03 August, 2024 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરિજિત સિંહ
યુકેની ટૂર કરી પોસ્ટપોન અરિજિત સિંહની યુનાઇટેડ કિંગડમની ટૂર પોસ્ટપોન કરવામાં આવી છે. અગિયાર ઑગસ્ટથી તેની ટૂરની શરૂઆત થવાની હતી. જોકે તેની તબિયત અચાનક બગડી જતાં આ ટૂરને પોસ્ટપોન કરવામાં આવી છે. ઑગસ્ટની જગ્યાએ હવે એને સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. તેમ જ લોકોએ જે ટિકિટ ખરીદી છે એ જ સપ્ટેમ્બરમાં ચાલશે. આ વિશે અરિજિત સિંહે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે ‘ડિયર ફૅન્સ, તમને જણાવીને ખૂબ જ દુઃખ થાય છે કે મેડિકલ કારણસર ઑગસ્ટની કૉન્સર્ટને પોસ્ટપોન કરવામાં આવી છે. હું સમજી શકું છું કે તમે લોકો આ કૉન્સર્ટ્સને લઈને કેટલા ઉત્સુક હતા. તમને નારાજ કરવા માટે માફી માગું છું. તમારો પ્રેમ અને સપોર્ટ જ મારી તાકાત છે.’
ઑટોટ્યુનનો ઉપયોગ કરવા છતાં સિંગર્સનો અવાજ એકસરખો સંભળાય : સુનિધિ
સુનિધિ ચૌહાણને ઑટોટ્યુનનો ઉપયોગ કરવો બિલકુલ પસંદ નથી. ઘણા સિંગર્સ ઑટોટ્યુનનો ઉપયોગ કરે છે. ઍક્ટર્સ સિન્ગિંગ માટે ઑટોટ્યુનનો ઉપયોગ કરે એ સમજી શકાય, પરંતુ સિંગર્સ પણ હવે એનો ઉપયોગ કરે છે. આ વિશે વાત કરતાં સુનિધિ કહે છે, ‘હું ઑટોટ્યુનનો ઉપયોગ નથી કરતી પરંતુ અન્ય લોકો કરે છે. મેં ઘણા સિંગર્સને એવું કહેતા સાંભળ્યા છે કે ‘હું માઇક પર અવાજ તો આપીશ, પરંતુ ઑટોટ્યુનનો ઉપયોગ તો થશેને?’ ઑટોટ્યુનનો ઉપયોગ કરવામાં આવે તો પણ દરેકનો અવાજ એકસરખો આવે છે.’
શહનાઝ ગિલે હૉલીવુડના વૉક ઑફ ફેમની મુલાકાત લીધી
શહનાઝ ગિલે હાલમાં હૉલીવુડના વૉક ઑફ ફેમની મુલાકાત લીધી હતી. તેના માટે આ ફૅન મોમેન્ટ હતી. લૉસ ઍન્જલસમાં આવેલા હૉલીવુડ વૉક ઑફ ફેમની મુલાકાત દરમ્યાનનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યો હતો. થોડા સમય પહેલાં તેણે અમેરિકાના માયામીની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેને રૂમમાં નેગેટિવ એનર્જીનો એહસાસ પણ થયો હતો.