23 November, 2023 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર સંતોષી , સુન્ની દેઓલ
ફિલ્મમેકર રાજકુમાર સંતોષીને લાગે છે કે સની દેઓલની ટૅલન્ટની ઇન્ડસ્ટ્રીએ કદી કદર નથી કરી. આ સાંભળતાં જ સની દેઓલ ખૂબ ઇમોશનલ થઈ ગયો હતો. ગોવામાં આયોજિત ૫૪મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં તેમણે આ વાત કહી હતી. આ રાજકુમાર સંતોષી અને સની દેઓલે ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’માં સાથે કામ કર્યું હતું. હવે આ બન્ને ૨૭ વર્ષ બાદ ફરીથી ‘લાહોર 1947’માં કામ કરવાના છે. એ ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરશે. એ ફેસ્ટિવલમાં ડિરેક્ટર્સ અનિલ શર્મા, રાજકુમાર સંતોષી અને રાહુલ રવૈલની સાથે સની દેઓલે ફિલ્મોને લઈને ચર્ચા કરી હતી. એ દરમ્યાન ફિલ્મની જર્ની વિશે સનીએ કહ્યું કે ‘મારી ફિલ્મની જર્નીને લઈને હું ખૂબ નસીબદાર છું. હું અતિશય ઇમોશનલ થઈ જાઉં છું એ મારી સમસ્યા છે. મેં રાહુલ સાથે મારી ફિલ્મની શરૂઆત કરી એથી હું લકી છું. તેણે મને ત્રણ સરસ ફિલ્મો આપી છે. કેટલીક સફળ થઈ તો કેટલીક ન થઈ. જોકે આજે પણ લોકો એ ફિલ્મોને યાદ કરે છે. આજે હું અહીં મારી ફિલ્મોને કારણે ઊભો છું. ‘ગદર’ જે ખૂબ મોટી હિટ હતી એના બાદ મારો સ્ટ્રગલનો સમય શરૂ થયો હતો, કારણ કે ચોક્કસ વિષય કે સ્ક્રિપ્ટ્સ મને ઑફર નહોતી કરવામાં આવતી. આમ છતાં એ દરમ્યાન મેં કેટલીક ફિલ્મો કરી. વીસ વર્ષનો ગૅપ થયો હતો. જોકે મેં હિમ્મત નહોતી હારી. હું આગળ વધતો ગયો. મારે ઍક્ટર બનવું હતું ન કે સ્ટાર, એથી મેં ફિલ્મો કરવાનું શરૂ કર્યું. મેં મારા ડૅડીની ફિલ્મો જોઈ અને તેમના જેવી વરાઇટીવાળી ફિલ્મો કરવા માગતો હતો.’
સની વિશે રાજકુમાર સંતોષીએ કહ્યું કે ‘મારું એવું માનવું છે કે સનીની ટૅલન્ટની ઇન્ડસ્ટ્રીએ કદર નથી કરી. જોકે ભગવાને તેની સાથે ન્યાય કર્યો છે.’