‘મેં મારાં બેસ્ટફ્રેન્ડ ગુમાવ્યાં’.. દાદી આશા ભોસલેના નિધન પછી છલકાયું પૌત્રી ઝનાઈનું દર્દ

14 April, 2026 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Zanai Bhosle’s first post after Asha Bhosle’s death: રવિવારે આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે નિધન થયું; આજે તેમની પૌત્રી ઝનાઈ ભોસલેએ દાદીને યાદ કરીને ઈમોશનલ પોસ્ટ શૅર કરી છે; આ પોસ્ટ દ્વારા ઝનાઈએ પોતાની દાદી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલે (Asha Bhosle)ના રવિવારે થયેલા આકસ્મિક અવસાનથી સમગ્ર દેશ હજી પણ શોકમાં ડૂબેલ છે. તેમની પૌત્રી ઝનાઈ ભોસલે (Zanai Bhosle)ને સૌથી વધુ આઘાત લાગ્યો હોવાના પુરાવા અંતિમ યાત્રાની તસવીરો આપતી હતી. હવે આ બાબતનો હજી એક પુરાવો મળ્યો છે. આશા ભોસલનેના નિધન પછી પૌત્રી ઝનાઈ ભોસલેએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે પોતાની વ્હાલી દાદી સાથેની સુંદર યાદોને તાજી કરી છે. ઝનાઈએ આશાજીનો એક હૃદયસ્પર્શી વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેઓ ઝનાઈ માટે ગીત ગાઈ રહ્યા છે. આ સાથે તેમણે એક હૃદયસ્પર્શી જાય તેવી નોંધ લખતા પોતાની દાદીને `પાર્ટનર-ઈન-ક્રાઈમ` (તરીકે સંબોધ્યા છે. આ પોસ્ટ બંને વચ્ચેના અતૂટ અને પ્રેમાળ સંબંધોની ઝલક આપે છે, જે જોઈને સોશ્યલ મીડિયા (Social Media) પર ફેન્સ પણ ભાવુક થઈ રહ્યા છે.

ઝનાઈ ભોસલેએ દાદી આશા ભોસલે માટે શેર કરી ઈમોશનલ પોસ્ટ

મંગળવારે, ઝનાઈ ભોસલેએ ઇન્સ્ટાગ્રામ પર આશા ભોસલેનો એક વીડિયો (Zanai Bhosle’s first post after Asha Bhosle’s death) શેર કર્યો જેમાં તેઓ ઝનાઈ સામે જોઈને તેમનું પ્રખ્યાત ગીત `દિલ ચીઝ ક્યા હૈ` ગાઈ રહ્યા છે. આ સાથે તેણે એક અત્યંત ભાવુક કેપ્શન લખ્યું છે, ‘આજે સવારે જ્યારે હું જાગી, ત્યારે મને સમજાયું કે મેં મારી `પાર્ટનર ઇન ક્રાઈમ`, મારી શ્રેષ્ઠ મિત્ર અને એ વ્યક્તિને ગુમાવી દીધી છે જેણે મારી આખી દુનિયા પૂર્ણ કરી હતી. મારા જન્મ સમયે મને સૌથી પહેલા તેડનાર વ્યક્તિ પણ તેઓ જ હતા. હવે હું શું કરું? સવારે ઉઠીને હું કોને ગળે લગાવીશ અને કોની સાથે ચા પીશ? દરરોજ ઘરે આવું ત્યારે કોણ મારી રાહ જોતું હશે, અથવા હું કોની સાથે આવા નકામા જોક્સ (lame jokes) કરીશ?’

તેણે આગળ સુપ્રસિદ્ધ ગાયિકાના ચાહકો અને સ્નેહીજનોને વિનંતી કરી કે તેઓ આશાજીને હંમેશા જીવંત અને હસમુખા વ્યક્તિત્વ તરીકે યાદ રાખે. તેણે લખ્યું છે કે, ‘તેમને યાદ રાખવા માટે આ તો માત્ર ગણતરીની વાતો છે, પરંતુ જે લોકોએ મારી સાથે આ ખોટ અનુભવી છે, તેઓ યાદ રાખે કે તે `જીવન` અને `હાસ્ય`ની સાચી વ્યાખ્યા હતા અને છે. તેથી, જો તમારે તેમને યાદ કરવા જ હોય, તો માત્ર આ રીતે જ યાદ કરજો!! તે અત્યારે આપણને બધાને, ખાસ કરીને તેના પરિવારને ઉપરથી જોઈ રહ્યા છે, અને મને વિશ્વાસ છે કે તે ખૂબ જ જલ્દી મારી પાસે પાછા આવશે, કારણ કે તેમણે મને હંમેશા આ જ વચન આપ્યું હતું અને આ જ વાત કહી હતી!!’

અંતમાં ઝનાઈએ લખ્યું છે કે, ‘મેં મારા જીવનના સૌથી પ્રિય વ્યક્તિને ગુમાવી દીધા છે અને આ દુનિયામાં આનાથી મોટું કોઈ દુઃખ નથી. તેથી હું તમને સૌને વિનંતી કરું છું કે તમે તમારા જીવનને પૂરેપૂરું માણો અને તે રીતે જ તેમના જીવનની ઉજવણી કરો!! હું તમને પ્રેમ કરું છું `આશાઆઈ` (Ashaai), અને અત્યાર માટે ગુડબાય મારા વ્હાલ.. મને ખબર છે કે ગમે તે થાય તમે હંમેશા મારી સાથે જ રહેશો, બસ તમે પાછા આવો અને મને ફરી એકવાર ગળે લગાડો તેની રાહ જોઈ રહી છું. PS: આ વીડિયો અમે જે પણ કાર્યક્રમોમાં જતા ત્યાં અમારી વચ્ચેના એક પર્સનલ જોક વિશે છે.’

ઝનાઈ ભોસલેની આ પોસ્ટ દાદી અને પૌત્રી વચ્ચેના ઊંડા અને નિખાલસ સંબંધોની ગવાહી આપે છે, જે વાંચીને સોશ્યલ મીડિયા પર અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ છે.

રવિવારે આશા ભોસલેએ દુનિયામાંથી લીધી વિદાય

હિન્દી સંગીત ઉદ્યોગને પોતાના ગીતોથી નવો આકાર આપનાર અને પેઢીઓ સુધી લોકોના દિલ પર રાજ કરનાર સુપ્રસિદ્ધ ગાયિકાનું ૧૨ એપ્રિલના રોજ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર (અંગોની નિષ્ફળતા)ને કારણે નિધન થયું હતું. તેમના અવસાનના એક દિવસ પહેલા, હૃદય અને શ્વાસ સંબંધિત તકલીફોને કારણે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Breach Candy Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. 92 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના આકસ્મિક અવસાનથી ફિલ્મ અને સંગીત જગતમાં ઊંડા શોકની લહેર છવાઈ ગઈ હતી. સોમવારે, મુંબઈના શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે આશા ભોસલેના પાર્થિવ દેહના પૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

asha bhosle celebrity death zanai bhosle social media instagram viral videos entertainment news bollywood bollywood news bollywood buzz