12 October, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`રિપોર્ટિંગ લાઇવ`નું પોસ્ટર
‘રિપોર્ટિંગ લાઇવ’ એક થ્રિલર ફિલ્મ છે, જેમાં પરિણીતિ ચોપડા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા એક મહત્ત્વાકાંક્ષી અને યુવાન ઇન્વેસ્ટિગેશન જર્નલિસ્ટની છે જેની ભૂમિકા પરિણીતિ ભજવી રહી છે. તે ગેરકાયદે રેતીખનન કરતા માફિયાની ભયાનક અને અંધારી દુનિયામાં ફસાઈ જાય છે. તે પોતાના અનુભવી અને દુનિયાદારીથી કંટાળી ગયેલા કૅમેરામૅન સાથે એક મહત્ત્વના પુરાવાની શોધમાં નીકળે છે. જોકે આ તપાસ ધીમે-ધીમે જીવલેણ ષડ્યંત્રમાં ફેરવાઈ જાય છે. આ થ્રિલર ફિલ્મમાં શેખર સુમન, આદિલ હુસૈન અને અમોલ પાલેકર જેવા કલાકારો પણ જોવા મળે છે. ‘રિપોર્ટિંગ લાઇવ’ નેટફ્લિક્સ પર જોવા મળશે.
ઇમરાન હાશ્મીની સુપરહિટ ફિલ્મ ‘આવારાપન 2’ ૨૦૦૭માં આવેલી મૂળ ફિલ્મની સીક્વલ છે. આ વાર્તામાં શિવમ પંડિતની ભૂમિકા ઇમરાન હાશ્મીએ ભજવી છે. ભૂતપૂર્વ ગૅન્ગસ્ટર શિવમ પંડિત શાંત અને એકલવાયું જીવન જીવી રહ્યો છે. એક દિવસ તેને પોતાની સદ્ગત ગર્લફ્રેન્ડ આલિયાની કબર પાસે એક ત્યજી દેવાયેલી બાળકી મળે છે. તે બાળકીનું નામ આલિયા રાખે છે અને તેને અનાથાશ્રમમાં મૂકી આવે છે. જોકે, તે દૂરથી બાળકી પર નજર પણ રાખે છે. વાર્તામાં આગળ નાની આલિયા ગુમ થઈ જાય છે. ત્યાર બાદ ઇન્ટરપોલના અધિકારી સમર્થ સિંહ તપાસમાં શિવમની મદદ લે છે. તેમને જાણવા મળે છે કે બાળકી બાળકોની તસ્કરી કરતા આંતરરાષ્ટ્રીય ગૅન્ગનો ભોગ બની છે. આ પછી આલિયાને બચાવવાના પ્રયાસમાં એનો સામનો રહસ્યમય સિન્ડિકેટ હેડ નફીસા સાથે થાય છે જેની ભૂમિકા શબાના આઝમીએ ભજવી છે. આ ફિલ્મ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર જોવા મળશે.