17 June, 2024 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વરા ભાસ્કર
આજે દેશભરમાં બકરી ઈદ (Eid al-Adha) નો તહેવાર ભારે ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર દરેક મુસલમાન બંધુઓ એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. સેલેબ્સે પણ ફેન્સને બકરી ઈદ (Bakrid 2024) ના તહેવારની શુભેચ્છા પાઠવી છે. આ ખાસ અવસર પર અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhasker) એ એક એવું ટ્વિટ કર્યું છે, જેના માટે કેટલાક લોકોએ તેને સપોર્ટ કર્યો તો કેટલાકે તેને ટ્રોલ કરી. અભિનેત્રીએ (Swara Bhasker on Eid al-Adha) શાકાહારીઓ વિરુદ્ધ ટ્વિટ કર્યું છે જેને કારણે હોબાળો મચી ગયો છે.
સ્વરા ભાસ્કરે એક્સ (જે પહેલા ટ્વિટર તરીકે ઓળખાતું હતું) (X - Twitter) પર બકરી ઈદ સંબંધિત એક ટ્વીટ શેર કરી છે, જેને જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે. ફૂડ બ્લોગરની ટ્વિટને રીટ્વિટ કરીને, તેણે શાકાહારીઓ વિરુદ્ધ કંઈક પોસ્ટ કર્યું, જે વાયરલ થઈ ગયું છે.
અભિનેત્રી સ્વરા ભાસ્કરે નલિની ઉનાગર નામની ફૂડ વ્લોગરની ટ્વિટ શેર કરીને શાકાહારી હોવા પર સવાલો ઉઠાવ્યા હતા. નલિની ઘણીવાર ફૂડની તસવીરો શેર કરતી રહે છે. તેણે ભોજનની પ્લેટની તસવીર શેર કરી, જેના પર તેણે લખ્યું, ‘મને શાકાહારી હોવા પર ગર્વ છે. મારી થાળી આંસુ, ક્રૂરતા અને પાપથી મુક્ત છે.’
આ પોસ્ટને રી-શેર કરતાં સ્વરાએ લખ્યું છે કે, ‘સાચું કહું... મને શાકાહારી લોકો વિશે કંઈ સમજાતું નથી. તમારો સંપૂર્ણ આહાર ગાયના વાછરડાઓને તેમની માતાના દૂધથી વંચિત રાખવા, ગાયોને બળજબરીથી ગર્ભાધાન કરવા, પછી તેમને તેમના બાળકોથી અલગ કરવા અને તેમના દૂધની ચોરી કરવાથી આવે છે. આ સિવાય તમે મૂળિયાંવાળા શાકભાજી ખાઓ છો, જે આખા છોડને નષ્ટ કરે છે. તમે આરામ કરો તો સારું રહેશે કારણ કે આજે બકરી ઈદ છે.’
આ પોસ્ટ પર ઘણા લોકો અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરુદ્ધ બોલ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી, ‘હું સંમત છું કે વાછરડાને તેની માતાના દૂધમાંથી અલગ કરવું ખોટું છે, પરંતુ શું તમે આ રીતે લાખો પ્રાણીઓની હત્યાને યોગ્ય ઠેરવી રહ્યા છો? તમને લોકોને એ વાતની સમસ્યા છે કે દિવાળી પર મોટા અવાજે ફટાકડા ન ફોડવા જોઈએ અને હોળી પર પ્રાણીઓ પર રંગો ન નાખવા જોઈએ કારણ કે તેનાથી તેઓને ઈર્ષ્યા થાય છે, પરંતુ તમે પ્રાણીઓની હત્યા કરીને આ તહેવારો ઉજવો એમાં તમને કોઈ વાંધો પણ નથી, એટલું જ નહીં તે તેને ખાઓ પણ છો. તમે માતા બનવાના છો, તમારા એજન્ડા માટે આવી બાબતોને યોગ્ય ઠેરવવાનું બંધ કરો, ખોટાને ખોટું બોલતા શીખો, બાળકને સારા પેરેન્ટિંગની જરૂર છે.’
સ્વરા ભાસ્કરના આ ટ્વિટ પર સોશ્યલ મીડિયા પર યુદ્ધ થઈ રહ્યું છે.