10 March, 2020 06:34 PM IST | Mumbai | Rachana Joshi
મલ્હાર ઠાકર અને આગામી ફિલ્મ 'કેસરિયા' નું પોસ્ટર
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે તેના ફૅન્સને હોળીના દિવસે પોતાની નવી ફિલ્મના શૂટિંગની જાહેરાત કરીને ખુશીના રંગથી રંગી દીધા છે. ધ્વનિ ગૌતમની ફિલ્મ 'કેસરિયા' નું આજથી શૂટિંગ શરૂ થયું છે. આજથી શૂટિંગ શરૂ થયું હોવાની જાહેરાત મલ્હારે ઇન્સ્ટાગ્રામ પર કરી છે. આ ફિલ્મમાં મલ્હાર ટુરિસ્ટ ગાઈડની ભૂમિકામાં દેખાશે. મલ્હારની સાથે મુખ્ય ભૂમિકામાં મૉડલ રીતુ ભાગવાની અને 'ત્રિદેવીયા' ફેમ અંશુલ ત્રિવેદી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, કેસરિયા ફિલ્મ ૨૦૨૦ નવેમ્બરમાં રીલીઝ થશે.
ફિલ્મની વાર્તા ૧૯૬૫ માં આવેલી દેવ આનંદ અને વહિદા રહેમાનની ફિલ્મ 'ગાઈડ' જેવી છે. આ ફિલ્મમાં મલ્હાર ટુરિસ્ટ ગાઈડની ભૂમિકા ભજવે છે. ફિલ્મના ફર્સ્ટ હાફનું શૂટિંગ કચ્છમાં થશે. જ્યારે બીજા ભાગનું શૂટિંગ સ્કોટલેન્ડમાં થશે. ફિલ્મને ડાઇરેક્ટ ધ્વનિ ગૌતમ કરી રહ્યાં છે અને પ્રસ્તુતકર્તા જીગર ચૌહાણ પ્રોડકશન છે. જ્યારે ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે અને ડાયલોગ વિરલ શાહે લખ્યા છે. વાર્તા લખવામાં ધ્વનિ ગૌતમ અને ડાયલોગમાં આમ્ત્યાએ સાથ આપ્યો છે. સંગીત રાહુલ મુંજારીયાનું છે.
આ વર્ષે મલ્હારની અનેક ફિલ્મો આવવાની છે. ગત મહિને જ તેની ફિલ્મ 'ગોળકેરી' રીલીઝ થઈ હતી. જે થિયેટરમાં અત્યારે ધૂમ મચાવી રહી છે. જ્યારે વર્ષની શરૂવાતમાં જ તેને રાહુલ ભોલે દિગ્દર્શિત 'વિકિડાનો વરઘોડો', રેહાન ચૌધરીની 'ઘૂંઆઘાર' નું શૂટિંગ આટોપી લીધું છે. એક ફિલ્મ રીલીઝ થઈ ગઈ અને બીજીનું શૂટિંગ ચાલુ કર્યું છે. તેમજ પ્રણવ શાહની 'સારાભાઈ' ફિલ્મ પણ આ દિવાળીમાં રીલીઝ થવાની છે. એટલે ફૅન્સ મલ્હારને અક્ષય કુમાર સાથે સરખાવી રહ્યાં છે.
ફૅન્સની અક્ષય કુમાર સાથેની સરખામણીને મલ્હારે ભગવાનની દયા ગણાવી હતી.