18 November, 2024 10:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રિચા ચઢ્ઢા
ઉત્તર ભારતમાં પ્રદૂષણના ઊંચા સ્તરે માઝા મૂકી છે અને નાગરિકો શ્વાસમાં જે હવા લે છે એની ગુણવત્તા અત્યંત કથળી ગઈ છે એની સામે રિચા ચઢ્ઢાએ વ્યથા ઠાલવી છે. આ વ્યથામાં રિચાએ ભારતની જનતાના ઍટિટ્યુડ પર, એની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવ્યા છે.
વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’વાળા ઍક્ટર અલી ફઝલને પરણેલી અને હાલમાં જ દીકરીને જન્મ આપનાર મૂળ દિલ્હીની રિચા સોશ્યલ મીડિયા પર લખે છે, ‘આપણા ભારતીયોમાં ખરેખર આત્મસન્માનની ભાવના ખૂબ નીચી છે... આશા અને ન્યાયની પણ આપણને ખૂબ જ ઓછી એષણા છે. આખા નૉર્થ ઇન્ડિયામાં હવાની ગુણવત્તા એટલી બધી ખરાબ છે... વર્ષે-વર્ષે વધુ ખરાબ થતી જાય છે... પણ એની સામે કોઈ આંદોલન નથી, ફક્ત સાઇલન્સ છે. સરકાર આપણી પાસેથી દરેક વસ્તુ માટે ઊંચો ટૅક્સ વસૂલે છે અને આ પ્રૉબ્લેમનું કોઈ સૉલ્યુશન નથી આપતી. સત્તામાં કઈ પાર્ટી છે કે તમે કોને સપોર્ટ કરો છો એનાથી કંઈ ફરક નથી પડતો, તમારાં ફેફસાંને એનાથી કોઈ મતલબ નથી.’
મોટી ઉંમરના લોકા, બાળકો, પ્રાણીઓ બધાં હેરાન થાય છે એમ જણાવતાં રિચા કહે છે, ‘તહેવારોની સીઝન અને એ પછીનો ગાળો મોટા ભાગના લોકો માટે ડરામણો હોય છે. અને આપણામાં ધીમે-ધીમે ઝેર પ્રવેશી રહ્યું છે છતાં આપણે કંઈ કરતાં કંઈ નથી કરતા. લોકોને પોતાની કોઈ કિંમત નથી રહી એની આ નિશાની છે.