Bey Yaar Re-release:પ્રતીક ગાંધીની પહેલી ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં થશે રી-રિલીઝ

11 September, 2024 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જૂની અને અર્બન ગુજરાતી ફિલ્મોને જૂદી પાડનાર ફિલ્મોમાં સૌથી વધારે લોકપ્રિય થયેલી ફિલ્મ એટલે પ્રતીક ગાંધી અને દિવ્યાંગ ઠક્કર સ્ટારર, અભિષેક જૈન દિગ્દર્શિત, અને સિનેમેન પ્રૉડક્શન્સ દ્વારા રજૂ થયેલી ફિલ્મ `બે યાર` સિનેમાઘરોમાં ફરી એકવાર રિલીઝ થશે.

બે યાર (તસવીર સૌજન્ય: પ્રતીક ગાંધી ઈન્સ્ટાગ્રામ)

જૂની અને અર્બન ગુજરાતી ફિલ્મોને જૂદી પાડનાર ફિલ્મોમાં સૌથી વધારે લોકપ્રિય થયેલી ફિલ્મ એટલે પ્રતીક ગાંધી અને દિવ્યાંગ ઠક્કર સ્ટારર, અભિષેક જૈન દિગ્દર્શિત, અને સિનેમેન પ્રૉડક્શન્સ દ્વારા રજૂ થયેલી ફિલ્મ `બે યાર` સિનેમાઘરોમાં ફરી એકવાર રિલીઝ થવા જઈ રહી છે.

10 વર્ષ પહેલા રિલીઝ થયેલી, પ્રતીક ગાંધીની પહેલી ગુજરાતી ફિલ્મ અને સતત લોકોના મન પર રાજ કરનારી આજે પણ એટલી જ પ્રસ્તુત આ ફિલ્મ સિનેમાઘરોમાં ફરી રિલીઝ થવા જઈ રહી છે જેની માહિતી પ્રતીક ગાંધીએ પોતે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શૅર કરીને આપી છે. તેમણે ફિલ્મના પોસ્ટર પણ શૅર કર્યા છે. અહીં તેમણે દિવંગત અભિનેતા અમિત મિસ્ત્રીને પણ દિલથી યાદ કર્યા છે. તેમને આ ફિલ્મની રી-રિલીઝ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ક્યારે અને ક્યાં જોવા મળશે આ ફિલ્મ?
સિનેમાઘરોમાં આ ફિલ્મ 13 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ફરી રિલીઝ કરવામાં આવશે, તેથી તમારા નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ 13 સપ્ટેમ્બરથી જોઈ શકાશે. તમારી સૌથી પ્રિય ફિલ્મ 13 સપ્ટેમ્બર 2024ના રોજ તમને સિનેમાઘરોમાં જોવા મળશે.

તપન અને ચિંતનની મસ્તી સાથેની તેમની મિત્રતાને દર્શાવતી આ ફિલ્મમાં મનોજ જોશી, દર્શન જરીવાલા, દિવ્યાંગ ઠક્કર, પ્રતીક ગાંધી, અમિત મિસ્ત્રી અને સુવાલકા જેવા સિતારાઓ જોવા મળ્યાં. ફિલ્મ પહેલીવાર 29 ઑગસ્ટ 2014ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મની ન્યૂ યૉર્ક ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન કરવામાં આવેલી પહેલી ગુજરાતી ફિલ્મ પણ છે.

પોતાની પ્રથમ સફળ ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ ની સફળતા બાદ દિગ્દર્શક અભિષેક જૈન એ પોતાની બીજી ગુજરાતી ફિલ્મ "બે યાર"ની જાહેરાત કરી હતી, જે મુખ્યત્વે બે ગુજરાતી મિત્રોની મિત્રતા આધારિત છે. આ ફિલ્મની વાર્તા "ઓહ માય ગોડ"ના લેખક ભાવેશ માંડલિયા અને હિન્દી ફિલ્મ "ઓલ ઇઝ વેલ"ના લેખક નિરેન ભટ્ટે લખી હતી. ફિલ્મના સંગીત દિગ્દર્શક સચિન-જીગર છે, જેમણે બોલિવૂડની "શુદ્ધ દેશી રોમાન્સ", "રમૈયા વસ્તાવૈયા" જેવી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. ફિલ્મમાં દર્શન જરીવાલા અને મનોજ જોષી જેવા રંગમંચ અને બોલિવૂડના કલાકારોએ અભિનય કર્યો છે. આ ફિલ્મ થકી કવિન દવે અને મનોજ જોષી ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કરશે. આ ફિલ્મ ૩૫ દિવસમાં અમદાવાદના જુદા જુદા ૫૦ સ્થળો પર ઉતારવામાં આવી છે. ફિલ્મમાં ગુજરાતી મિત્રતાની વાત છે. શૂટિંગ અમદાવાદના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પણ કરવામાં આવ્યુ છે. ફિલ્મનું ટ્રેલર ૧લી ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સિનેપોલિસ, અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યુ હતું.

ફિલ્મને ૨૯ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ ગુજરાત અને મુંબઈના મર્યાદિત મલ્ટીપ્લેક્ષમાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ,ફિલ્મને શરૂઆતના શોમાં જ સફળતા મળતા ફિલ્મના શોની સંખ્યા વધી ગઈ હતી. બે યાર અભિષેક જૈનની કેવી રીતે જઈશ પછીની બીજી એવી ફિલ્મ છે, જેણે મલ્ટીપ્લેક્ષ સિનેમામાં ૧૦૦ દિવસ કરતા પણ વધુ દિવસ સફળતાપૂર્વક ચાલવાનો વિક્રમ બનાવ્યો છે. ફિલ્મની સફળતાને ધ્યાનમાં લઈ ફિલ્મને ઓસ્ટ્રેલિઆ, ન્યુઝીલેન્ડ, દુબઈ, યુ.એસ. અને દુનિયાના અન્ય ભાગોમાં પણ રજૂ કરવામાં આવી હતી.વિદેશમાં પણ ફિલ્મ સફળ થઈ છે.

Pratik Gandhi gujarati film dhollywood news entertainment news manoj joshi instagram