12 February, 2024 07:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નાસૂર પોસ્ટર
Nasoor Trailer: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ પ્રકારના નવા વિષયો સાથે ફિલ્મ્સ આવી રહી છે. એક પછી એક ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ મલ્હાર ઠાકરની "લગન સ્પેશિયલ" રિલીઝ થઈ છે. એવામાં હવે "નાસૂર" ફિલ્મ પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. હિતુ કનોડિયા અને નિલમ પંચાલ સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘નાસૂર’નું ટ્રેલર આજે લૉન્ચ થયું છે. સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘નાસૂર’નું ટ્રેલર (Nasoor Trailer) રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.
જો ટ્રેલરની વાત કરીએ તો શરૂઆતમાં જ એક જોરદાર સંવાદ સાથે હર્ષવર્ધન (હિતુ કનોડિયા)ની એન્ટ્રી થાય છે. `મારે જે જોઈએ છે એ તમે મને આપો તમને જે જોઈએ છે એ તમને હું આપીશ` હિતુ કનોડિયાનો આ ડાયલોગ સંકેત આપે છે કે તે કોઈક માનસિક સ્થિતિ સામે સંઘર્ષ કરી રહ્યાં છે. માનસિક સ્થિતિ સામે ઝઝુમી રહેલા હિતુ કનોડિયા મનનું ધાર્યુ કરવા કંઈ હદ સુધી જાય છે તેની વિવિધ ઘટનાઓ જોવા મળે છે. ટ્રેલરમાં આગળ નિલમ પંચાલ અને વૈશાખ રતનબેન પણ જોવા મળે છે. હિતુ કનોડિયાની પત્નીના રોલમાં નિલમ પંચાલનો લૂક સુંદર અને આકર્ષક લાગે છે.
‘નાસૂર’ ફિલ્મની વાર્તા એક સફળ બિઝનેસમેન હર્ષવર્ધનની વાર્તા છે જે તેના જીવનથી નાખુશ છે અને ખુબ જ એકલતા અનુભવે છે. એક સુંદર પત્ની, ભાઈ, સફળ કામ અને વ્યવસાયિક સહયોગીઓ હોવા છતાં તેને લાગે છે કે તેના જીવનનો કોઈ હેતુ નથી અને તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે. જ્યારે તે આ જીવનનો અંત લાવવાના તેના પ્રયત્નોમાં નિષ્ફળ થતો જાય છે, ત્યારે તે કેટલાક એવા લોકોને મળે છે જે એને લાગે છે કે તેઓ એને પોતાના મૃત્યુ સુધી પહોંચાડવામાં મદદ કરશે. પણ શું ખરેખર એ જેવું વિચારે છે એવું થાય છે? કે પછી નિયતિ તેમને અલદ જ દિશામાં લઈ જાય છે? એ તો ફિલ્મ રિલીઝ થયાં બાદ જાણી શકાશે.
આ ફિલ્મમાં હિતુ કનોડિયા, નિલમ પાંચાલ સાથે હીના જયકિશન, ડેનિશા ઠુમરા, હેમિન ત્રિવેદી અને વૈશાખ રતનબેન રાઠોડ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટીઝરને દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે, આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અદભૂત બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને મુખ્ય પાત્રોના પ્રશંસનીય અભિનયની ઝલક જોવા મળે છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રિષિલ જોશીએ કર્યુ છે જ્યારે કાજલ મહેતાએ આ ફિલ્મ લખી છે. આ ફિલ્મનું નિર્માણ મનોજ આહિરે મનોજ આહીર પ્રોડક્શન્સ/સ્ટોરીટેલ ફિલ્મ્સ હેઠળ કર્યુ છે. નવા જ પ્રકારની વાર્તા દર્શાવતી આ ફિલ્મ દર્શકોને 23 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.