28 September, 2026 02:58 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
‘અંબા રમવા આવે’ ગીતમાં રીવા રાચ્છ સાથે મોનલ ગજ્જર, નેત્રી ત્રિવેદી અને શ્રદ્ધા ડાંગર
આ નવરાત્રી (Navratri 2026) ઢોલના ધબકારે અને ગરબાના તાલ પર ઝૂમવા તૈયાર થઈ જાઓ! ઢોલીવુડ (Dhollywood) ની મોસ્ટ અવેટેડ ડ્રામા ફિલ્મ ‘અંબા’ (Amba) નું પ્રથમ ભક્તિમય અને ઉત્સાહસભર ગરબા ગીત ‘અંબા રમવા આવે’ (Amba Ramva Aave) સત્તાવાર રીતે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ધમાકેદાર રીતે રિલીઝ થઈ ગયું છે.
ગુજરાતી સિનેમામાં ગીર (Gir)ની ધરતી, મા અંબાની ભક્તિ અને માનવ તથા સાવજ વચ્ચેના અનોખા સંબંધ પર આધારિત આગામી ફિલ્મ ‘અંબા’નું (Upcoming Gujarati Film) પ્રથમ ગરબા ગીત ‘અંબા રમવા આવે’ સત્તાવાર રીતે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે. નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (NeemTree Entertainment) અને વિજયગીરી ફિલ્મઓસ (Vijaygiri FilmOs)ના સંયુક્ત ઉપક્રમે, શ્રી પરિમલ નાથવાણી (Parimal Nathwani)ના પાવન આશીર્વાદ સાથે નિર્મિત આ ફિલ્મનું ભક્તિમય ગીત શ્રોતાઓ સમક્ષ મૂકવામાં આવ્યું છે. ભૂમિ નાથવાણી (Bhoomi Nathwani) દ્વારા નિર્મિત અને વિજયગીરી બાવા (Vijaygiri Bava) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે.
દિગ્દર્શક વિજયગીરી બાવા અને લેખક રામ મોરી (Raam Mori)ની જોડી દ્વારા લિખિત આ ફિલ્મ ગીરના જંગલોમાં માનવ અને એશિયાટીક સિંહ વચ્ચેની ભાવનાત્મક નિકટતા, સહજીવન તેમજ એક અનોખી દોસ્તીની હૃદયસ્પર્શી વાર્તાને રૂપેરી પડદે જીવંત કરશે.
ફિલ્મના પ્રથમ ગીત ‘અંબા રમવા આવે’ને જાણીતી સંગીતકાર જોડી કેદાર અને ભાર્ગવ (Kedar-Bhargav) દ્વારા ભક્તિ અને ઉત્સાહના સુંદર સંગમ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. મિલિન્દ ગઢવી (Milind Gadhavi)ના લખાણ અને ગાયિકા વ્રત્તિની પુરોહિત (Vrattini Purohit)ના સુમધુર અવાજે ગીતમાં ભક્તિભાવ, ગરબાનો ઉત્સાહ અને ગુજરાતી સંસ્કૃતિની આગવી ઝલક ઉમેરી છે.
આ ગરબા ગીતમાં ફિલ્મની મુખ્ય અદાકારા રીવા રાચ્છ (Reeva Rachh) સાથે ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રીઓ મોનલ ગજ્જર (Monal Gajjar), નેત્રી ત્રિવેદી (Netri Trivedi) અને શ્રદ્ધા ડાંગર (Shraddha Dangar) ખાસ અંદાજમાં ગરબા રમતી જોવા મળે છે.
ગીતનું મુખ્ય આકર્ષણ ગરબાના રંગમાં રંગાયેલો પાઘડીધારી સિંહ છે, જે ગીરની સંસ્કૃતિને રજૂ કરે છે. આ ઉપરાંત, અનુભવી કલાકારો ફિરોઝ ઈરાની (Feroze Irani) અને સ્વાતિ દવે (Swati Dave) પણ ગીતમાં વિશેષ આકર્ષણ જમાવે છે. ફિલ્મમાં દર્શન પંડ્યા (Darshan Paandya), જગજીતસિંહ વાઢેર (Jagjeetsinh Vadher), એલેસાન્ડ્રા વ્હીલન (Alessandra Whelan), ગૌરાંગ આનંદ (Gaurang Anand) અને રિદ્ધિ ડાંગર (Riddhi Dangar) પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે.
સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની ફિલ્મોમાં યાદગાર કામગીરી માટે જાણીતા સમીર તન્ના (Samir Tanna) અને અર્શ તન્ના (Arsh Tanna)એ આ ગીતની કોરિયોગ્રાફી કરી છે.
નિર્માતા ભૂમિ નાથવાણી અને દિગ્દર્શક વિજયગીરી બાવાના જણાવ્યા અનુસાર, આ ગીત માત્ર ઉત્સવની ઉજવણી નથી પરંતુ ગીરની સંસ્કૃતિ અને મા અંબા પ્રત્યેના અપાર પ્રેમનું પ્રતીક છે. ભૂમિ નાથવાણી દ્વારા નિર્મિત અને વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.