15 June, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શાહિદ કપૂરની વાઇફ મીરા રાજપૂતે સ્કિન-કૅર બ્રૅન્ડ લૉન્ચ કરી છે. એથી શાહિદે તેના માટે પ્રશંસાભરેલી પોસ્ટ શૅર કરી હતી. તેની બ્રૅન્ડનું નામ Akind છે. મીરા સોશ્યલ મીડિયામાં હેલ્થ, ફિટનેસ અને લાઇફસ્ટાઇલને લઈને માહિતી શૅર કરે છે. હવે સ્કિન-કૅર બ્રૅન્ડને લૉન્ચ કરતાં શાહિદને તેના પર ગર્વ થઈ રહ્યો છે. એ વિશે ઇન્સ્ટાગ્રામ પર શાહિદે લખ્યું કે ‘તું ખરા અર્થમાં દયાળુ (Akind) છે. બેબી મને તારા પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે. તેં અથાક મહેનત કરી છે અને આજે તારું સપનું પૂરું થયું છે. તારા પર મને ગર્વ થઈ રહ્યો છે. એને હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. તારા તરફથી હૅમ્પર મળે એની રાહ જોઈ રહ્યો છું. તું હંમેશાં મને સલાહ આપે છે કે મારી સ્કિન માટે મારે કેવા પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.’
નવાઝુદ્દીન સિદ્દીકી આગામી ફિલ્મ ‘રાઉતુ કા રાઝ’માં ઇન્સ્પેક્ટર દીપક નેગીના રોલમાં દેખાવાનો છે. આ થ્રિલર Zee5 પર ૨૮ જૂને રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે અતુલ તિવારી અને નારાયણી શાસ્ત્રી પણ દેખાશે. ફિલ્મની સ્ટોરી ઉત્તરાખંડના એક ગામની છે જ્યાં પંદર વર્ષ પહેલાં રહસ્યમય ઢબે થયેલા મર્ડરના કોઈ સાક્ષી નથી. એ ફિલ્મ વિશે નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે, ‘મને ક્રાઇમ ડ્રામા જોવા ગમે છે. એથી મને પૂરો ભરોસો છે કે અનોખા ટ્વિસ્ટ સાથેની આ ફિલ્મ લોકોને જરૂર મનોરંજન પૂરું પાડશે. એનાં અતરંગી પાત્રો અને ઉત્તરાખંડની સુંદરતા ફિલ્મને જુદી તારશે.’
અનુષ્કા શર્મા તેનાં બન્ને બાળકો સાથે ન્યુ યૉર્કમાં છે. તેનો હસબન્ડ વિરાટ કોહલી ત્યાં T20 વર્લ્ડ કપમાં બિઝી છે. એથી અનુષ્કા તેને સપોર્ટ કરવા પહોંચી છે. જ્યારે પણ સમય મળે ત્યારે અનુષ્કા અને વિરાટ બાળકો સાથે સમય પસાર કરે છે. તેઓ સાથે ફરવા ગયાં હતાં એનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. હવે અનુષ્કા તેની બાળપણની ફ્રેન્ડ સાથે આઇસક્રીમ ખાવા ઊપડી હતી. એનો વિડિયો તેની ફ્રેન્ડ નૈમિષા મૂર્તિએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. બન્ને આઇસક્રીમ પાર્લરમાં ગઈ હતી. એમાં અનુષ્કા સાથે તેની દીકરી વામિકા પણ હતી.
કરણવીર બોહરાએ કામ પ્રત્યેના સમર્પણનું તાજું ઉદાહરણ આપ્યું છે. તેને શૂટિંગ દરમ્યાન ઈજા થઈ હતી અને છતાં તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. તે હાલમાં સ્ટારપ્લસ પર આવતી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં પોલીસ ભંવર પાટીલના રોલમાં જોવા મળી રહ્યો છે. શોમાં તેની એન્ટ્રી અનેક ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ લઈને આવી છે. એ શોમાં ફાઇટ-સીક્વન્સનું તે શૂટિંગ કરી રહ્યો હતો. એ વખતે તેને ઈજા થઈ હતી. જોકે શૂટિંગમાં કોઈ ખલેલ ન પડે એ માટે તેણે સતત શૂટિંગ ચાલુ રાખ્યું હતું એવું જાણવા મળ્યું છે. હવે તે રિકવર કરી રહ્યો છે. આ શોમાં શક્તિ અરોરા, ભાવિકા શર્મા અને સુમીત સિંહ લીડ રોલમાં છે. આ શો ટૂંક સમયમાં લીપ લેવાનો છે.