09 October, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહે ભીડ વચ્ચે રડી રહેલી એક નાનકડી છોકરીને તેડી હતી તે તસવીર
‘સિંઘમ અગેઇન’માં રણવીર સિંહ પોલીસ-ઇન્સ્પેક્ટર ‘સિમ્બા’ના રોલમાં જોવા મળવાનો છે. સોમવારે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું. એમાં દીપિકા પાદુકોણ અને અક્ષય કુમાર સિવાય આખી સ્ટાકાસ્ટ હાજર રહી હતી. આ ઇવેન્ટનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે, જે જોઈને રણવીરના ફૅન્સ તેનાં વખાણ કરી રહ્યા છે.
વિડિયોમાં દેખાય છે કે રણવીર સિંહ ભીડ વચ્ચે રડી રહેલી એક નાનકડી છોકરીને તેડે છે. છોકરી ભીડના કારણે રડી રહી છે ત્યારે રણવીર સિંહ તેને પોતાના ખોળામાં લઈ લે છે. ઘણાબધા લોકો વચ્ચે એ છોકરીને તેડીને રણવીર સિંહ તેને ચૂપ કરાવવાની કોશિશ કરે છે. આજુબાજુની ભીડમાંના અમુક લોકો રણવીર સિંહનું આ જેસ્ચર કૅમેરામાં ક્લિક કરે છે. બાદમાં રણવીર એ બાળકીને તેની મમ્મીને પાછી સોંપે છે. અને છૂટા પડતી વખતે પણ રણવીર સિંહ એ છોકરીનાં આંસુ લૂછે છે અને માથા પર હાથ ફેરવે છે. ‘સિંઘમ અગેઇન’નું ટ્રેલર લૉન્ચ થઈ ગયા બાદ આ બનાવ બન્યો હતો. એક ચાહકે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘રણવીર સિંહ પપ્પા બની ગયો છે... હવે તે એક બાળકનું દર્દ અનુભવી શકે છે. તેને રડતું નથી જોઈ શકતો.’