આમિરના ઘરે વિશ કરવા આવેલા શાહરુખે છુપાવ્યો ચહેરો

16 March, 2025 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાનની તસવીરો ફોટોગ્રાફર્સે ક્લિક કરી હતી, જ્યારે શાહરુખ ખાને તેની કારની બારી પર કાળા કાચ બંધ કરીને ફોટોગ્રાફરોથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

બુધવારે રાતે સલમાન ખાન અને શાહરુખ ખાન આમિર ખાનના ઘરે પહોંચ્યા હતા

બુધવારે રાતે સલમાન ખાન અને શાહરુખ ખાન આમિર ખાનના ઘરે પહોંચ્યા હતા. તેઓ ભારે સુરક્ષા સાથે આવ્યા હતા. સલમાનની તસવીરો ફોટોગ્રાફર્સે ક્લિક કરી હતી, જ્યારે શાહરુખ ખાને તેની કારની બારી પર કાળા કાચ બંધ કરીને ફોટોગ્રાફરોથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

આ મુલાકાતનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં આમિર તેના મિત્ર શાહરુખને ચહેરો ઢાંકી લેવાની સૂચના આપે છે. એ વિડિયોમાં શાહરુખ આમિરના ઘરની બહાર નીકળતો જોવા મળે છે. જોકે ફોટોગ્રાફરો તેને જોઈ જાય એ પહેલાં આમિર તેને ચહેરો ઢાંકી લેવા અલર્ટ કરી દે છે. એ પછી શાહરુખ પોતાનો ચહેરો છુપાવવા હુડી પહેરી લે છે.

આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો એ પછી ઇન્ટરનેટ-યુઝર્સે શાહરુખના ચહેરો છુપાવવાના કારણ વિશે અટકળ કરી રહ્યા છે. કેટલાકે અનુમાન લગાવ્યું કે તે પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ માટેનો લુક છુપાવી રહ્યો છે, તો કેટલાકે માન્યું કે તે પુત્ર આર્યનની ધરપકડના કવરેજને લઈને ફોટોગ્રાફરોથી નારાજ છે એટલે તે તેમને ફોટો ક્લિક નથી કરવા દેતો.

આમિર ખાન હાલમાં શીખી રહ્યો છે શાસ્ત્રીય સંગીત

આમિર ખાન સમય મળે ત્યારે નવાં-નવાં કૌશલ શીખવાનું પસંદ કરે છે. ૧૩ માર્ચે મુંબઈમાં જન્મદિવસ પૂર્વેની મીડિયા સાથેની વાતચીતમાં આમિરે ખુલાસો કર્યો હતો કે હું છેલ્લાં બે વર્ષથી શાસ્ત્રીય સંગીત શીખી રહ્યો છું. એ પછી તેણે ૧૯૯૫ની ‘અકેલે હમ અકેલે તુમ’ના ગીત ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’ અને ‘દિલ કહતા હૈ ચલ ઉનસે મિલ’ની કેટલીક પંક્તિઓ ગાઈને સૌને ખુશ કરી દીધા હતા.

આમિરે તેના નવા શોખ વિશે વાત કરતાં કહ્યું હતું કે તેને ગાવા સાથે ખૂબ પ્રેમ છે અને તે ગુરુ સુચેતા ભટ્ટાચાર્ય પાસેથી શાસ્ત્રીય સંગીત શીખી રહ્યો છે. સુચેતા ભટ્ટાચાર્ય એક જાણીતાં ભારતીય શાસ્ત્રીય ગાયક છે અને ભારતના અગ્રણી વૉઇસ ટ્રેઇનર્સમાંનાં એક છે. તેમણે ભારતભરમાં અનેક પૉપ્યુલર સંગીત આલબમ અને શો કર્યાં છે. તેમણે ‘ઝી લિટલ ચૅમ્પ્સ’, ‘સ્ટાર વૉઇસ ઑફ ઇન્ડિયા’, ‘ઝી સારેગામાપા’ અને ‘સૂર ક્ષેત્ર’ જેવા રિયલિટી શોમાં સફળતા હાંસલ કરનારી અનેક યુવા પ્રતિભાઓને તાલીમ આપી છે. એક શિક્ષક તરીકે સુચેતાએ મેઘાલય સરકાર સાથે મળીને શિલૉન્ગ અને તુરામાં ભારતીય અને પશ્ચિમી સંગીતના કેન્દ્રની સ્થાપના કરી છે અને ઉત્તર-પૂર્વ ભારતના સંગીતમય વાતાવરણને વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમણે મુંબઈમાં પ્રતિષ્ઠિત સારેગામાપાધનિસા ઍકૅડેમીના સ્થાપક ડીન તરીકે સેવા આપી છે જેમાં અનેક સફળ સંગીતકારો તૈયાર થયા છે.

aamir khan Salman Khan Shah Rukh Khan bandra bollywood bollywood news entertainment news happy birthday friends viral videos social media