23 January, 2025 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મનો સીન
ફરહાન અખ્તર (Farhan Akhtar) અને રિતેશ સિધવાની (Ritesh Sidhwani)ના એક્સેલ એન્ટરટેઈનમેન્ટ (Excel Entertainment) હંમેશા દર્શકો માટે શ્રેષ્ઠ ફિલ્મો લઈને આવ્યું છે. તેમની બેસ્ટ ફિલ્મોની યાદીમાં વર્ષ ૨૦૧૧માં રિલીઝ થયેલી `ઝિંદગી ના મિલેગી દોબારા` (Zindagi Na Milegi Dobara) હજી પણ એક ખાસ સ્થાન ધરાવે છે. આ ફિલ્મને લોકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો અને તે હજી પણ લોકોના દિલો પર રાજ કરી રહી છે. આ ખરેખર ભારતીય સિનેમાની સૌથી ખાસ ફિલ્મોમાંની એક છે. તેની વાર્તા અને શૈલીનો જાદુ હજી પણ લોકો પર જાદુ કરે છે. આ દરમિયાન, નિર્માતા રિતેશ સિધવાનીએ આ ફિલ્મની સિક્વલ (Zindagi Na Milegi Dobara Sequel) વિશે એક મોટો સંકેત આપ્યો છે.
`ઝિંદગી ના મિલેગી દોબારા` ફિલ્મના અભિનેતા અને નિર્માતા ફરહાન અખ્તરે તાજેતરમાં સોશ્યલ મીડિયામાં એક મજેદાર વીડિયો શેર કર્યો છે જેમાં તે ફિલ્મના અન્ય મુખ્ય કલાકારો, ઋતિક રોશન (Hrithik Roshan) અને અભય દેઓલ (Abhay Deol) સાથે બેઠેલા જોવા મળે છે. આ વિડીયોમાં, ત્રણેય એલેક્ઝાન્ડર ડુમસ (Alexander Dumas) દ્વારા લખાયેલ "ધ થ્રી મસ્કેટીયર્સ" નામનું પુસ્તક જોઈ રહ્યા છે. વીડિયોમાં, ફરહાન અને ઋતિક તેને "અવિશ્વસનીય" અને "ઉત્તમ" કહેતા સાંભળવામાં આવે છે, જ્યારે અભય સ્મિત સાથે પુસ્તક તરફ જુએ છે. ફરહાન અખ્તરે આ પોસ્ટને શૅર કરતા કેપ્શન આપ્યું છે કે, ‘જોયા અખ્તર શું તે સાઇન્સ જોઈ?’ આ સાથે જ અભિનેતાએ રિતેશ સિધવાની અને રીમા કાગતી (Reema Kagti)ને પણ ટેગ કર્યા છે.
`ઝિંદગી ના મિલેગી દોબારા`ના કલાકારોનું આ રિયુનિય ખરેખર મજેદાર હતું, પરંતુ નિર્માતા રિતેશ સિધવાનીની ટિપ્પણીઓએ ફિલ્મની સિક્વલ અંગેની અટકળો વધારી દીધી છે. આના પર કમેન્ટ કરતા, તેમણે લખ્યું છે કે, ‘ચાલો આને હકીકત કરીએ બૉય્ઝ!’
રિતેશ સિધવાનીની આ કમેન્ટે નિઃશંકપણે ઉત્સાહમાં વધારો કર્યો છે અને આ પ્રિય ફિલ્મ `ઝિંદગી ના મિલેગી દોબારા`ની સિક્વલ વિશે ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે. હવે ચાહકો વધુ અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઝોયા અખ્તર (Zoya Akhtar) દ્વારા દિગ્દર્શિત ફિલ્મ `ઝિંદગી ના મિલેગી દોબારા` બોલિવૂડ ક્લાસિક છે જે મિત્રતા, સાહસ અને સ્વ-શોધને સુંદર રીતે મિશ્રિત કરે છે. વર્હ ૨૦૧૧માં રિલીઝ થયેલી આ ફિલ્મ ત્રણ બાળપણના મિત્રો - અર્જુન (ઋતિક રોશન), કબીર (અભય દેઓલ) અને ઇમરાન (ફરહાન અખ્તર) ને સ્પેનની રોડ ટ્રીપ પર લઈ જાય છે જ્યાં તેઓ તેમના ડરનો સામનો કરે છે, સંબંધો સુધારે છે અને જીવનના સારને ફરીથી શોધે છે. આકર્ષક દ્રશ્યો, ભાવનાત્મક સાઉન્ડટ્રેક અને હૃદયસ્પર્શી વાર્તાને કારણે ફિલ્મ `ઝિંદગી ના મિલેગી દોબારા` દર્શકોના દિલ પર રાજ કરી ગઈ હતી. વર્તમાન ક્ષણે જીવવા અને જીવનને સ્વીકારવાની ફિલ્મની થીમ્સે તેને વિશ્વભરના ચાહકોમાં કાયમી પ્રિય બનાવી છે. હવે જ્યારે તેની સિક્વલની ચર્ચા થઈ રહી છે ત્યારે ફેન્સ બહુ જ ઉત્સુક છે.