંબંધને નામ આપવા તેઓ લગ્નનના બંધનમાં બંધાય છે. અત્યાર સુધી હેમખેમ ચાલ્યુ આવતું બધુ જ લગ્ન બાદ ઝઘડો, શંકા અને મતભેદોમાં બદલાય જાય છે. વિકટ પરિસ્થિતિ તો ત્યારે સર્જાય છે જ્યારે આ મતભેદો મનભેદમાં પરિવર્તે છે. સામાન્ય કપલની જેમ હૃષિ અને રિચાના લગ્નજીવનમાં પણ નાની-મોટી રકઝક ચાલતી હોય છે. પરંતુ એવામાં રિચા નોકરી કરવાનું શરૂ કરે છે. જ્યારે કે હૃષિ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતો હોય છે. ફેમિલી પ્લાનિંગ અને જૉબને લઈ બંને વચ્ચે અનેક વાર તકરાર થાય છે. નોકરીની જવાબદારી, સ્ટ્રેસ, સમયનો અભાવ તથા સંબંધમાં સર્જાયેલી ગેરસમજણ સંબંધને ખોખલો બનાવી દે છે.
ક્યાંક મેલ-ઈગો તો ક્યાંક ન સાંભળી શકવાની કે ન સમજી શકવાની ક્ષમતા થકી લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ ક્યારે છૂટાછેડા સુધી દોરી જાય છે એનો અણસાર રહેતો નથી, અને એવું જ આ ફિલ્મના પાત્રો સાથે થતું જોવા મળે છે. મતભેદો ધીમે ધીમે મનભેદમાં બદલાઈ જતા રિચા ડિવોર્સ લેવાનું નક્કી કરે છે. ડિવોર્સ બાદ બને છે એવું કે રિચા હૃષિના સંતાનને જન્મ આપે છે. પછી શું થાય છે? હૃષિ રિચા પાસે જાય છે કે નહીં? અને જાય છે તો પણ કોના માટે? બાળક માટે કે રિચા માટે? ડિવોર્સ બાદ બાળકના જન્મથી આ સંબંધમાં શું વળાંક આવે છે? તે તો આ ફિલ્મ જોયા બાદ જ જાણી શકાશે.
પરફોર્મન્સ
રોનક કામદારે આજની મોર્ડન જનરેશનના યુવાન તરીકે બખુબી રીતે હૃષિના પાત્રને ભજવ્યું છે. દેખાવે તો સુંદર ખરો જ પરંતુ કામ બાબતે પણ એટલો જ મહેનતુ અને પેશનેટ. આધુનિક માનસિકતા ધરાવતા પરંતુ સંબંધમાં ક્યાંક કાચા પડતા એવા સ્માર્ટ યુવાન તરીકે રોનક કામદારે ઉમદા અભિનય કર્યો છે.
મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ રાખતી અને મહિલાઓને પુરુષોની સમોવડી જોતી એવી આજના જમાનાની સેલ્ફ ડિપેન્ડેટ યુવતી રિચાના રોલને દીક્ષા જોશીએ સારી રીતે ઉજાગર કર્યો છે. તો સાથે સાથે મહિલાના સહનશક્તિના સ્વાભાવને પણ સારી રીતે દીક્ષાએ દર્શાવ્યો છે. શરૂઆતથી એન્ડ સુધી પોતાના પાત્રને જકડી રાખવામાં રોનક અને દીક્ષા બંને સફળ રહ્યાં છે.
રીચાની ફ્રેન્ડના રોલમાં નેત્રી ત્રિવેદી એક અલગ જ અવતારમાં જોવા મળી છે.
જ્યારે કે રિચાના બૉસની ભુમિકામાં વિશાલ શાહે દમદાર અભિનય કર્યો છે. એક મિત્ર અને બૉસના કોમ્બિનેશનમાં વિશાલે લોકોના દિલ જીતી લીધા છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની વાર્તા દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે, જ્યારે કે ફિલ્મનું ડિરેક્શન પણ તેમણે જ કર્યુ છે. વાર્તા અને વિષય ખુબ જ સરસ છે, બિલકુલ આજની જનરેશન સાથે રેલેવન્ટ છે. ફિલ્મની સ્ટોરી આપણી આસપાસ બનતી નાની-મોટી વાસ્તવિક ઘટનાઓથી રુબરુ કરાવે છે. કરિયર ફોક્સ્ડ, સ્માર્ટ, સેલ્ફ કોન્ફિડન્ટ અને સેલ્ફ ડિપેન્ડેટ યુવાનો લગ્નજીવન જેવા પાકા સંબંધોમાં ક્યાં કાચાં પડે છે તે બાબતને ખુબ જ સચોટ રીતે રજૂ કરવામાં આવી છે. લગ્નજીવનમાં શું કરવુ જોઈએ તે તો ઘણી ફિલ્મમાં દર્શાવાયું છે, પણ શું ન કરવું જોઈએ એ આ ફિલ્મમાં જોવા મળશે. આટલી સરસ વાર્તા નબળા સંવાદોને કારણે ધારદાર અસર પાડવામાં ઢીલી પડી છે. તેમજ સંબંધો એ લાગણી સાથે જોડાયેલા હોવાથી ઈમોશનલ સીન જો વધારે અસરકારક હોત તો દર્શકોના દિલને વધુ સ્પર્શી જાત. આ ઉપરાંત કપલના પરિવારની ભૂમિકા નહિવત જેવી છે, જેને થોડી વધુ સ્પેસ આપવાની જરુર હતી.
આજની વાત દર્શકો સમક્ષ મુકવામાં ડિરેક્ટર તરીકે દર્શન અશ્વિન ત્રિવેદીનો પ્રયાસ સરાહનીય છે. પરંતુ ફિલ્માંકનની દ્રષ્ટિએ આ વાતને રજૂ કરવામાં ઢિલાશ અનુભવાઈ છે. એમાંય ફિલ્મની લંબાઈ દર્શકોને થોડી નિરાશા તરફ લઈ જઈ શકે છે. આજના યુવનામાં ધીરજની ખુબ જ કમી છે એ વાસ્તવિકતાને સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
મ્યુઝિક
ફિલ્મની વાર્તા બાદ જો બીજું સબળું પાસું કહેવું હોય તો તે છે સંગીત. ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. આ ફિલ્મમાં જૅઝ સંગીતનો ઉપયોગ થયો છે. ફિલ્મનું ટાઈટલ સોંગ અને અન્ય ગીતો પણ દર્શકોને મુખે ચઢી જાય એવા છે. ઈમોશનલ ગીતમાં વિશાલ દદલાનીનો અવાજ હ્રદયસ્પર્શી છે તો બૅની દયાલના પોપ સોન્ગ પર ઝુમવાનું મન થઈ જાય છે.
ફિલ્મ જોવી કે નહીં?
ધીરજનો અભાવ ધરાવતાં યુવાનોએ લગ્નજીવનને આંનદિત અને સુખી બનાવવા શું કરવું જોઈએ એ ઘણી જગ્યાએ સાંભળ્યુ હશે. પરંતુ શું-શું ન કરવું જોઈએ તે જાણવું હોય તો આ ફિલ્મ સારો વિકલ્પ છે.