28 January, 2026 03:36 PM IST | Mumbai | Rashmin Shah
કરણ જોહર સાથે અંકિત સખિયા.
ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના ડિરેક્ટર અંકિત સખિયાને સામેથી મળવા બોલાવ્યા પછી ડિરેક્ટર કરણ જોહરે તેને આમ કહ્યું. લગભગ પોણો કલાકની આ મીટિંગમાં અંકિતને એક જ ડર હતો કે જો કરણભાઈ બવ અંગ્રેજી ફાડ-ફાડ કરશે તો સમજવામાં વાંધા પડશે, પણ એવું થયું નહીં
૧૫૦ કરોડના આંકડાના બિઝનેસને ક્રૉસ કરીને હવે હિન્દીમાં પણ ઑડિયન્સને ઍટ્રૅક્ટ કરતી ગુજરાતી ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે’નો ડિરેક્ટર અંકિત સખિયા રવિવારે બૉલીવુડના ધુરંધર ફિલ્મ-ડિરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરને તેમના ઘરે મળ્યો હતો. અંકિતને મળવાની ઇચ્છા બીજા કોઈએ નહીં પણ કરણ જોહરે વ્યક્ત કરી હતી અને અંકિત તેમને મળવા ગયો હતો. અંકિતને ગયા અઠવાડિયે જ ફોન આવ્યો હતો કે કરણ જોહર તેને મળવા માગે છે અને અંકિત ત્યારથી જ ઉત્સાહી હતો. અંકિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મળ્યા પછી મેં ધ્રૂજતા અવાજે તેમને એટલું જ કીધું કે ‘કૉફી વિથ કરણ’માં બોલો છો એમ બવ ફાડ-ફાડ અંગ્રેજી નઈ બોલતા, મને સમજવામાં વાંધા પડશે.
અંકિતની વાત સાંભળીને સ્વાભાવિક રીતે કરણ જોહર હસી પડ્યો હતો. પોતાની એ મુલાકાતને યાદ કરતાં અંકિત કહે છે, ‘અમે લગભગ પોણો કલાક બેઠા. શરૂઆતમાં તો હું તેને જોતો જ રહ્યો. આપણે જેની ફિલ્મો જોઈ-જોઈને આટલું શીખ્યા હોઈએ તે આપણી સામે બેઠો હોય તો ચોખ્ખી વાત છે કે આપણી બોલતી બંધ થઈ જાય, પણ પછી ધીમે-ધીમે હું ખૂલવા માંડ્યો. કરણભાઈની ખાસ વાત કહું. તેણે બપોર સુધી એકેય જાતની મીટિંગ નહોતી ગોઠવી. બસ, ખાલી મારી સાથે બેસવાનો એક જ તેમનો પ્લાન હતો.’
કરણ જોહરે અંકિતને ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશે ઘણું પૂછ્યું અને સાથોસાથ એ પણ કહ્યું કે તેં જે કામ કર્યું છે એ તો સાઉથના ફિલ્મમેકર્સ પણ કરી નથી શક્યા. એ લોકો ૧૦૦-૧૫૦ કરોડની ફિલ્મ બનાવીને ૪૦૦-૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે, પણ તેં તો દોઢ-બે કરોડની ફિલ્મ બનાવીને આટલો મોટો બિઝનેસ કર્યો. અંકિત કહે છે, ‘કરણભાઈએ મને ત્યાં સુધી કહ્યું કે તારી ફિલ્મથી પ્રૂવ એ થયું કે ગુડ સિનેમા ઇઝ ગુડ સિનેમા. મોટા સ્ટાર્સ, મોટું પ્રમોશન કે VFX ન પણ હોય, તમે વાર્તા પ્રામાણિકતાથી કહો તો એ લોકો સુધી પહોંચે જ પહોંચે.’
કરણ જોહરે અંકિતને ડાયરેક્ટ ઑફર તો નથી આપી, પણ હા, એવું કહ્યું કે જો સારો સબ્જેક્ટ હોય તો મને કહેજો. અંકિત કહે છે, ‘જો ડાયરેક્ટ આપણને ઑફર આપી દ્યે તો આપણે તો મરી જાઈ, એટલે તેણેય સમજી-વિચારીને જ આવું કીધું હશે. બાકી વાત રહી સારા સબ્જેક્ટની, તો એ તો ઉપરવાળો સુઝાડે ત્યારની વાત છે. અત્યારે તો હિન્દીના પ્રમોશન સિવાય મારા મનમાં બીજું કાંઈ ચાલતું નથી.’
સતત ટ્રાવેલિંગમાં હોવાને લીધે કરણે હજી સુધી ગુજરાતી કે હિન્દી ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે’ જોઈ નથી, પણ તેની કંપની ધર્મા પ્રોડક્શન્સના ઘણા ડિરેક્ટર ફિલ્મ જોઈ આવ્યા છે. ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ પણ કરણને ફિલ્મ જોવાનું સજેશન આપ્યું છે. અંકિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે કરણભાઈ માટે શો ગોઠવવાનો ન હોય, તે કહે એટલે મલ્ટીપ્લેક્સવાળા પોતે સ્પેશ્યલ શો ગોઠવી નાખે, પણ મારી ઇચ્છા મોરારીબાપુ માટે શો ગોઠવવાની છે, કારણ કે બાપુને આ પિક્ચર જોવાનું બહુ મન છે.’
ગયા અઠવાડિયે હિન્દી ફિલ્મના પ્રમોશન વખતે અંકિત અને તેની ઍક્ટર-ટીમ દિલ્હી ગઈ ત્યારે મોરારીબાપુની દિલ્હીમાં ચાલતી કથામાં તેઓ બાપુના આશીર્વાદ લેવા ગયા હતા. એ સમયે બાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું, ‘આ છોકરાઓએ બહુ સરસ કામ કર્યું, આપણા સનાતનને ગ્રંથમાંથી કાઢીને લોકોના દિલમાં પહોંચાડી દીધું.’
ચલ અંકિત ફોટો લેતે હૈં...
અંકિતને મીટિંગ પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે કરણ જોહર સાથે તે કોઈ ફોટોગ્રાફ નહીં લે. અંકિત કહે છે, ‘મને એમ કે હું અમારી આ મીટિંગનું કોઈને કહીશ તો કોઈ માનશે પણ નહીં, પણ ક્યેને, સાચા મનથી તમે ક્યો તો તમારું ભગવાન સાંભળે જ.’ મીટિંગ પૂરી થઈ અને બધા ઊભા થયા ત્યારે કરણ જોહરે જ સામેથી અંકિતને કહ્યું, ‘ચલ અંકિત, ફોટો લેતે હૈં...’
કરણ જોહરનું એક અઠવાડિયા માટે ડિજિટલ ડીટૉક્સ
કરણ જોહર સોશ્યલ મીડિયા પર બહુ જ સક્રિય રહે છે; પરંતુ હવે આવતા થોડા દિવસો સુધી તેની પોસ્ટ્સ જોવા નહીં મળે, કારણ કે તેણે પોતાને સોશ્યલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. કરણ જોહરે એક અઠવાડિયા માટે ‘ડિજિટલ ડીટૉક્સ’ અપનાવ્યું છે. કરણે આ બાબતની માહિતી સોશ્યલ મીડિયાના માધ્યમથી આપીને આવું કરવા માટે ભગવાન પાસે શક્તિ પણ માગી છે. આ પહેલાં પણ કરણે ગયા વર્ષે જુલાઈમાં સોશ્યલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો અને એને સારી રીતે ન્યાય પણ આપ્યો હતો. કરણે આ વાતની જાહેરાત કરતાં પોતાના સોશ્યલ મીડિયા સ્ટેટસમાં લખ્યું છે, ‘એક અઠવાડિયાનું ડિજિટલ ડીટૉક્સ! કોઈ ડૂમ સ્ક્રૉલિંગ નહીં! કોઈ DM નહીં! કોઈ પોસ્ટ નહીં! ઈશ્વર મને આનાથી દૂર રહેવાની શક્તિ આપે!’