18 January, 2024 06:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહિત રૈના
ઇઝરાયલના શો ‘મૅગપાઇ’ની ઇન્ડિયન રીમેકમાં મોહિત રૈના, રોશન મૅથ્યુ અને સારાહ જેન ડાયસ લીડ રોલમાં દેખાશે. આ રીમેક શોનું નામ ‘કાન ખજુરા’ રાખવામાં આવ્યું છે. આ શોમાં મહેશ શેટ્ટી, નિનાદ કામત, ત્રિનેત્ર હલદર, હીબા શાહ અને ઉષા નાડકર્ણી પણ દેખાશે. સોની લિવે રીમેક માટે રાઇટ્સ લીધા છે. ઓરિજિનલ શોમાં એવું દેખાડવામાં આવ્યું હતું કે એક હત્યારાને ૧૭ વર્ષ બાદ એ શરતે જેલમાંથી મુક્ત કરવામાં આવે છે કે તે પોલીસ સાથે કેસને ઉકેલવામાં મદદ કરશે. આ શોની હિન્દી રીમેક વિશે મોહિતે કહ્યું કે ‘થ્રિલરનો ભાગ બનવું હંમેશાંથી રોમાંચક અને એક ઍક્ટર તરીકે પડકારજનક રહે છે. મારા રોલના અનેક શેડ્સ જોવા મળશે અને એને સારી રીતે ભજવવા એક જવાબદારી છે. પાત્રમાં ઊંડા ઊતરવા માટે અમે અનેક લુક્સ પર હાથ અજમાવ્યા હતા. ‘મૅગપાઇ’ ગ્લોબલ સેન્સેશન આખા વિશ્વમાં લોકપ્રિય છે અને એની સ્ટોરી અન્ય દેશમાં પણ દેખાડવામાં આવે એના માટે ભારતીય દર્શકો માટે એને ઍડપ્ટ કરવામાં આવી છે. ચંદન જેવા ફિલ્મમેકર્સ, અદ્ભુત કલાકારો, ટૅલન્ટેડ રાઇટિંગ, ક્રીએટિવ અને પ્રોડક્શન ટીમ સાથે કામ કરવાનો મને આનંદ થઈ રહ્યો છે. શોના વારસાને જાળવી રાખવા અને દર્શકોને કદી ન ભુલાય એવી જર્ની દેખાડવાની અમે સૌએ ખાતરી રાખી છે.’