04 March, 2026 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજપાલ યાદવની ફાઇલ તસવીર
ચેક બાઉન્સ કેસમાં વચગાળાના જામીન મળ્યા બાદ અભિનેતા રાજપાલ યાદવ (Rajpal Yadav) હાલમાં જેલની બહાર છે. અત્યારે અભિનેતા આગામી ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન, ચેક બાઉન્સ કેસમાં (Rajpal Yadav Cheque Bounce Case) રાજપાલ યાદવે સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને સમાચારો વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે એક મહત્વપૂર્ણ ખુલાસો પણ કર્યો છે.
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ક્યારેય કોર્ટમાં ન્યાયાધીશ સામે રડ્યા નથી કે તેમની પાસે પૈસા નથી એવો દાવો કર્યો નથી.
સમાચાર એજન્સીને આપેલી એક મુલાકાતમાં, રાજપાલ યાદવે જણાવ્યું હતું કે, તેના ૯ કરોડ રુપિયાના ચેક બાઉન્સ કેસ અંગે સોશિયલ મીડિયા (Social Media) પર વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. જોકે, રાજપાલે સ્પષ્ટપણે કહ્યું છે કે આ બધી બાબતો પાયાવિહોણી અને અફવાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકોએ સચોટ માહિતી વિના પોતાની વાર્તાઓ ફેલાવી છે, તેથી લોકોએ આવી "કાલ્પનિક વાર્તાઓ" પર વિશ્વાસ ન કરવો જોઈએ.
રાજપાલ યાદવે કહ્યું કે, જો લોકો તેમના ચહેરાને જુએ તો તેમને ફક્ત હાસ્ય જ જોવું જોઈએ, આંસુ નહીં. તેમણે એમ પણ કહ્યું કે, ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકોએ આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો હતો અને તેમનો પરિવાર પણ તેમની સાથે ઉભો રહ્યો હતો.
અભિનેતા રાજપાલ યાદવને તાજેતરમાં કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે અને હવે આગામી સુનાવણી ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ થવાની છે.
શાહજહાંપુર (Shahjahanpur)માં તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે રાજપાલ યાદવને માર્ચ સુધી વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
ગત સુનાવણી દરમિયાન, રાજપાલના વકીલે હાઇકોર્ટને માહિતી આપી હતી કે રાજપાલે ૧.૫ કરોડ રૂપિયાનો ડીડી રજૂ કર્યો છે. આ ઉપરાંત, અભિનેતાને તેમનો પાસપોર્ટ પણ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું.
રાજપાલ યાદવે ૨૦૧૦ના ચેક બાઉન્સ કેસમાં ૫ ફેબ્રુઆરીએ તિહાર જેલ (Tihar Jail)માં આત્મસમર્પણ કર્યું હતું. તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)એ ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવની સજાને ૧૮ માર્ચ સુધી કામચલાઉ રીતે સ્થગિત કરી હતી. તેમને કેટલીક શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા. ૧૧ દિવસ જેલમાં વિતાવ્યા બાદ તેઓ બહાર આવ્યા હતા.
રાજપાલ યાદવને ૯ કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
તાજેતરમાં, રાજપાલ યાદવે તેમના ચાહકો સાથે પણ શેર કર્યું કે તેઓ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી રહ્યા છે, જે તેમને માત્ર એક અભિનેતા જ નહીં પરંતુ એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે ઓળખ આપશે.