રિશી કપૂરને ધ્યાનમાં રાખીને કૅરૅક્ટર્સ લખ્યાં હતાં કુણાલ કોહલીએ

03 May, 2020 06:36 PM IST  |  Mumbai Desk | Agencies

રિશી કપૂરને ધ્યાનમાં રાખીને કૅરૅક્ટર્સ લખ્યાં હતાં કુણાલ કોહલીએ

કુનાલ કોહલી

‘હમ તુમ’ અને ‘ફના’માં રિશી કપૂરને ડિરેક્ટ કરનાર કુણાલ કોહલીએ જણાવ્યું હતું કે તેણે તેમને માઇન્ડમાં રાખીને જ તેમનાં પાત્રો લખ્યાં હતાં. કુણાલનું એમ પણ કહેવાનું છે કે રિશી કપૂરને તેમની પ્રામાણિકતા અને સેન્સ ઑફ હ્યુમરને કારણે હંમેશાં યાદ કરવામાં આવશે. રિશી કપૂર સાથેનો પહેલો સીન ડિરેક્ટ કરવાનો અનુભવ શૅર કરતાં કુણાલે કહ્યું હતું કે ‘એ વખતે હું ખૂબ જ ઉત્સાહી અને આશાવાદી હતો. અમે રિશી કપૂરના કૅરૅક્ટર જેનું નામ અર્જુન હતું એનો સીન શૂટ કરી રહ્યા હતા. સીનમાં એવું દેખાડવામાં આવ્યું હતું કે તે પોતાના દીકરા કરણનો સામાન ઘરની બહાર ફેંકી દે છે. એ વખતે મેં કટ કહી દીધું અને તેમને મેં કહ્યું હતું કે આપણે હજી એક વખત શૂટ કરવાનું છે. તેમણે મને પૂછ્યું, શું કામ? એવું તે આ સીનમાં શું મિસિંગ હતું? મેં તેમને વર્ણવ્યું હતું કે ‘મને તમારી સ્માઇલ જોઈએ છે જે તમારે દરવાજો બંધ કરતી વખતે દેખાડવાની છે, કારણ કે ખરા અર્થમાં તમે કંઈ ઉદાસ નથી. તમારે તો માત્ર તમારા દીકરાને મૂરખ બનાવવાનો છે. રિશીજીએ મારી સામે જોયું અને કહ્યું કે ‘હું ખુશ છું કે તને પૂરી માહિતી છે કે તને શું જોઈએ છે. હું હંમેશાં ઉદાસ થઈ જાઉં છું એ જાણીને કે જ્યારે ડિરેક્ટરને જ સ્પષ્ટતા નથી હોતી કે તેમને કલાકાર પાસેથી શું જોઈએ છે. ચાલો ફરીથી સીન શૂટ કરીએ.’ રિશીજીએ અનેક લેજન્ડ્સ જેવા કે રાજ કપૂરથી માંડીને યશ ચોપડા, રમેશ તલવાર અને મનમોહન દેસાઈ સાથે કામ કર્યું હતું. એથી તેમના માટે ડિરેક્ટરને દરેક વાતની સ્પષ્ટતા હોવી જરૂરી હતી.’

‘હમ તુમ’ અને ‘ફના’માં રિશી કપૂરના પાત્રને લઈને કુણાલે કહ્યું હતું કે ‘મેં ‘હમ તુમ’માં અર્જુન કપૂર અને ‘ફના’માં ઝુલ્ફીકારના પાત્ર માટે રિશી કપૂર સિવાય અન્ય કોઈની કલ્પના સુધ્ધાં નહોતી કરી. મને તેમના જેવા જ ઍક્ટરની જરૂર હતી જે આ પાત્રમાં પ્રાણ પૂરી શકે. મેં કદી પણ તેમની સાથે કામ નહોતું કર્યું. જોકે ‘હમ તુમ’માં હીરોના પિતાનું પાત્ર રિશી કપૂર ભજવે એવી મારી ઇચ્છા હતી. તેમની પ્રામાણિકતાને કારણે તેમને આવનારી પેઢીઓ પ્રેમ આપશે. તેઓ જો તમારી નિંદા પણ કરતા હશે તો એમાં વાસ્તવિકતા હશે. હા, લોકો કહેતા હતા કે તેઓ ટીકા કરે છે, પરંતુ તેઓ પ્રેમથી જ ટીકા કરતા હતા. તેમનામાં અલગ પ્રકારની સેન્સ ઑફ હ્યુમર હતી. તેમની પાસે સોના જેવું દિલ હતું. લોકો પ્રતિ પણ તેમને ખૂબ પ્રેમ હતો.’

bollywood bollywood news bollywood gossips kunal kohli entertainment news rishi kapoor