12 November, 2023 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ
રણવીર સિંહે ગોરેગામમાં આવેલા તેના બે ફ્લૅટ વેચી નાખ્યા છે. રણવીરને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવામાં રસ છે. અનેક સેલિબ્રિટીઝ કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રૉપર્ટી ખરીદે છે. તેણે થોડા સમય પહેલાં બાંદરામાં ક્વૉડ્રુપ્લેક્સ ૧૧૯ કરોડમાં ખરીદ્યો છે. રણવીરે હાલમાં ગોરેગામના તેના બે આલીશાન ફ્લૅટ ૧૫.૨૪ કરોડ રૂપિયામાં વેચ્યા હોવાની માહિતી મળી છે. બન્ને ફ્લૅટ ઑબેરૉય એક્સક્વિસાઇટના ૪૩મા ફ્લોર પર છે. આ ફ્લૅટ રણવીરે ૨૦૧૪માં ૪.૬૪ કરોડમાં ખરીદ્યા હતા. દરેક ફ્લૅટ સાથે ત્રણ પાર્કિંગ મળ્યાં છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા ઑબેરૉય મૉલની નજીક આ ટાવર છે.
રંગોળી બનાવતાં હોળી રમ્યા
કરીના કપૂર ખાને તેના બે દીકરાઓ તૈમુર અને જેહ સાથે રંગોળી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેના દીકરાઓએ રંગ સાથે રમવાનું વધુ પસંદ કર્યું હતું. એનો ફોટો કરીનાએ શૅર કર્યો છે. એમાં દેખાય છે કે કરીના તેના બે દીકરાઓ સાથે જમીન પર બેઠી છે અને બાજુમાં રંગોળી વિખેરાયેલી છે. કરીના રંગોળી જોઈને વિચાર કરતી હોય એવું લાગી રહ્યું છે. બીજા એક ફોટોમાં જેહ રંગ સાથે રમી રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘ઐયો, પરિવાર જ્યારે નક્કી કરે કે રંગોળી બનાવવી કે હોળી રમવી છે, કાંઈ સમજ નથી પડતી. જે કાંઈ પણ હોય, પરંતુ અમને ખૂબ મજા પડી. ચાલો દિવાળી ઊજવવાની શરૂઆત કરીએ.’
સાયરા બાનુની પ્રશંસા કરી મોદીએ
સાયરા બાનુ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખાસ મુલાકાત થઈ હતી. સાયરા બાનુએ ફિલ્મોમાં આપેલા યોગદાનની મોદીએ પ્રશંસા કરી હતી. તેમની આ મુલાકાતનો ફોટો મોદીએ શૅર કર્યા હતા. એક ફોટોમાં બન્ને બેસીને ચર્ચા કરી રહ્યાં છે. બીજા ફોટોમાં બન્ને સાથે ઊભાં છે. આ ફોટોને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને નરેન્દ્ર મોદીએ પોસ્ટ કર્યું હતું, ‘સાયરા બાનુજી સાથેની મુલાકાત પ્રશંસનીય છે. સિનેજગતમાં તેમણે આપેલા અદ્ભુત યોગદાનની દરેક પેઢી પ્રશંસા કરતી રહેશે. અમે અનેક વિષયો પર અગત્યની ચર્ચા કરી હતી.’
ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર સુરેશ વાડકરને
રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ તરફથી વિવિધ અવૉર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. એ કડીમાં પ્રસિદ્ધ સિંગર સુરેશ વાડકરને ‘ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર’ આપવાની ઘોષણા કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્ય પ્રધાન સુધીર મુનગંટીવારે ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર, નટવર્ય પ્રભાકર પણશીકર રંગભૂમિ જીવન ગૌરવ પુરસ્કાર, સંગીતાચાર્ય અણ્ણાસાહેબ કિર્લોસ્કર સંગીત રંગભૂમિ જીવન ગૌરવ પુરસ્કાર, ભારત રત્ન પંડિત ભીમસેન જોશી શાસ્ત્રીય સંગીત જીવન ગૌરવ પુરસ્કાર અને રાજ્ય સાંસ્કૃતિક પુરસ્કારની જાહેરાત કરી છે. આ પુરસ્કાર દર વર્ષે ઉલ્લેખનીય યોગદાન આપનારાઓને આપવામાં આવે છે. સંગીત તથા ગાયન ક્ષેત્રે નોંધનીય યોગદાન આપનાર કલાકારોને ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કારથી નવાજવામાં આવે છે. આ વર્ષે આ સન્માન સુરેશ વાડકરને આપવામાં આવશે.